SURAT

સુરત શહેરમાં અડાજણ-પાલ નજીક આ ગામમાં ખૂંખાર દીપડો દેખાતા ફફડાટ, ગ્રામજનોએ કહ્યું..

સુરત : સુરત જિલ્લાના અંતરિયાળ વિસ્તાર અને જુદા જુદા ગામોમાં દીપડો દેખાવાની ઘટના સામાન્ય રીતે રોજે રોજ પ્રકાશમાં આવે છે પરંતુ છેલ્લા પંદર દિવસથી ભાઠા ગામના નવા મહોલ્લામાં દીપડો દેખાઇ રહ્યો છે. જેના કારણે ભય ફેલાતા ગ્રામજનો આખી રાતના ઉજાગરા કરી રહ્યા છે.

અહીં દીપડાના પંજા દેખાતા વનવિભાગને પણ જાણ કરવામાં આવી છે. જો કે, હજી સુધી અહીં પાંજરૂ મૂકવામાં આવ્યું નથી. ગામના લોકોએ દીપડાને અનેક વખત રસ્તો ક્રોસ કરતા જોયો છે પરંતુ તે પલકારામાં જ ખેતરમાં ઘૂસી જતો હોવાથી તેનું લોકેશન મળી શકતું નથી.

આ અંગે ભાઠાગામના નવા મહોલ્લામાં રહેતા ડેનિશ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા પંદર દિવસથી ગામમાં અનેક લોકોએ દીપડાને જોયો છે. કેટલીક જગ્યા પર જે પંજાના નિશાન દેખાઇ રહ્યાં છે તે સ્વાભાવિક રીતે જ કૂતરાના નહીં પરંતુ કોઇ કદાવર પ્રાણીના હોય તે પ્રકારના છે.

તેમણે જણાવ્યું હતું કે, ગામના અનેક લોકોએ દીપડાને જોયો છે. ખાસ કરીને અંધારૂ થયા પછી જ તે ખેતરોની બહાર નીકળે છે અને ફરીથી ખેતરોમાં જ ગાયબ થઇ જાય છે. તેમના ખેતરમાં પહેલા ચાર કૂતરા હતા જે તમામ ગાયબ છે એટલે તેને દીપડાએ શિકાર બનાવ્યા હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

આ અંગે વનવિભાગને જાણ કરવામાં આવતા અધિકારીઓ ગામમાં આવ્યા હતાં પરંતુ હજી સુધી પાંજરૂ મૂકવામાં આવ્યું નથી. આ ઉપરાંત ટેકરી તરફના રોડ પર કોઇ શિકારી પ્રાણીએ અન્ય પ્રાણીને ઘસડ્યું હોય તેવા નિશાન દેખાઇ રહ્યાં છે. પરંતુ ત્યાંથી રેતીની ટ્રકો પસાર થતી હોવાથી તે નિશાન રહેતાં નથી.

પરમ દિવસે તેમના ભાઇ-ભાભીએ જ દીપડો પસાર થતાં જોયો હતો. આ કારણસર રાતના સમયે ગામના લોકો ખાસ કરીને નવા મહોલ્લાના લોકો રાતે ઘરની બહાર નીકળતા બંધ થઇ ગયા છે.

જો કે, હજી સુધી આ પ્રાણીએ કોઇ ગ્રામજન ઉપર હુમલો કર્યો હોય તેવું જાણવા મળ્યું નથી. સુરત શહેરમાં હવે જેની ગણના થાય છે તે ભાઠામાં દીપડો દેખાતા તેને જલદીથી જલદી પકડી લેવામાં આવે તેવી ગ્રામજનોની માંગણી છે.

Most Popular

To Top