SURAT

ઉનાળાની શરૂઆત સાથે જ સુરતમાં લીંબુના ભાવમાં થયો આટલો વધારો

સુરત: ઉનાળાની શરૂઆત સાથે જ શાકભાજી અને ફ્રૂટ્સના ભાવમાં વધારો થયો છે. ખાસ કરીને શરીરને ઠંડક આપતા ફ્રૂટ્સ અને શાકભાજીની માંગ વધવા સાથે જ તેની કિંમતોમાં એકાએક ઉછાળો નોંધાયો છે. ઉનાળામાં લોકો ઠંડક મેળવવા માટે લીંબુમાંથી બનતા પીણાંનો ઉપયોગ વધુ કરતા હોય તેમજ શેરડીના રસ જેવા પીણામાં પણ તેનો બહોળા પ્રમાણનો ઉપયોગ થતો હોય લીંબુની માગ વધી છે તે સાથે તેની કિંમતમાં 3 ગણો વધારો થયો છે.

  • મહિના પહેલાં 30 રૂપિયે કિલો મળતા લીંબુનો ભાવ 130 રૂપિયા પર પહોંચ્યો
  • અન્ય રાજ્યથી આવતા લીંબુની કિંમતો વધી
  • ગરમીના લીધે લીંબુની માંગમા વધારા સાથે કિંમતો વધી

(Surat) ઉનાળાની (Summer) શરૂઆત થતા જ લીંબુના (Lemon ) ભાવમાં ઉછાળો (Price Hike) આવ્યો છે. મહિના પહેલા 25થી 30 રૂપિયા કિલો લીંબુ મળતા હતા તેનો ભાવ હાલ ત્રણ ગણો થઇ ગયો છે. હાલમાં લીંબુ સુરતની બજારોમાં 100 થી 130 રૂપિયે કિલો મળી રહ્યા છે. ગરમીની શરૂઆત થવાની સાથે જ લીંબુના ભાવમાં વધારો ઝિંકાયો છે. હૈદરાબાદ, મહારાષ્ટ્ર, કર્ણાટકથી આવતા લીંબુની કિંમતોમાં વધારો થવા સાથે સ્થાનિક બજારમાં પણ લીંબુની કિંમતો વધી ગઇ છે.

એપીએમસીના માર્કેટના ડિરેક્ટર બાબુભાઇ શેખે જણાવ્યું હતું કે, હૈદરાબાદ, મહારાષ્ટ્રના ચાલીસ ગાંવ, જલગાંવ તેમજ કર્ણાટકના વિજાપુર ખાતે લીંબુની વાડીઓ આવેલી છે. ત્યાંથી એપીએમસી માર્કેટમાં (APMC Market) લીંબુ આવે છે. ઉનાળાની ઋતુમાં લીંબુ શરબત, શેરડીના રસમાં લીંબુનો ઉપયોગ તેમજ ખાદ્ય પદાર્થોમાં લીંબુનો ઉપયોગ થતો હોય ઉનાળાની ઋતુ શરૂ થતાં જ શહેરના નાના-મોટી શાકભાજી માર્કેટોમાં (vegetables Market) લીંબુનો ભાવ 25 થી 30 રૂપિયે કિલો હતો. તે હાલ ત્રણ ગણો વધીને 100 થી 120 રૂપિયે કીલો ઉપર પહોંચી ગયો છે.

નવસારી- વલસાડના આકાશમાંથી અગનગોળા વરસ્યા : તાપમાન 39.5 ડિગ્રી નોંધાયું: ખેડૂતોનો પાક સુકાવાની ભીતિ
નવસારી, વલસાડ : વલસાડમાં રોજબરોજ ગરમીનો પારો નવી ઊંચાઇ બનાવી રહ્યો છે. આજરોજ વલસાડમાં મહત્તમ તાપમાન 39.5 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ભારે ગરમીને લઈ બપોરે લુ ચાલી હતી. બીજી તરફ લઘુત્તમ તાપમાનનો પારો પણ 22.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાતા વહેલી સવારે અને સાંજે પણ ગરમીની અનુભૂતિ થઈ હતી. ભારે ગરમી વચ્ચે ભેજનું પ્રમાણ 79 ટકા નોંધાયું હતું. જ્યારે નવસારીમાં મહત્તમ તાપમાન અડધો ડિગ્રી ગગડ્યું હતું. પરંતુ નવસારીમાં ધકધકતો તાપ યથાવત રહ્યો છે. જેના કારણે લોકોએ બપોરે બહાર નીકળવાનું ટાળ્યું હતું. તો ધકધકતા તાપને પગલે ખેડૂતોને પાક સુકાઈ જવાની ભીતિ છે.

