Dakshin Gujarat

માંડવીમાં દીપડી બચ્ચા સાથે ફરતી દેખાઈ, બારડોલીના મસાડમાં કદાવર દીપડો બકરીનો શિકાર કરી ગયો

માંડવી : માંડવી તાલુકામાં અનેક વાર દીપડા દેખાવા અને પાંજરામાં કેદ થવાના બનાવો બનતા રહે છે. ત્યારે માંડવીના ગોદાવાડી ગામનો યુવાન કામ અર્થે બહાર ગામ ગયો હતો. તે મોડી સાંજે કારમાં ઘરે પરત આવતો હતો ત્યારે ગામતળાવ બુજરંગ ગામના થોડા અંતરે આવેલા દેવતળાવના ખેતર વિસ્તારમાં રોડની સાઈડમાં દીપડી બચ્ચા સાથે જોવા મળી હતી. પરંતુ કાર ચાલકે દિપડીનો વીડિયો ઉતારવાનો શરૂ કર્યો ત્યારે તે ટગર ટગર સામે જોતી રહી હતી. ત્યારબાદ આ યુવકે વોટ્સએપ ગ્રુપમાં વીડિયો ફરતો કર્યો હતો. આમ આસપાસના ગ્રામજનોએ રાત્રિ દરમિયાન નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે, થોડા દિવસ પહેલા ગામતળાવ બુજરંગ ગામે અવર નવર દીપડા દેખાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

બારડોલીના મસાડમાં કદાવર દીપડો પશુપાલક મહિલાની સામે જ બકરીનો શિકાર કરી ગયો
બારડોલી: બારડોલી તાલુકાના મસાડ ગામે ખેતરમાં ચરી રહેલી બકરીને દીપડો ખેંચી ગયો હતો. આ ઘટના સાંજે સાડા ચાર વાગ્યે બની હતી. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફરી વળ્યો છે.

આ અંગે મળતી માહિતી અનુસાર મસાડ ગામે રહેતા ગીતાબેન સન્મુખભાઈ રાઠોડ અને એમનો પરિવાર મજૂરી કામ અને પશુપાલન કરી ગુજરાન ચલાવે છે. ગીતાબેન શુક્રવારના રોજ તેમની પુત્રી સાથે બકરા ચરાવવા માટે ગયા હતા. સાંજે 4.30 વાગ્યાની આસપાસ શેરડીના ખેતરમાંથી એક કદાવર દીપડો આવી ચઢ્યો હતો અને ચરી રહેલી એક બકરીને દબોચી લીધી હતી. દીપડાને જોઈને ગીતાબેન અને તેમની પુત્રી ગભરાઈને બુમાબુમ કરતા દીપડો બકરીને ખેંચીને શેરડીના ખેતરમાં લઈ ગયો હતો. ગભરાઈ ગયેલા માતાપુત્રીએ ઘરે જઈને વાત કરતા ગામના લોકો ખેતરમાં પહોંચ્યા હતા. લોકટોળું બુમાબુમ કરતું ખેતરમાં જતા દીપડો બકરીને છોડીને નાસી છૂટ્યો હતો. કમનસીબે બકરીનું મોત થયું હતું. ઘટનાની જાણ ફ્રેન્ડસ ઓફ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટને કરાઈ હતી. વનવિભાગે પાંજરું ગોઠવવાની તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top