તાજીનાં નોરતાંનો આરંભ થઇ ગયો છે. આખું ગુજરાત ગરબાના તાલે રમણે ચઢયું છે. ગરબે રમનારા આ ખેલૈયાઓ માટે રાત ટૂંકી ને… વેશ ઝાઝા જેવી પરિસ્થિતિ છે ને પાછી એમાં મન મૂકીને રાસની રમઝટ બોલાવવાની રાત્રિઓ પણ નવ જ છે. નવરાત્રિ એટલે પ્રત્યેક ગુજરાતી યુવક-યુવતીઓ, ગુજરાતણોના ઉરનો થનગનાટ ઝાલ્યો ઝલાય નહીં તેવો અવસર. મન મોર બનીને થિરકવાનો અવસર. નવ નવ દિવસના રાસ-ગરબાથી પણ લોકો કયાં ધરાય છે? વિશ્વનો સૌથી લાંબો ચાલનારો નૃત્ય ઉત્સવ એટલે આપણા ગુજરાતનો નોરતા-ગરબા ઉત્સવ. તેમાં આ વર્ષે ગરબામાં ઘૂમવાનું જોશ યુવાનોનું બમણું થયું છે. કારણ કોરોના મહામારી બાદ આ વર્ષે નિયંત્રણો હળવાં થતાં સર્વત્ર ‘માનો ગરબો રે ઘૂમે રાજને દરબાર!’ રાસ ગરબાની સૂરાવલી સાથે થિરકવા લાગશે. પરંપરાગત રીતે ગરબા લેવાતા હોય તેવી નવરાત્રિ હવે શોધવી પડે છે. તેમ છતાંય નાનાં ગામડાં અને શહેરોમાં કયાંક તેનું અસ્તિત્વ હજુ જળવાયેલું છે. કયાંક શહેરોમાં પણ વરસોથી ચાલી આવતી પારંપારિક નવલી નવરાત્રિના દીવડાઓ હજુ ઝગમગે છે.
પહેલાં તો દિવાળીનું મહત્ત્વ હતું પરંતુ છેલ્લાં કેટલાંય વર્ષોથી નવરાત્રિની ઉજવણીએ માઝા મૂકી છે. નવ નવ દિવસ સુધી આટલા બધાં લોકો એક ઉત્સવમાં જોડાય, અને એની ભવ્યતાથી ઉજવણી કરે એ નાનીસૂની વાત તો નથી જ. ફકત ગુજરાતમાં નહીં દેશવિદેશમાં પણ નવરાત્રિ અતિ ઉત્સાહથી ઉજવાય છે. આનંદની સાથે નવરાત્રિ રોજગારની પણ કેટલી બધી તકો લઇને આવે છે. ગરબા અને ભકિત સંગીતની કેસેટોનું ધૂમ વેચાણ, ઓરકેસ્ટ્રા-ગાયક-ગાયિકાઓ- સોસાયટીઓમાં મંડપ કોન્ટ્રાકટર્સ, લાઇટ ડેકોરેટર્સ, સાઉન્ડ સિસ્ટમ, ખાણીપીણીના કોન્ટ્રાકટ, ગરબા કલાસીસવાળા ઠેર ઠેર કલાસીસ ખોલી કમાય. ટ્રેડિશનલ કપડાંનાં બજાર-ઓર્નામેન્ટસ, હોટલવાળા, પેટ્રોલવાળા બધાંને ધીકતી કમાણી. સર્વત્ર ઉત્સાહ જ ઉત્સાહ- કોઇને કમાવાનું જોશ તો કોઇને સરસ મજાના ચણિયાચોળી, ઓર્નામેન્ટસ ખરીદવાનો ઉત્સાહ.
