SURAT

આસપાસ જંગલ નથી તો હજીરાના ભાટપોરમાં દીપડો આવ્યો ક્યાંથી?, લોકોમાં ફફડાટ

સુરતઃ હજીરા ભાટપોર પાસે આવેલી ગેલ કંપનીના પરિસરમાં ફરી એક વખત દીપડાની હાજરીથી ચકચાર મચી ગઈ છે. કંપનીના સીસીટીવી કેમેરામાં દીપડો સ્પષ્ટ રીતે દેખાતા વન વિભાગની ટીમ તાત્કાલિક સક્રિય થઈ ગઈ છે. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને વિભાગ દ્વારા કંપનીના પરિસરમાં ત્રણ જેટલા પીંજરા ગોઠવાયા છે.

  • ભાટપોરમાં ગેલ કંપનીના પરિસરમાં ફરી દીપડો દેખાતા ફફડાટ
  • સીસીટીવીમાં દીપડો કેદ થયો, વન વિભાગે ત્રણ પીંજરા ગોઠવ્યા

વન વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મહત્ત્વની વાત એ છે કે હાલ સુધી દીપડો કંપની પરિસરમાં કોઈ કર્મચારી કે અન્ય વ્યક્તિને લાઈવ જોવા મળ્યો નથી. માત્ર સીસીટીવી ફૂટેજમાં જ તેની હાજરી નોંધાઈ છે. આ પરિસ્થિતિને કારણે કર્મચારીઓ અને આસપાસના વિસ્તારોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. વન વિભાગે કંપની મેનેજમેન્ટ અને કર્મચારીઓને સાવચેત રહેવા સૂચના આપી છે. પીંજરા ગોઠવીને દીપડાને કાબૂમાં લેવા પ્રયાસો શરૂ કરાયા છે. વિભાગે દીપડાના હિલચાલ અંગે ચોક્કસ માહિતી મેળવવા વધુ સીસીટીવી ફૂટેજ ચકાસવાનું શરૂ કર્યું છે.

આ ઘટના પ્રકૃતિ અને માનવ વસાહત વચ્ચેના સંતુલન અંગે નવા પ્રશ્નો ઊભા કરે છે.

દોઢ વર્ષ પહેલાં પણ જોવા મળ્યો હતો દીપડો
વિશેષ એ છે કે આથી આશરે એક દોઢ વર્ષ પહેલાં પણ ગેલ કંપની નજીક દીપડો જોવા મળ્યો હતો. પરંતુ થોડા દિવસો પછી તે અચાનક ગાયબ થઈ ગયો હતો. ત્યારબાદ લાંબા ગાળે તેની કોઈ હાજરી નોંધાઈ નહોતી. હવે ફરી એકવાર દેખાતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.

જંગલ વિસ્તાર વગર દીપડો ક્યાંથી આવ્યો?
ગેલ કંપનીની આસપાસ કોઈ જંગલ વિસ્તાર ન હોવા છતાં દીપડો અચાનક કઈ દિશાથી આવે છે અને ક્યાં અદ્રશ્ય થઈ જાય છે, તે બાબતે વન વિભાગે તપાસ શરૂ કરી છે. નિષ્ણાતોના મત મુજબ સંભવતઃ દીપડો દૂરથી ભટકીને આ વિસ્તારમાં પ્રવેશી રહ્યો હોઈ શકે છે.

Most Popular

To Top