- બાક઼ી સિદ્દીક઼ી
- રહેવા દો હવે તમે પણ મને વાંચી નહીં શકો, વરસાદમાં કાગળની જેમ ભીંજાય ગયો છું હું. વરસાદમાં ભીંજાતા કાગળને વાંચવું એટલે રેતી પર વહાણ ચલાવવા બરાબર. વરસાદમાં ભીંજાતો કાગળ જેમ વાંચી નહીં શકાય તેવું જ ક્યારેક કોઈનો ચહેરો વાંચવામાં પણ બની શકે છે. અહીં આશિક તેની માશૂકાને કહે છે કે, રહેવા દે હવે મારા ચહેરાને તું વાંચી નહીં શકે કારણ કે વરસાદમાં જેમ કાગળ ભીંજાય ગયો હોય તેને વાંચી શકવો મુશ્કેલ હોય છે. એવી જ રીતે સંજોગોએ એવા હાલ કર્યા છે કે આ ચહેરાને તું વાંચી નહીં શકે. માણસ સંજોગો સાથે હંમેશાં સંઘર્ષ કરતો રહે છે. ક્યારેક સંજોગો તમને એવી હાલતમાં લાવી દે કે તમને ખાસ ચાહનારા પણ તમને ઓળખી નહીં શકે. જીવનની વિટંબણા એવી છે કે માણસને વારંવાર પોતાના વ્યક્તિત્વનો પરચો આપવો પડે છે. તમારી આસપાસના લોકો પણ તમારી વારંવાર પરીક્ષા લેતા હોય તેવું બનતું હોય છે એટલે જ્યારે તમારી ખાસ નજીકની વ્યક્તિને પણ તમારે ખુલાસા કરવા પડે ત્યારે એ સ્થિતિ ખૂબ વિકટ હોય છે. ત્યારે તમારે કહેવું પડે કે જવા દો હમણાં તમે મને સમજી નહીં શકો. સમય આવ્યે તમને મારો પરિચય થઈ જશે. જેવી રીતે વરસાદમાં કોઈ કાગળ ભીંજાય ગયો હોય તેને વાંચવો મુશ્કેલ જ નહીં પરંતુ કાગળને સાચવવો પણ મુશ્કેલ બને છે. જીવનમાં એવું ઘણી વાર બને છે કે તમારા ચહેરાને સામેના લોકો બરાબર વાંચી શકતા નથી. તમારી લાગણીને સામેની વ્યક્તિ જ્યારે સમજી નહીં શકે ત્યારે તે અલગ અર્થ કાઢવા લાગે છે. પ્રેમમાં પણ આવું બને. તમારી ભાવનાઓને સામેની વ્યકિત બરાબર સમજી નહીં શકે ત્યારે અલગ અર્થ કાઢે. બીજી રીતે કહું તો કોઈ વ્યક્તિનો ચહેરો તમે કયારે પણ બરાબર વાંચી નહીં શકો કારણ કે માણસ જે મનમાં વિચારે છે તે ઘણી વાર ચહેરા પર દેખાતું નથી. માણસનો ચહેરો વરસાદમાં ભીંજાય ગયેલા કાગળ જેવો છે જે બરાબર ક્યારે પણ વાંચી શકાતો નથી. માણસના ચહેરાને નહીં પરંતુ તેના મનને વાંચવાનો પ્રયાસ કરવો જોઇએ.