અનાવલ: મહુવા તાલુકાના મહુડી ગામે શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં બિન્દાસ્ત ફરતા દીપડાથી સ્થાનિકો ભયભીત બની ગયા હતા. દીપડાને પાંજરે પુરી ભયમુક્ત કરવાની રજૂઆત સ્થાનિકો દ્વારા મહુવા વન વિભાગના અધિકારીઓને કરાતા પ્રથમ ગત બુધવારના રોજ મહુડી ગામે વિજયભાઈ મંગુભાઇ ચૌધરીના ઘરની પાછળ વન વિભાગ દ્વારા દીપડાને પકડવા પાંજરૂ ગોઠવવામાં આવ્યું હતું. જે પાંજરામાં બીજા દિવસે સવારે એક કદાવર દીપડો મારણ ખાવા જતા કેદ થયો હતો. વન વિભાગ દ્વારા દીપડાનો કબ્જો લઈ દૂર જંગલમાં મુકત કર્યો હતો.
જો કે ગામમાં અન્ય દીપડા ફરતા હોવાથી ગ્રામજનોની રજૂઆતને ધ્યાને લઈ વન વિભાગના અધિકારીઓ દ્વારા શનિવારે ફરી વિજયભાઈ મંગુભાઇ ચૌધરીના ઘરની પાછળ પાંજરૂ મૂકી દીપડાને ઝબ્બે કરવાની કવાયત હાથ ધરી હતી. આજે રવિવારે સવારે 5:20 વાગ્યાના અરસામા મારણ જોઈ દીપડી લલચાઈ હતી અને મારણ ખાવા પાંજરામાં ઘૂસતા જ પાંજરે પુરાઈ હતી. દીપડી પાંજરે પુરાતા જ સ્થાનિકોએ રાહતનો દમ લીધો હતો. વન વિભાગના અધિકારીઓએ વહેલી સવારે ઘટના સ્થળે આવી પાંજરે પુરાયેલી બે વર્ષની દીપડીનો કબ્જો લઈ દૂર જંગલમાં મુકત કરવાની કવાયત હાથ ધરી હતી.
મહુડી નજીકના બારોડિયા ગામે ખેતરમાંથી દીપડાનું બચ્ચું મળી આવ્યું
મહુવા તાલુકાના મહુડી ગામેથી રવિવારે સવારે કદાવર દીપડી પાંજરે પુરાઈ હતી. જ્યારે મહુડી નજીકના જ બારોડિયા ગામે ખેડૂત દિલીપભાઈ રમણભાઈ પટેલના ખેતરમાંથી એક દીપડાનું બચ્ચું મળી આવ્યું હતું. દીપડાનું બચ્ચું મળવાની ઘટના અંગે મહુવા વન વિભાગને જાણ થતા ઘટના સ્થળે જઈ દીપડાના બચ્ચાનો કબ્જો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
