Comments

ડ્રાઈવિંગ કરતાં શીખો

કેયા કોલેજમાં ભણતી બહુ જ શાંત અને શરમાળ છોકરી હતી.તે હંમેશા ચૂપ રહેતી.કોઈ કંઈ પૂછે તો મૂંઝાઈ જતી,પોતાના નિર્ણયો પોતે લઇ શકતી નહિ. કેયા હંમેશા મમ્મી પપ્પા કે ફ્રેન્ડને પૂછતી પછી જ આગળ વધતી.કેયાની મમ્મીને બહુ ચિંતા રહેતી. તે હંમેશા કેયાના પપ્પાને કહેતી મને બહુ ચિંતા છે કે આગળ જતાં જીવનમાં કેયા શું કરશે.મમ્મી કેયાને સમજાવતી રહેતી. એક દિવસ કેયાના પપ્પા એક ફોર્મ લઈને આવ્યા.પપ્પાએ કેયાને બૂમ પાડી કહ્યું, ‘કેયા બેટા, અહીં આવ. જો આ ફોર્મ તારા માટે લાવ્યો છું.’ મમ્મી અને કેયા બંને આવ્યાં અને મમ્મીએ પૂછ્યું, ‘શેનું ફોર્મ છે?’ પપ્પાએ કહ્યું, ‘ડ્રાઈવિંગ સ્કૂલનું.’

કેયા થોડી ડરી ગઈ, ચૂપ જ રહી પણ મમ્મીએ કહ્યું, ‘શું કેયા ડ્રાઈવિંગ શીખશે? તેણે તો સાયકલ કે સ્કુટી પણ શીખી નથી..’પપ્પાએ મમ્મી સામે આંખો કાઢી ચૂપ રહેવા કહ્યું અને પછી કેયા તરફ ફરીને બોલ્યા, ‘બેટા, તારા બે ફોટોગ્રાફ, એજ પ્રૂફ  અને પેન લઇ આવ. આ ફોર્મ ભરીને ડ્રાઈવિંગ સ્કૂલમાં આપી આવીએ.તું આજથી જ મારી પાસે અને કાલથી ડ્રાઈવિંગ સ્કૂલમાં ડ્રાઈવિંગ શીખીશ, સમજી.’ કેયા કંઈ બોલાયા વિના રૂમમાં ફોટોગ્રાફ, એજ પ્રૂફ અને પેન લેવા ગઈ ત્યારે તેની  મમ્મી કંઈ બોલવા જાય તે પહેલાં જ તેના પપ્પા બોલ્યા, ‘જો, આ હું તારી ચિંતા દૂર કરવા જ કરી રહ્યો છું ,ચિંતા વધારવા નહિ સમજી.કેયા ડ્રાઈવિંગ શીખશે તેના ઘણા ફાયદા છે. તેને ડ્રાઈવિંગ આવડી જશે તો તે ઈન્ડીપેન્ડન્ટ બનશે.,ડ્રાઈવિંગ શીખવાથી તેનામાં એક આત્મવિશ્વાસ જાગશે.

જોજે તેને બહુ ગમશે અને તેનામાં સકારાત્મક બદલાવ આવશે.’ કેયા ડ્રાઈવિંગ શીખવા જવા લાગી અને પપ્પા સાથે પણ પ્રેક્ટીસ કરતી. સાચે જ તેનામાં થોડો થોડો બદલાવ આવવા લાગ્યો.કેયાને થોડા દિવસમાં ડ્રાઈવિંગ આવડી ગયું.લાઇસન્સ મળી ગયું ત્યારે પપ્પાએ કહ્યું, ‘આજે કેયાને લાઇસન્સ મળ્યું છે તો લોંગ ડ્રાઈવ પર જઈશું અને પાર્ટી કરીશું.’ કેયા ,મમ્મી ,પપ્પા લોંગ ડ્રાઈવ પર નીકળ્યાં.પપ્પાએ કહ્યું, ‘કેયા ,આજે તું ડ્રાઈવ કરીશ અને હું બાજુમાં બેસીશ.’ કેયા પણ ખુશ હતી. તે એકદમ ધ્યાન રાખીને કાર ડ્રાઈવ કરી રહી હતી અને મમ્મી અને પપ્પા એકમેક સામે જોઈ હસી રહ્યાં હતાં.

પપ્પાએ કહ્યું, ‘કેયા, હું બહુ ખુશ છું કે તને ડ્રાઈવિંગ આવડી ગયું.હું માનું છું કે દરેક જણને જીવનમાં ડ્રાઈવિંગ તો આવડવું જ જોઈએ.કારણકે જેમ આ ગાડીના સ્ટીયરીંગને હાથમાં પકડી તેને મરજી મુજબની દિશામાં વાળી શકાય છે તેમ જીવનની ગાડીનું સ્ટીયરીંગ પણ પોતાના હાથમાં પકડી આત્મવિશ્વાસ સાથે તેને સાચી દિશામાં આગળ વધારી શકાય છે.તું જીવનની ગાડીને પણ આમ જ હિંમત અને વિશ્વાસથી જાતે ડ્રાઈવ કરજે.’ કેયા મીઠું હસી અને મમ્મીના મનની કેયાની ચિંતા દૂર થઇ. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top