પરાપૂર્વથી માણસને જીવનમાં કેટલીક બાબતમાં સફળતા મળતી હોય છે તો કેટલીક બાબતમાં ખૂબ જ મહેનત કરવા છતાં પણ ધારી સફળતા મળતી નથી. સફળતા મળે ત્યારે તો માણસ આંનદિત થઈ જતો હોય છે. પરંતુ જ્યારે અપેક્ષા છતાં પણ નિષ્ફળતા મળે ત્યારે માણસ પછી તેની ગમે તે કક્ષા હોય, ભણેલ હોય, અભણ હોય, શ્રીમંત હોય કે ગરીબ હોય, યુવાન હોય કે આધેડ હોય, પરંતુ તેને નિષ્ફળતા જાણીને નિરાશા જ સાંપડતી હોય છે. આ નિરાશાનો તબક્કો ઘણો જ સંવેદનશીલ તેમજ નાજુક હોય છે. આ જ સમયે માણસ ન કરવાનું કરી બેસે છે. નિષ્ફળતા સમયે એને કુટુંબ તરફથી કે મિત્રો તરફથી કે આસપાસનાં લોકો તરફથી કડવાં વેણ સાંભળવા મળે ત્યારે જે માણસ પોતાની જાત પરથી કાબૂ ગુમાવી દે છે.
પોતાને ધિક્કારે છે અને કેટલીક વાર આપઘાત જેવું આત્યંતિક પગલું પણ ભરી બેસે છે. માટે સમાજમાં સફળતા કેમ મેળવવી એ તો શીખવવામાં આવે છે. જેના ઠેર ઠેર કલાસ પણ ચાલે છે. પરંતુ જીવનમાં ખાવી પડતી ઠોકરો, નિષ્ફળતા વખતે નિરાશ ન થતાં નાસીપાસ ન જ થતાં કેમ સ્વસ્થ રહેવું તે ટેકનીક આજનાં યુવાનોએ ખાસ નિષ્ણાતો પાસે શીખવી જ જોઈએ. ઘોર નિષ્ફળતા વખતે પણ નાસીપાસ ન થતાં કેમ ફરીથી બેઠા થવું તે વિચારવું જોઈએ. અને આવે વખતે જીવનઘડતર પામેલા, મહાત્મા પાસે, નિષ્ણાત પાસે માર્ગદર્શન મેળવવા માટે તત્પર રહેવું જોઈએ. અહંકાર છોડી સિધ્ધ પુરુષોનો સંપર્ક કરી તેમનું માર્ગદર્શન મેળવવું જ જોઈએ.
નવસારી – હિતેશકુમાર એસ.દેસાઈ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.