Columns

જેના દિવસો પૂરા થઈ ગયા એનો હાથ છોડી દો, ઊગતા સૂરજની પૂજા કરો

હજુ તો ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન પ્રમુખ તરીકે સોગંદ પણ નહોતા લીધા અને તેઓ તેમની ટીમની રચના કરતા હતા ત્યારે તેમની ટીમના માણસોની પસંદગી જોઇને લંડનના ‘ગાર્ડિયન’નામના અખબારે કહ્યું હતું કે અમેરિકન વિદેશનીતિમાં કલ્પના બહારનાં પરિવર્તનો થાય અને દુનિયામાં નવાં સમીકરણો રચાય તો આશ્ચર્ય નહીં પામતા. એ લેખમાં કહેવામાં આવ્યું હતું કે અમેરિકા ચીન અને રશિયાની નજીક જઈ શકે છે અને કદાચ એ ત્રણ દેશો વચ્ચે ધરી પણ રચાઈ શકે છે. એ લેખમાં આવી એક શક્યતા પાછળનાં કારણો આ મુજબ આપવામાં આવ્યાં હતાં.
પહેલું કારણ તો એ કે અમેરિકાએ લાખ પ્રયત્નો કર્યા હોવા છતા, પોતાને અનુકુળ દુનિયા રચવા અબજો ડોલર્સ ખર્ચ્યા હોવા છતાં, વિશ્વબેંક અને નાટો (નોર્થ એટલાન્ટીક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન) જેવી નાણાકીય અને વિદેશનીતિ તેમ જ સંરક્ષણને લગતી સંસ્થાઓ પર કાબૂ જમાવ્યો હોવા છતાં, દાયકાઓ સુધી વૈશ્વવિક વર્ચસ્વ જમાવ્યું હોવા છતાં આજની વાસ્તવિકતા એ છે કે દુનિયા અમેરિકાના હાથમાંથી સરકી ગઈ છે. એ સરકી ગયેલું વિશ્વ જો અમેરિકા નજીકના ભવિષ્યમાં પાછું કબજે કરી શકે એમ ન હોય તો ડહાપણ એમાં છે કે વાસ્તવિકતાનો સ્વીકાર કરે.
જે કામના નથી અને કામમાં આવી શકે એમ નથી તેની સાથે શું કામ બેસવું? 5-7 દાયકા જૂની અમેરિકન નીતિનો બોજો લઈને શા માટે જીવવું?
જેની કલ્પના પણ ન થઈ શકે એવો નિર્ણાયક વળાંક આવી શકે છે એનું બીજું કારણ એ કે ડોનાલ્ડ ટ્રમ્પ ઢોંગ કરવામાં માનતા નથી અને જૂઠું બોલતા શરમાતા નથી. માનમર્યાદા કે સાતત્ય સાથે તેને કોઈ લેવાદેવા નથી. અમેરિકાના સ્વાર્થ માટે નાગાઈ કરી શકે છે અને નાગાઈ કરવી જોઈએ એમ તે માને છે. જેના દિવસો પૂરા થઈ ગયા એનો હાથ છોડી દો, જેનો સુરજ નજીકના ભવિષ્યમાં ઉગે એમ નથી તેને ભૂલી જાઓ અને ઉગતા સુરજની પૂજા કરો. રહી વાત એવા કેટલાક દેશો, એવી કેટલીક પ્રજા અને એવા કેટલાક પ્રશ્નો જેના તરફ સબળ લોકોએ માનવતાથી પ્રેરાઈને પોતાની જવાબદારી નિભાવવી જોઈએ તો ટ્રમ્પ એવી કોઈ માણસાઈમાં માનતા નથી. આ જગતમાં સો કરતાં વધુ દેશો એવા છે જે શ્રીમંત દેશોને શ્રીમંત બનાવવામાં તેનાં કરવામાં આવેલા શોષણ દ્વારા ખૂવાર થઈ ગયા છે, જગતની પોણા ભાગની પ્રજા ગરીબીમાં જીવે છે જેને શિક્ષણ અને આરોગ્ય જેવી મૂળભૂત સુવિધા પણ મળતી નથી અને પર્યાવરણ સંતુલન, કારણ વિનાની શસ્ત્રદોટ, અશાંતિ વગેરે વ્યાપક માનવીય હિતોના પ્રશ્નો છે. ટ્રમ્પ કહે છે કે માણસાઈની ઠેકેદારી શું એકલા અમેરિકાએ લીધી છે? અમે શું કામ ખૂવાર થઈએ? દરેક પોતપોતનો પ્રશ્ન ઉકેલે.
અને ત્રીજું મહત્ત્વનું કારણ માથાભારેપણું. દાયકાઓ દરમિયાન માથાભારેપણું તો અમેરિકા પણ કરતું હતું, પરંતુ અમેરિકાના એ માથાભારેપણામાં અને આજના ચીન અને રશિયાના માથાભારેપણામાં ફરક છે. અમેરિકાનું માથાભારેપણું શું કહીશું, સંવૈધાનિક હતું, ઢોંગયુક્ત હતું જ્યારે રશિયા અને ચીનનું માથાભારેપણું ઉઘાડું અને નાગું છે.
