‘ગુજરાતમિત્ર’ દૈનિકના તારીખ ૧૩મી માર્ચમાં છપાયેલા સમાચાર મુજબ સુરત પોલીસ દ્વારા હેલ્મેટ અભિયાન બાદ હવે ઓપરેશન રિક્ષા શરૂ કરવામાં આવનાર છે. સુરત શહેરમાં સી.સી.ટી.વી.કેમેરાના અસરકારક આયોજન અને અમલ સાથે સુરત શહેરની સુરતને વધુ આકર્ષક બનાવવા માટેના સુરત પોલીસ વિભાગના આ પ્રયત્નો ખૂબ જ પ્રશંસનીય છે અને આવકાર્ય છે. ડમ્પર ચાલકો અને એમના માલિકો સામે જે દંડો ઉગામ્યો છે એ પણ યોગ્ય છે. બેફામ ચલાવાતાં વાહનોને લીધે અનેક નિર્દોષ લોકોએ પોતાના જીવ અને એમનાં પરિવારોએ આધાર ગુમાવ્યા છે. દરેક શહેરમાં આવા પ્રયાસો થાય એ જરૂરી જ નહીં પરંતુ અનિવાર્ય છે.પરંતુ સાથે એવું પણ નોંધવાનું પ્રાપ્ત થાય છે કે સાઇકલ ચાલકો અને રાહદારીઓએ પણ આવાં અભિયાનોને સફળ બનાવવા માટે પૂરતી કાળજી રાખવી જોઈએ અને સહકાર આપવો જોઈએ.
ટ્રાફિક સિગ્નલ ઓન હોય, વાહનચાલકો પસાર થતાં હોય ત્યારે ચાલુ લાઈનમાં વચ્ચે અચાનક ધસી આવતાં લોકોનો લગભગ દરેક વાહનચાલકને અનુભવ હશે જ. ઘણાં રાહદારીઓ ગમે ત્યારે, ગમે ત્યાંથી પ્રગટ થઈ જતાં હોય છે. જે સ્વયં પોતાને માટે તો ખતરો ઊભો કરે જ છે પણ વાહનચાલકો માટે પણ બિનજરૂરી જોખમો ઊભાં કરે છે. રસ્તા પર કેવી રીતે ચાલવું જોઈએ એ અંગે રાહદારીઓએ પણ પૂરતી સમજ રાખવાની જરૂર છે. ઘણાંને રસ્તા ઉપર ચાલતાં નથી આવડતું એ પણ હકીકત છે. આ અંગે પણ પૂરતી કાળજી રાખવામાં આવશે તો પ્રશાસન દ્વારા હાથ ધરવામાં આવતાં પ્રજાલક્ષી ઉપક્રમો એનાં અપેક્ષિત લક્ષ્યોને સિદ્ધ કરી શકશે એ નિઃશંક છે.
નવસારી – ઈન્તેખાબ અનસારી– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
બગડતી હવા,લેવી પડે દવા
સાચું ખોટું રામ જાણે. જેવા જેના અનુભવો પરંતુ એક વાત હવે અત્ર,તત્ર, સર્વત્ર ચર્ચાઈ ગઈ છે કે, પાછલાં થોડાં વર્ષોથી આપણા દેશનાં મોટા ભાગનાં રાજ્યોનાં ગામડાંઓ, નગરો, મહાનગરોની તમામ સ્તરની હવા – આબોહવા વિપરીત અને જાહેર સ્વાસ્થ્ય સંબંધિત ખરેખર માનવદેહોને નડતરરૂપ થવા સાથે તબિયતને લાભદાયકને બદલે , હાનિકારક સાબિત થતી જાય છે અને સંભવ છે,આગામી સમયમાં હજીય વધુ નુકસાનકારક થઇ શકે છે. જાગીશું ત્યારથી સવાર થશે. થોડામાં ઘણું સમજવાનું છે. આપણા , ગરવા [ગિરવે મૂકેલા] ગુજરાતની કહેવત છે કાણાને કાણો જાહેરમાં નથી કહી શકતા એટલે જ સમજદારોને માટે શાબ્દિક ચિતાર પૂરતો સમજવો.
સુરત – પંકજ મહેતા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
