ભરૂચ(Bharuch): દક્ષિણ ગુજરાતના (SouthGujarat) ગ્રામીણ વિસ્તારમાં રાત્રિના સમયે ખૂંખાર શિકારી દીપડાઓ (Leopard) દ્વારા હુમલાની ઘટનાઓ ચિંતાજનક હદે વધી રહી છે. શિકારની શોધમાં નીકળતા દીપડા માનવ વસ્તી સુધી પહોંચી જાય છે. આવી જ એક ઘટના ગઈ રાત્રિએ નેત્રંગના (Netrang) કેલ્વીકુવા ગામમાં બની છે.
અહીંના નેત્રંગના કેલ્વીકુવા ગામમાં આઠ ફૂટની દિવાલ કૂદી ખૂંખાર દીપડાએ શ્વાનના બચ્ચા ઉપર હુમલો કરી શિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા ગ્રામજનોમાં ગભરાટ ફેલાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કેલ્વીકુવા ગામના ભાવેશભાઈ વાંસદિયા અહીં આઈ ભારત પેટ્રોલિયમનો પંપ ચલાવે છે. પેટ્રોલ પંપની ફરતે ભાવેશભાઈએ 8 ફૂટ ઊંચી દિવાલ બનાવી છે. દરમિયાન ક્યાંકથી એક માદા શ્વાન તેમના પેટ્રોલ પંપ પર આવી હતી અને અહીં 9 બચ્ચાને જન્મ આપ્યો હતો.
દરમિયાન રાત્રિના સમયે બચ્ચાંઓ માટે ખોરાકની શોધમાં માદા શ્વાન હાઇવે ઉપર ગઈ હતી, ત્યારે કોઈ વાહનની અડફેટે મૃત્યુ પામી હતી. તેથી ભાવેશભાઈ વાંસદીયાએ શ્વાનના 9 બચ્ચા પ્રત્યે સહાનુભૂતિ દાખવી એક પાંજરામાં આશરો આપ્યો હતો. બચ્ચાંઓના ખોરાક અને પાણીની આપી તેમનો ઉછેર કરતા હતા.
દરમિયાન ગઈકાલે રાત્રે એક બચ્ચાને બહાર સાંકળથી બાંધી રાખ્યું હતું. ત્યારે ખેતરમાંથી મોટો કદાવર દીપડો આઠ ફૂટ ઊંચી દિવાલ કૂદી પેટ્રોલ પંપમાં પ્રવેશ્યો હતો અને શ્વાનના બચ્ચા ઉપર તરાપ મારી હતી. તેના ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. દીપડાના શિકારમાંથી બચ્ચું યેનકેન પ્રકારે બચી ભાગી છૂટ્યું હતું. દરમિયાન શ્વાનના અવાજથી પંપ પર કામ કરતાં માણસો જાગી ગયા હતા. તેઓએ લાઈટો ચાલુ કરતાં દીપડો ગભરાયો હતો અને ફરી દિવાલ કૂદીને ભાગી ગયો હતો.
બાદમાં આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા ગ્રામજનોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. માનવ વસ્તીમાં દીપડાની વધેલી હિલચાલના લીધે ગ્રામજનો હવે રાત્રિના સમયે બહાર નીકળતા ગભરાવા લાગ્યા છે.