Business

બરફ પડવા દો! પછી દે ધના ધન!

અમેરિકામાં વરસ બદલાતાં શિયાળાના પ્રથમ બરફનું આગમન થયું. કેટલાંક કલાકોમાં જ પાંચથી દસ ઇંચ બરફ જામી ગયો હતો. એક તરફ પ્લેનો અટવાઈ ગયા હતાં.હિમવર્ષાને કારણે સ્કૂલ-કોલેજ અને ઓફિસો પણ ખૂલી નહોતી.ન્યુ જર્સીમાં, એટલાન્ટિક સિટીના રિસોર્ટ ટાઉન નજીક લગભગ એક ફૂટ બરફ છવાઈ ગયો હતો. ઋતુ તો તેનો સ્વભાવ દેખાડે પણ તેનો પણ આનંદ લેતાં આવડે તો પીડા ઓછી અને મજા વધુ મળે,બસ એવી રીતે જ વોશિંગ્ટન DC ના રહેવાસીઓએ ૨૦૨૨ની પ્રથમ બરફ વર્ષાનું  અનોખી ઢબે  સ્વાગત કર્યું હતું. વોશિંગ્ટન DC માં ગાઢ હિમવર્ષા થઈ હતી જે ૫ થી ૧૦ ઈંચ સુધી જામીને પથરાઈ ગઈ હતી.છતાં ખેલદિલી દેખાડી વિશાળ સ્નોબોલ રમતની લડાઈ સાથે સ્વાગત કર્યું!

આવા ઠંડાગાર માહોલમાં પણ શિયાળા અને પહેલાં બરફનું સ્વાગત કરવા આયોજન થયું જે અગિયાર વર્ષોથી થાય છે.આ ઈવેન્ટને ધ બેટલ ઓફ સ્નોમીક્રોન કહેવાય છે,બેટલ છે પણ છે રમત આનંદની!છલકાતી ખુશી બરફમાં રમત રમીને વ્યકત કરે છે કે ચાલો બરફના ગોળા બનાવીએ અને દડાંની જેમ ઉછાળીએ,એમ કહેવાય પણ પછી તો રીતસર બરફનાં ગોળા ઉછળે અને કોઈના પર આવી પડે,એક તો પારો નમેલો અને માથે બરફનો ગોળો પડે તે રમતમાં  ભાગ લેવા ૫૦૦થી વધારે  ખેલાડીઓ સ્મિથસોનિયન ઈન્સ્ટિટ્યૂટ પાસે મોલની બહાર ભેગાં થયાં હતાં.કેટલાંક મિત્ર વર્ગના હતા,કેટલાંક સાવ અજાણ્યાં પણ હતાં પણ મકસદ એક જ હતો  સીઝનનો પહેલો બરફ પડ્યો છે તેને આવકારો,મજા માણો,ગોળા બનાવો અને ફેંકો ધના..ધન! પછી જેનાં પર જઈને પડે અથવા એકની બદલે બીજાં પર પડે અને બરફના દડાં જાણે વરસી રહ્યાં હતાં.

વોશિંગ્ટન DC  સ્નોબોલ ફાઈટ એસોસિએશન દ્વારા આ રમતની માહિતી સોશ્યલ મિડિયા મારફત આપવામાં આવી હતી. બહુ ઓછા સમયમાં ભરબપોરે  સ્નોબોલર્સને નેશનલ મોલના પેચ પર ભેગા થવા આમંત્રણ પાઠવવામાં આપ્યું ત્યારે ધાર્યા કરતાં વધુ ઉત્સાહ સાથે વર્ષના પ્રથમ બરફના તોફાનની બરફની રમઝટ જમાવવા  માટે સજ્જ થઈ લોકો આવી પહોંચ્યા! લોકો બરફના ટુકડાને વાળી ગોળા બનાવી માથાને નિશાન ન બનાવે,બલ્કે બરફનો ખુરદો કરી તેને વાળી જેટલાં મોટાં થાય બનાવો અને મારો!કોઈને ઈજા થાય તો હસવામાંથી ખસવા જેવું થાય પણ એકવાર રમત ગમ્મતમાં ફેરવાઈ જાય પછી,હલ્લો,ચિચિયારીઓ અને ગોળાઓની ફેંકા-ફેંકી!

ઘણાં લોકો તેમના બાળકો અને પાલતુ પ્રાણીઓ સાથે આવ્યા હતા.તેઓ પણ બરફની ગોળાબારીથી બચવા દોડાદોડી કરી રહ્યાં હતાં. બરફની ચાદર પર વાર્ષિક મેળાનું અનોખું  આયોજન પ્રસારણ પણ થયું! નેશનલ મોલ પર બરફથી ઢંકાયેલા વૃક્ષો પાછળ સૂર્ય આથમી રહ્યો હતો ત્યાં સુધી સ્નોબોલ્સ ઉડયાં હતાં. હવામાનનો આનંદ લેવાનો આ ચીલો પણ ગજબ હતો. માથાથી પગ સુધી પોતાને સુરક્ષિત રાખી ઠંડીથી બચતાં પણ હતાં.સિઝનના પ્રથમ બરફની ઉજવણીની મોજ મનાવતા હતાં.ઋતુની રમતમાં મૂહુર્ત ન જોવાય. જ્યાં મળી બહાર બરફની તે ઠંડક પણ આનંદદાયક મોજની!વ ભારે હિમવર્ષા, વાવાઝોડું  દેશની રાજધાનીમાં ભારે બરફ સાથે ફૂંકાયું,ચોતરફ બરફ છવાઈ ગયો પણ કદાચ જિંદગીની પળોને વેડફી નાખવામાં સાર નથી,જે મળ્યું તેને ઉત્સવમાં ફેરવી દેવાની આ સ્નોબોલની રમત બધાંને યાદ રહેશે!

Most Popular

To Top