દરેક માતા-પિતાએ જાણવા જેવી વાત છે. બે પાડોશીઓ હતા. એક અનુભવી રિટાયર્ડ વૃધ્ધ અને બીજા એક યુવાન ટીચર. બંને જણે પોતાના ઘરના આંગણાના નાનકડા ભાગમાં એકસરખા જ થોડા છોડ ઉગાડ્યા હતા. ટીચર તો પોતાના દરેક છોડની ખાસ કાળજી લે, પાણી દિવસમાં બે વાર પીવડાવે, ખાતર નાખે અને અનુભવી વૃદ્ધ પોતાના છોડની ખાસ કાળજી ના લે. રોજ થોડું પાણી પીવડાવે અને ક્યારેક જ થોડું ખાતર નાખે. ટીચરના છોડનો વિકાસ બહુ જ સરસ હતો. લીલાંછમ ઘટાદાર પાંદડાંથી ભરાયેલો હતો. પરંતુ વૃદ્ધ પાડોશીનો છોડ એકદમ સામાન્ય હતો. બહુ નબળો ન હતો, લીલાંછમ જ હતા પણ સામાન્ય વિકાસ ધરાવતા હતા.
એક દિવસ રાત્રે ખૂબ જ તોફાન સાથે વરસાદ આવ્યો. આખી રાત ધોધમાર વરસાદ પડ્યો. બીજે દિવસે સવારે બંને પાડોશીઓ પોતાના આંગણામાં ઊગાડેલા છોડની પરિસ્થિતિ જોવા બહાર આવ્યાં ત્યારે પોતાના બાગની પરિસ્થિતિ જોઈ ટીચર અવાચક થઈ ગયા. ટીચરના બાગના બધા છોડ ઉખડી ગયા હતા અને પાડોશી વૃદ્ધના બાગના બધા જ છોડ સહીસલામત હતા. પોતાના બાગની આવી પરિસ્થિતિથી દુઃખી થયેલા ટીચરે પાડોશીને પૂછ્યું, ‘‘મને સમજાતું નથી કે હું તો મારા છોડની વધુ પડતી કાળજી રાખતો હતો અને તમે તો કોઈ ખાસ કાળજી રાખતા ન હતા. છતાં મારા છોડ ઉખડી ગયા અને તમારા સહીસલામત રહ્યા. આમ કેમ?’’
વૃદ્ધે અનુભવસમૃદ્ધ જવાબ આપ્યો, ‘‘મારા યુવાન દોસ્ત, તેં તારા છોડોને ઊગવા માટે જે જોઈએ પાણી, ખાતર તે બધું જરૂર કરતાં વધુ માત્રામાં બહુ જ સહેલાઈથી ઉપલબ્ધ કર્યું. તેથી છોડને તેની શોધમાં મહેનત કરવી જ ન પડી. પાણીની શોધ માટે છોડનાં મૂળિયાં માટીમાં ઊંડે સુધી ગયાં જ નહીં તેથી તે ઉખડી ગયા. મેં મારા છોડોને જરૂર પૂરતું પાણી આપ્યું હતું જેથી છોડનાં મૂળિયાં બીજાં પોષક તત્ત્વો અને પાણી મેળવવા જમીનમાં ઊંડે સુધી ગયાં. તારા છોડનાં મૂળિયાં નબળાં હતાં. ઊંડે સુધી ગયાં ન હતાં તેથી તોફાનમાં ઉખડી ગયાં. મારા છોડનાં મૂળિયાં ઊંડાં હતાં તેથી તોફાન સામે ટકી ગયાં.’’ બરાબર આ વાત છોડની સાથે સાથે બાળકોને પણ લાગુ પડે છે. આપનાં બાળકોને જરૂરિયાત પૂરતું પોષણ અને કવચ આપો, પરંતુ બધું જ તૈયાર પૂરું પાડો નહીં. જાતે આગળ વધવા દો. તેમને પોતાનો વિકાસ કરવા જાતે સંઘર્ષ અને મહેનત કરવા દો. તેમનાં મૂળિયાં ઊંડે સુધી જવા દો, મૂળિયાં મજબૂત થવા દો.