એક દિવસ રેડિયોમાંથી જાહેરાત થઇ કે શહેરના દરિયાકિનારાના વિસ્તારોમાં આંધી આવવાની શક્યતા છે એટલે બને ત્યાં સુધી લોકોએ દરિયાકિનારે જવું નહિ, ઘરમાં જ રહેવું. પોતાને બહુ બહાદુર માનતો કોલેજીયન નિમિત્ત બોલ્યો, ‘અરે, આ હવામાન ખાતાવાળા તો બધાંને ડરાવીને ડરપોક બનાવી દેશે. ફૂંકાતા પવન વચ્ચે દરિયાકિનારાનાં મોજાં માણવાની અનેરી મજા છે. તેમાં એક અજબ થ્રિલ છે. અમે બધા દોસ્તો તો ખાસ જવાના છીએ.’ આ સાંભળી મમ્મી બોલી, ‘ખબરદાર બહાર ગયો છે તો.’ નિમિત્ત જીદ કરીને બોલ્યો, ‘હું તો જઈશ, હું કંઈ આંધી તોફાનથી ડરતો નથી.’
દાદા આ બધું સાંભળતા હતા. તેઓ બોલ્યા, ‘નિમિત્ત, થ્રિલ માટે જાન જોખમમાં ન મુકાય. આ કંઈ બહાદુરી નથી, મુર્ખામી છે. જંગલમાં જયારે પણ આંધી આવે, તોફાન આવે, ગાજવીજ સાથે વરસાદ પડે તો નાનાં મોટાં દરેક જંગલી પ્રાણીઓ જ્યાં હોય ત્યાં, જે મળે તે આશરો શોધી, માથું નીચું નમાવી બેસી જાય છે અને આંધીને પસાર થઇ જવા દે છે. જો પ્રાણીઓમાં આ સમજ છે તો આપણે તો મનુષ્ય છીએ. સમજ્યો, આવી મુર્ખામી ન કરાય.’ દાદાની વાત સાંભળી નિમિત્ત બહાર ગયો નહિ.તોફાનની બહુ અસર ન થઈ. દરિયા પરથી જ પસાર થઇ ગયું. પણ કિનારાના વિસ્તારોમાં મોટાં મોજાં ઉછળ્યાં અને કિનારે મસ્તી કરતાં લોકોમાંથી બે જણ તણાઈ ગયાના સમાચાર પણ આવ્યા. આ સમાચાર સાંભળી દાદાએ નિમિત્તને કહ્યું, ‘નિમિત, સાંભળ આ સમાચાર. મારી વાત માની તું બહાર ગયો નહિ તે સારું કર્યું.’
નિમિત્ત બોલ્યો, ‘દાદા, આમ હંમેશ ડરીને બેસવાનું?’ દાદાએ કહ્યું, ‘હા, એમાં જ સમજદારી છે. આ કુદરતી તોફાન સામે બહાદુરી દેખાડી સામા થવાય નહિ. આંધી દરમ્યાન દોડવાથી તમે ક્યાંય પહોંચી શકો નહિ ત્યારે અટકી જવું જ સારું. આંધીના સમયે આશરો શોધી બેસી જવાય અને અન્યને પણ અટકાવાય કારણ થોડા સમયમાં તે પસાર થઈ જશે. આ વાત જીવનભર યાદ રાખજે.
આ જ રીતે જીવનમાં પણ કોઈ તોફાન સમા મુશ્કેલીભર્યા સંજોગો સર્જાય ત્યારે પણ લડવાની ભાવનાથી સામે દોડવું નહિ. પહેલાં જરા શાંત થઈ બેસી જવું. જરા અટકી જવું. કોઈ આશરો સહારો શોધી શાંતિથી વિચાર કરી માર્ગ કાઢવો. અહીં હું થાકી હારીને કે ડરીને બેસી જવાની વાત નથી કરતો. હિંમત મનમાં જાળવી રાખવી જરૂરી છે, પણ મુશ્કેલી અને તકલીફો વખતે થોડો સમય શાંત થઈ બેસવાથી તેની અસર આપોઆપ ઓછી થતી જાય છે અને શાંત મનથી વિચારવાથી સાચો માર્ગ સૂઝે છે.’દાદાજીએ સાચી સમજ આપી.- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.