ગત સોમવારે મહત્તમ તાપમાન 39.5 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ગત મંગળવારે મહત્તમ તાપમાનમાં અડધો ડિગ્રીનો વધારો થતા ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો હતો. જોકે આજે બુધવારે મહત્તમ તાપમાન 0.5 ડિગ્રી ગગડતા 39.5 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 18.5 ડિગ્રીએ યથાવત રહ્યું હતું. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 85 ટકા હતું. જે બપોરબાદ ઘટીને 23 ટકાએ રહ્યું હતું. જ્યારે આજે દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ દિશાએથી 5.1 કિ.મી. ની ઝડપે પવનો ફૂંકાયા હતા.

નવસારીમાં છેલ્લા 4 દિવસથી મહત્તમ તાપમાનમાં સતત વધારો થઇ રહ્યો છે. ગરમીનો પારો હાલમાં થોડા દિવસોથી 38 થી 40 ડિગ્રીની વચ્ચે નોંધાઈ રહ્યો છે. જેના પગલે નવસારીમાં દઝાડતી ગરમી પડી રહી છે. જેથી બપોર દરમિયાન લોકોએ બહાર નીકળવાનું ટાળ્યું હતું. પરંતુ દિવસ દરમિયાન ફુંકાયેલા ગરમ પવનોને લીધે પણ ગરમી યથાવત રહી છે. ત્યારે હમણાંથી જ લોકોએ ગરમીથી બચવા માટે એ.સી. અને કુલરનો ઉપયોગ કરવા માંડ્યા છે.

બીજી તરફ ધકધકતો તાપ પડતા ખેડૂતોના પાકને પણ નુકસાન થવાની ભીતિ વર્તાઈ રહી છે. પાણીની સમસ્યા ઉપરથી ગરમીનો પ્રકોપ વધુ હોવાથી પાક સુકાઈ જવાની ખેડૂતોને ચિંતા થઇ રહી છે. નવસારીમાં ગરમી સાથે બફારો પણ વધુ હોવાથી લોકો પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે.

સુરતમાં 10 કિમી ઝડપે ગરમ પવનો લૂં ફેકતા ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો
સુરત: છેલ્લા ત્રણ અઠવાડિયાથી પવનની દિશા બદલાવાની સાથે જ તાપમાનમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે તાપમાનમાં ઘટાડો નોંધાવા છતાં ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ શહેરમાં તાપમાન સતત વધવાને કારણે હિટ સ્ટ્રોકના કિસ્સામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. શહેરમાં આજે તાપમાન 39 ડિગ્રી રહેતા લોકોએ કાળઝાળ ગરમીનો સામનો કર્યો હતો. આગામી દિવસમાં ગરમી તેનો અસલ મિજાજ બતાવે તેવી શક્યતા છે. હોળી બાદ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચશે. દરમિયાન શહેરમાં આજે સવારથી જ ગરમીનો અહેસાસ થતો હતો. શહેરમાં આજે લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી અને મહત્તમ તાપમાન 39 ડિગ્રી નોંધાયું હતું. બપોરે તો લોકોએ આકાશમાંથી અગન વર્ષા થઇ રહી હોય તેવું અનુભવ્યું હતું. શહેરમાં આજે 29 ટકા ભેજની સાથે 10 કિલોમીટરની ઝડપે પવન ફુંકાયો હતો. બપોરે ફૂંકાયેલા ગરમ પવનથી બચવા માટે લોકોએ ઘરમાં જ પૂરાઇ રહેવાનું પસંદ કર્યું હતું. મોડી સાંજ સુધી ગરમ પવન ફૂંકાયા હતા જેના કારણે લોકો હેરાન પરેશાન થઇ ગયા હતા. ગરમ પવનને કારણે ડિહાઇડ્રેશન અને લૂ લાગવાના કિસ્સામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. કાળઝાળ ગરમીમાં વધુ પ્રમાણમાં પ્રવાહી પીવાની અને બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવાની સલાહ તબીબો આપી રહ્યાં છે.

Most Popular

To Top