નાગાઈ કરવા માટે ચીન અને રશિયા પાસે તાકાત છે, પણ નાગાઈ રોકવા માટે અમેરિકા અને બીજા લોકશાહી દેશો પાસે તાકત છે ખરી? આ લાખ રૂપિયાનો સવાલ છે અને અહીં ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પુરોગામી શાસકો વચ્ચે ફરક છે. ટ્રમ્પના પુરોગામી શાસકો એમ માનતા હતા કે મૂળભૂત લઘુતમ સભ્યતામાં માનનારા લોકશાહી દેશોએ આપસમાં સહયોગ કરવો જોઈએ અને ચીન-રશિયાની નાગાઈ ખાળવી જોઈએ.
મોકળા વિશ્વએ (ઓપન સોસાયટી) એ બંધિયાર વિશ્વનો સાથે મળીને મુકાબલો કરવો જોઈએ. જો બાઈડન સુધી અમેરિકન શાસકો આવી નીતિ અપનાવતા હતા. જો કે આમાં અમેરિકા ઈમાનદાર હતું એવું નથી.
જગતના લગભગ તમામ તાનાશાહોને અમેરિકાનો ટેકો મળતો રહ્યો છે. ભારત કરતાં પાકિસ્તાન હંમેશા અમેરિકાને વ્હાલું લાગ્યું છે. પણ એકંદરે અમેરિકન શાસકો ચીન-રશિયાનો મુકાબલો કરવાના ઉપાય શોચતા હતા.
આનાથી ઉલટું ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે કે આપણે પણ નાગા શું કામ ન થઈ જઈએ? તાકાત મહત્ત્વની છે અને જો તાકાત લાજશરમ છોડીને નાગાઈ કરવાથી મળતી હોય તો કરવી જોઈએ. નૈતિકતાનાં-સભ્યતાનાં વસ્ત્રો ફગાવી દેવાનાં એ કોઈ ચામડી થોડી છે જે અંગથી જુદી ન પડી શકે! વસ્ત્ર માત્ર ફગાવી શકાય અને પહેરી શકાય. ટ્રમ્પ નાગાઈનાં વસ્ત્રો ધારણ કરવામાં માને છે.
યુરોપ આર્થિક અને લશ્કરી રીતે વસૂકી ગયેલો પ્રદેશ છે. નાટો શીતયુદ્ધનો બોજો છે. લોકતંત્ર, કાયદાનું રાજ, જવાબદાર શાસન વગેરે દોડમાં પાછળ ધકેલનારાં તત્વો છે, બોજારૂપ છે. પાંચમાં પૂછાવા માટે અમેરિકા શું કામ ખુવાર થાય? જેનું ભવિષ્ય પૂરું થઈ ગયું છે અને જેનું ભવિષ્ય નજરે પડતું નથી અથવા જેનું ભવિષ્ય નિશ્ચિત નથી તેને સાથે રાખીને શા માટે ફરવું? જો એમ કરતાં રહીશું તો ઝડપથી બદલાઈ રહેલા વિશ્વમાં અમેરિકાનું ભવિષ્ય પણ પૂરું થઈ જશે. માટે જેનો વર્તમાન છે અને લાંબુ ભવિષ્ય છે તેની સાથે દોસ્તી કરવા માંડો. એ કેવા છે એ મહત્ત્વનું નથી. એ શક્તિશાળી છે એ મહત્ત્વનું છે.
ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ બન્યા એને હજુ તો બે મહિના પણ થયા નથી ત્યાં ફરક નજરે પડવા માંડ્યો છે. ગણતરી બહુ સ્પષ્ટ છે. ચીન, રશિયા અને અમેરિકા એમ ત્રણેય જો આ નવા વિશ્વમાં નાગાઈ અને માથાભારેપણું અપનાવે તો જગતના દેશો જશે કોની પાસે? હજુ જો કે ચીનને ટ્રમ્પે બાથમાં લીધું નથી, પણ એવી શક્યતા નજરે પડી રહી છે. ત્રણ ખૂંટિયા સાથે મળીને ખેતર પર કબજો જમાવે તો બીજા પશુ એમાં પ્રવેશવાની હિંમત કરે ખરા? આમાં ભારત ક્યાં? આ બીજો લાખ રૂપિયાનો સવાલ છે. ટ્રમ્પ આપણા જેવો છે અને દોસ્ત છે એની કિંમત કોડીની પણ નથી એનો અનુભવ તો નરેન્દ્ર મોદીને વોશિંગ્ટનમાં થઈ ચૂક્યો છે. જો ઉપરનું અનુમાન સાચું નીવડે અને ‘ગાર્ડિયન’ના અનુમાન મુજબ અમેરિકા ચીનને પણ બાથમાં લે તો નરેન્દ્ર મોદીના ભાઈબંધે ભારત સાથે કરેલો અભૂતપૂર્વ વિશ્વાસઘાત હશે. આવી શક્યતા ક્ષિતિજે નજરે પડી રહી છે.

Most Popular

To Top