બીડી-સિગારેટનાં ખોખાઓ પર માત્ર કાનૂની ચેતવણી કે ‘‘ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.’’ છપાવી દે તો જ પરવાનગી અપાય છે. તેમાં ન્યાય જીવતો નથી. સર્વોચ્ચ અદાલતની ચુકાદા કાર્યવાહીમાં પણ કાંઈક એવું જ જણાય છે. ઇલેક્ટ્રોલ બોન્ડ દ્વારા સત્તા બળે લાખો રૂપિયાનો ફાળો મેળવવાનો રાજકીય ખેલ ચાલતો હતો, તેને ગેરકાનૂની તો ઠેરવ્યો પણ તે પછીની જરૂરી કાર્યવાહીના હુકમો થયા નહીં. દૂષણો ડામવાં જરૂરી છે, માત્ર ચેતવણીરૂપ કાર્યવાહી ન્યાયસંગત ન કહેવાય. ચોરી થાય, ચોર અને મુદ્દામાલ પકડાય તે પછી મુદ્દામાલ જપ્ત થવો જોઈએ. ગેરરીતિથી મેળવેલું ધન પણ જપ્ત થવું જોઈએ.
કાયદા-કાનૂન-બંધારણને જ નજર સમક્ષ રાખી નિડરતાથી ચુકાદો આપવો જોઈએ, ભગવાન ભરોસે જ મૂકી દેવાય નહીં. વિપક્ષોને તોડીને બનાવેલી મહારાષ્ટ્ર સરકારને ગેરકાનૂની ઠેરવ્યા પછી પણ બબ્બે વર્ષે ચાલવા દેવાથી ચુકાદાનું જ અવગણવાથી પણ ન્યાય જ અવગણનાગ્રસ્ત થયો. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી અંગે સડસઠની સાલની ચુકાદો ઊલટાવી અલ્પસંખ્યક તરફેણ તો દર્શાવી પણ લઘુમતી દરજ્જા અંગેનો નિર્ણય નવી બેન્ચ પર છોડી દેવાથી ન્યાયની અનિર્ણાયકતા જ દેખાય છે. કાનૂની ચેતવણીઓ સાથે ન્યાયની આવી ઘણી બધી અધૂરપ ચીફ જસ્ટીસ ચંદ્રચૂડજી નોંધાવી ગયા.
સુરત – યૂસુફ એમ. ગુજરાતી– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હિંસા: સરકાર મૌન
બાંગ્લા દેશમાં નિરંતર અલ્પસંખ્યક હિન્દુઓ હિંસા-અત્યાચારો અટક્યા નથી. મંદિરો અને મૂર્તિઓ તોડવા તેમજ મંદિરોમા લૂંટફાટની ઘટનાઓ ચાલુ છે. હાલમાં જ મંદિરના પુજારીની હત્યા કરી દેવામાં આવી. હિન્દુઓ પ્રત્યે વિશેષ લાગણીનો દાવો કરનારી વર્તમાન કેન્દ્ર સરકાર બાંગ્લા દેશમાં થઈ રહેલી ઘટનાઓ અંગે ભેદી મૌન ધારણ કરેલું છે. આ અંગે ભારત સરકારે હિન્દુઓની સુરક્ષા અંગે કોઈ ડીપ્લોમેટીક કડક કાર્યવાહી કરી નથી અને બાંગ્લા દેશ સાથે તો વેપાર પણ રાબેતા મુજબનો ચાલુ રાખ્યો છે. હવે સમજવાનું એ છે કે દુર્ભાગ્યે આવી જ ઘટનાઓ ભારતના અલ્પસંખ્યક બાંગ્લા દેશીઓ સાથે થઈ હોત તો શું બાંગ્લાદેશ ભારતની નીતિ અપનાવીને ભારત સાથે વેપાર ચાલુ રાખીને મૌન ધારણ કરતે?
સુરત – રાજુ રાવલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.