અમારી અનોખીની જ વાત કરું. નવરાત્રિ શરૂ થાય તે પહેલાં એની મમ્મી સાથે બજાર જઇને નવ દિવસનાં અલગ અલગ ચણિયા-ચોળી, અલગ અલગ દાગીના ખરીદી લાવે. ગરબાની ખૂબ શોખીન. એને ગરબા રમતી જોવી એ જોનાર માટે મોટો લ્હાવો. શું એનો લહેકો- શરીર જાણે ઇલાસ્ટિક જેવું લચીલું. એની સુંદર-સુડોળ કામણગારી કાયા ગરબે રમતાં રમતાં એવી હિલોળા લેતી કે એને જોનારા સહુ મંત્રમુગ્ધ બની જતા. નવરાત્રિ દરમિયાન એટલાં બધાં ઇનામો જીતતી કે એના આખા વરસનો ખર્ચો એમાંથી નીકળી જતો. અનોખી એટલે ગરબાનો પર્યાય. ગરબાએ એને ઓળખ આપી હતી. આત્મવિશ્વાસ અને માન-સન્માન આપ્યાં હતાં. કોલેજમાં પણ અનોખી ‘ગરબા ક્વિન’ નામે ઓળખાતી. અનોખી જોડે ગરબા રમવા યુવાનો બાવરા બનતા. ગરબા એ એની સાધના હતી, લગન હતી. નવરાત્રિના દિવસોમાં એનું રોમ રોમ ગરબા કરવા થનગની ઊઠતું.
અનોખીના ગ્રુપના બધા જ ફ્રેન્ડઝ માટે નવરાત્રિની એ નવલી રાતો યાદગાર પ્રસંગ બની રહેતા. હા, કયારેક કોઇ ફ્રેન્ડઝ અળવીતરાઇ કરે પણ તેઓને કંટ્રોલ કરવાની સૌ સખીઓમાં ત્રેવડ હતી એટલે કયારેય કોઇ અજુગતો પ્રસંગ બન્યો નહીં પણ દિલને કયાં કોઇ એની મનમાની કરતાં અટકાવી શકયું છે? અનોખી એના જ ગ્રુપના સર આલોકના પ્રેમમાં પડી. ગમવું-મળવું-ચાહવું અને પરણવું- ઓળખાણ પરણવા સુધી પહોંચી ગઇ. નવરાત્રિના દિવસોમાં ખીલેલું પ્રેમનું ફૂલ લગ્નના ગુલદસ્તામાં પરિવારની રાજીખુશીથી ગોઠવાઇ ગયું. તેઓના જીવનની શરૂઆત ખરેખર સારી હતી.
આલોક એક સારી કોર્પોરેટ કંપનીમાં જોબ કરે. અનોખી પણ કોલેજમાં પ્રોફેસર. સાસુસસરા પણ સ્વભાવના ખૂબ સારાં પણ લગ્નના બીજે જ વર્ષે નવરાત્રિમાં અનોખી ગરબે રમવા જવા તૈયાર થઇ. આલોકે કહયું કે ‘તું ગરબા રમવા જાય છે એ મને પસંદ નથી. તને બધા ટીકી ટીકીને જોયા કરે એ મને ગમતું નથી.’ અનોખી તો ડઘાઇ જ ગઇ- બોલી, ‘તમે ઘરના દેવસ્થાનમાં નવરાત્રિના નવ નવ દિવસો શકિતના નવ રૂપની ઉપાસના કરો છો, તેમની શકિતઓનો અને સિધ્ધિઓનો મહિમા ગાવ છો અને તેમના નારી સ્વરૂપને એટલે કે મને, મારી શકિતઓને ખુલ્લા દિલથી સ્વીકારી નથી શકતા- તમારો દંભી ચહેરો મેં પિછાની લીધો. નારીશકિતની વંદનાના તહેવારમાં સ્ત્રીની અવહેલના…! અને નારીનું અપમાન એટલે પ્રત્યક્ષ દેવીનું અપમાન!’
