અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે (Gujarat High court) શુક્રવારે ગીરના (Gir) સિંહોના (Lion) મામલે રાજ્ય સરકારના કાન આમળ્યા હતા. ગીરના જંગલોમાં સિંહોને શાંતિથી જીવવા દેવા હાઈકોર્ટે સરકારને ટકોર કરી હતી. જંગલ તેમનું ઘર છે. તેમને તેમના ઘરમાં શાંતિથી જીવવા દો. લાયન સફારીમાં ઘટાડો કરો. ગીરના સિંહ ગુજરાતનું ગૌરવ છે. અહીં દર વર્ષે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ (Tourist) સિંહ જોવા આવતા હોય છે. ગીરની સફારીના (Safari) પ્રવાસે આવનારા પ્રવાસીઓની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. આ વર્ષે દિવાળીમાં ખૂબ મોટી સંખ્યામાં ગુજરાત અને ગુજરાત બહારથી પણ પ્રવાસીઓ સિંહની મુલાકાતે આવ્યા હતા. ત્યારે એક સિંહણને 8 જીપ ઘેરી વળી હતી, તે તસ્વીરો વાયરલ થઈ હતી. આ તસ્વીરો જોઈને હાઈકોર્ટ ચોંકી ગઈ હતી અને રાજ્ય સરકાર પર ગુસ્સે ભરાઈ હતી.
તાજેતરમાં લાયન સફારીમાં પ્રવાસીઓથી ઘેરાયેલી સિંહણની એક તસવીર વાયરલ (Viral) થઈ હતી. આ તસ્વીરના ખૂબ વખાણ થયા હતા, પરંતુ હાઈકોર્ટને તે તસ્વીર પસંદ પડી નહોતી. આ તસ્વીરની ગંભીર નોંધ હાઈકોર્ટે લીધી હતી. આ સમગ્ર મામલાને સિંહોની ગીરમાં પજવણીની રીતે હાઈકોર્ટે મૂલ્વી હતી. આ વાયરલ ફોટો હાઈકોર્ટોમાં રજૂ કરાયો ત્યારે હાઈકોર્ટે ગુજરાત સરકારને (Gujarat Government) ટકોર કરી હતી. હાઈકોર્ટે ગંભીર નોંધ લેતા કહ્યું કે, સિંહને પોતાના વિસ્તારમાં પોતાના ઘરમાં શાંતિથી જીવવા દો. સિંહને શાંતિથી જીવવા દેશો તો સિંહ જોવા મળશે. પ્રકૃતિ સાથે ચેડાં કરવા જોઈએ નહીં.
તમને જણાવી દઈએ કે એડવોકેટ હૃદય બૂચે પ્રવાસીઓથી ઘેરાયેલા સિંહણની તસવીર હાઈકોર્ટમાં રજૂ કરી હતી. એડવોકેટે ગિરનાર અભયારણ્યમાં ટુરિઝમ ઝોનનો વિરોધ કર્યો હતો. તેમણે હાઈકોર્ટમાં કહ્યું કે, પ્રાણીઓની પ્રજાતિઓમાં રસ લેનારા અને સિંહો જોવાના તેમના શોખ વચ્ચે સંતુલન બનાવવાની જરૂર છે. આ માટે તપાસ થવી જોઈએ. જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ નિરલ મહેતાએ એશિયાટિક લાયન્સના સંરક્ષણ માટે ગંભીરતાથી નોંધ લીધી હતી.
હાઈકોર્ટે ગીરમાં લાયન સફારીમાં ઘટાડો કરવા સૂચન કર્યુ છે. સમગ્ર મામલે સરકારને અહેવાલ રજૂ કરવાનું HC એ કહ્યું છે. જેબી પારડીવાલાએ કહ્યું કે, ખરેખર તો માણસે પ્રાણીઓના સામ્રાજ્યમાં દખલ કરવી જોઈએ નહીં. આપણી પાસે આફ્રિકાના મસાઈ મારા અને ક્રુગ નેશનલ પાર્ક જેવી સુવિધાઓ નથી. આ સ્થળો પર પહોંચવું સરળ નથી. લોકોમાં સિંહની એક ઝલક જોવી રોમાંચક હોય છે. સરકારે આ મામલે કંઈક કરવુ પડશે. સિંહ અને સિંહણોને શાંતિથી રહેવા દો. તમે તમને હેરાન કેમ કરો છો. જો કોઈને સિંહ જોવા છે તો પ્રાણીસંગ્રહાલયમાં જાઓ. પ્રકૃતિ સાથે છેડછાડ ન કરો. હવે સિંહો શહેરોમાં પણ આવી રહ્યાં છે.