ક્ષણ વાર અનોખીને થયું ‘ગરબા રમવા નહીં જાઉં’ પણ ક્ષણમાં વિચાર પલટાયો શા માટે નહીં? મારી નારીશકિતને શા માટે વગર કારણે દબાવી દઉં? હે મા, જગદંબા તારી ભકિત કરવા મને શકિત દે.’ અને આ પ્રાર્થનાથી મનમાં ચેતના સ્ફુરી- ‘સારા- ખરાબ તફાવત સમજવાની સમજણ પણ એક શકિત છે, પોતે નિર્ણય લઇ શકે છે, એ અધિકાર એ પણ એક શકિત છે. ઘરમાં આગવું અસ્તિત્વ જાળવી રાખવું એ પણ એક શકિત છે. હું શિક્ષણ મેળવીને પગભર છું એ પણ એક શકિત છે. મારા પર પોતાની દીકરીની જેમ વિશ્વાસ મૂકવો, પરિવારની એ ફરજ પણ એક શકિત છે. અનોખીની ચેતના જાગૃત બની- જીવનના દરેક ઉબડ-ખાબડ માર્ગ પર પોતાના પગ સ્થિર રાખીને ઊભા રહેવું એ શકિતપુંજ બનવાની મારી સૌથી પહેલી જરૂરિયાત છે.’
અને ‘દાંડિયા ક્વિન’ અનોખી બમણાં જોરથી ઊભી થઇ તૈયાર થઇ. આલોક તો દાંડિયા રમવા ચાલ્યો ગયો હતો પણ સાસુજી વહુ અનોખીની શકિતને પિછાણીને તેની સાથે ગરબે ઘૂમવા ગયાં. જોયું સ્ત્રીઓએ પોતે જ ‘તું તારા દિલનો દીવો થા ને!’ એ ન્યાયે પોતાના તારણહાર બનવું પડશે. માતા અંબાની જેમ રણચંડી બની પોતાની રક્ષા પોતે જ કરવી પડશે. તો વાચકમિત્રો, ગરબા રમવા જવાય કે ન જવાય, માતાજીની મૂર્તિને પગે લગાય કે ન લગાય- તે ચાલશે પણ ઘરની સ્ત્રીઓનું અપમાન ન થાય- સ્ત્રી માત્રનું અપમાન ન થાય તે અગત્યનું છે. તે ગરબા રમવા કરતાં યે ઘણું વિશેષ છે. ‘જયાં જોવું ત્યાં જોગમાયા’ પંકિત ગાઇએ છીએ. અર્થ સમજી ઉતારીએ- સ્ત્રીના દરેક સ્વરૂપમાં જોગમાયાના દર્શન કરવાનો અદ્ભુત બોધ આપ્યો છે.
જે સમાજમાં સ્ત્રી સુરક્ષિત, આનંદિત છે ત્યાં જ દેવીદેવતાનો વાસ છે. ત્યાં જ સ્વર્ગ છે. સૌ જનો સ્ત્રીને શુભ દ્રષ્ટિથી જુએ, માન આપે તો કયાંય સ્ત્રી ભ્રૂણહત્યા, બળાત્કાર ન થાય. સ્ત્રી શોષણ, આપઘાત, અપમૃત્યુના કેસ ન રહે. નવરાત્રીની ખરી સિધ્ધિ તો એ છે કે પુરુષ સ્ત્રી માત્રમાં માતાનું સ્વરૂપ જુએ, દિલથી વંદન કરે, પૂજયભાવ અનુભવે. ફકત નવરાત્રિની ઉપાસનાથી કે ફકત ગરબી રમવાથી સ્ત્રી પ્રત્યેની વંદનીય દ્રષ્ટિ ન કેળવાય. ઘણો પ્રયત્ન જોઇએ. કામવાસના પર કાબૂ મેળવવો પડે પરિણામે બીજા દોષ અને લાલચો સામે સહેલાઇથી રક્ષણ મળે. ચાલો આ શકિત પર્વને માતા, બહેનોના પૂર્ણ સામાજિક વિકાસના અવસર તરીકે વધાવીએ.
મિત્રો, નવરાત્રી અને દશેરાની ખૂબ ખૂબ શુભેચ્છા.