Business

સપના જોવાનું શીખો કારણ કે સપના જ તમને તમારી મંજિલ સુધી લઈ જશે

પર્ફ્યૂમ તથા રંગ-રસાયણ વગેરેના ધંધામાં પોતાની અલગ કેડી કંડારીને તેઓ થયા. રાલ્ફ લોરેન જ્યારે પ્રસિદ્ધિની ટોચે હતા ત્યારે અમેરિકાની જાણીતી યુનિવર્સિટીમાં એક વખત વિદ્યાર્થીઓ જોડે તેમનો સંવાદ રાખવામાં આવ્યો હતો. આ વિદ્યાર્થીઓ ક્રિએટિવિટી અને ફેશનના અભ્યાસક્રમ સાથે સંકળાયેલા હતા. જ્યારે એક વિદ્યાર્થીએ રાલ્ફને પૂછ્યું કે તમે ફેશન ઇન્ડસ્ટ્રીઝનો વ્યવસાય કેમ પસંદ કર્યો. રાલ્ફનો જવાબ હતો, હું નાનપણથી જ સ્વપ્નનો સોદાગર રહ્યો છું. અમારી જ્યુ (યહૂદી) જાતિમાં ભાગ્યે જ કોઈ આ પ્રકારના વ્યવસાયમાં સંકળાય. અમારી જાતિમાં કાં કોઈ યુવક બેકાર બેસી રહે અથવા તો ખૂબ જ ઉચ્ચ પ્રકારની ડિગ્રી મેળવી ખૂબ પૈસા કમાય, પરંતુ નાનપણથી જ મારી સ્વપ્ન જોવાની આદતો અને સ્વપ્ન પણ એક ડિઝાઇન તરીકે જોવાની ટેવને લીધે આજે હું શ્રેષ્ઠ ડિઝાઇનર બન્યો છું.

તેમણે ઉમેર્યું કે હું જ્યારે કપડાં ડિઝાઇન કરું છું ત્યારે સ્ત્રી કે પુરુષની ઉંમરનો વિચાર નથી કરતો. બસ, મારા કસ્ટમરનો ટેસ્ટ ઊંચો હોવો જોઈએ. હું હંમેશાં ઇચ્છું કે મારા ગ્રાહકની જીવન જીવવાની રીત દમામભરી હોવી જોઈએ. ઉંમરને કપડાં સાથે શો સંબંધ? કોઈપણ ઉંમરે સ્ત્રી કે પુરુષ કંઈ પણ પહેરવા સક્ષમ હોય છે. હું જૅકેટ્સ કે બાંયોની ડિઝાઇન બનાવતો નથી. હું તો આખા જગતને ફેશન શીખવું છું. વિદ્યાર્થીઓના તાળીઓના ગડગડાટ વચ્ચે તેમણે ઉમેર્યું કે ડિઝાઇન કરવામાં હું અમુક બાબતોમાં ખાસ ધ્યાન રાખું છું. ડિઝાઇન સાતત્યપૂર્ણ હોવી જોઈએ. હું મારી ડિઝાઇનનાં નવાં નવાં સપનાં જોઉં છું. હું હંમેશાં ઇચ્છું કે મારી ડિઝાઇન રોજિંદા જીવનમાં અપનાવી શકાય તેવી હોવી જોઈએ. નવી ફેશન જેમ જૂની થાય તેમ વધુ ને વધુ પસંદ પડવી જોઈએ.

રાલ્ફ લોરેન જોડેથી એક વસ્તુ શીખવા જેવી છે કે તમારી વિચારશક્તિનું તમારા ધંધામાં ખૂબ જ યોગદાન રહે છે. તમે તમારા સ્વપ્નના શિલ્પકાર બની શકો. જો તમે ઉમદાં સપનાં જોવાની તાકાત ધરાવતા હો તો એક દિવસ એવો આવશે કે તમે તમારાં સપનાંને સાકાર પણ કરી શકશો. એક લીડર પાસે એક ચોક્કસ દૃષ્ટિ અને સ્વપ્ન હોય છે એ સ્વપ્નને સત્યમાં બદલવા માટે મક્કમ મનોબળ હોવું એટલું જરૂરી છે. તમે જે ક્ષેત્રમાં કામ કરતા હો તે ક્ષેત્રમાં હંમેશાં શ્રેષ્ઠ વિચારો. શ્રેષ્ઠતા જ તમારો આખરી વિકલ્પ છે. જો તમે ઉમદા વિચારશો તો જ તમે આગવું કરી શકશો. સારાં સપનાં જોવાની ટેવ પાડો. જો તમે હકારાત્મક વાતાવરણમાં અને ભવિષ્યમાં તમારાં સપનાંને સાકાર કરવાની મહેચ્છા ધરાવતા હશો તો તમને કોઈ રોકી નહીં શકે. જે કંઈ કરવાનું છે તે ફક્ત અને ફક્ત તમારા પર જ આધારિત છે. બીજા કોઈ પર નહીં.

રાલ્ફ લોરેન પાસેથી શીખવા જેવી ટિપ્સ 

  • હંમેશાં લાંબું અને હકારાત્મક વિચારો. જો તમારું વિઝન ખૂબ મોટું હશે તો તમને નાની નાની સમસ્યાઓથી ખાસ તકલીફ નહીં પડે. શ્રેષ્ઠતાના અને ઉચ્ચ કોટીનાં તમારાં સપનાંની ડિઝાઇન તમે જાતે જ નક્કી કરો. જો તમે સારાં સપનાં જોવાનું ચાલુ કરશો તો બધું સારું થશે જ.
  • સારું વિચારવાથી મનમાંથી નકારાત્મક બાબતો દૂર થાય છે. મન ખૂબ ચંચળ છે. તમે એક સ્ટેપ આગળ વધશો તો મન તમને ટપારતું રહેશે, પરંતુ તમે ડરો નહીં. તમારા પર વિશ્વાસ રાખો અને આગળ વધો.
  • તમારાં સપનાંને અમલમાં મૂકવા માટે કમર કસો. બીજા ઉપર બહુ મદાર રાખવો નહીં. તમે તમારી જાત માટે જો કંઈ કરશો તો બીજું કોઈ કરી શકશે નહીં.
  • તમે જ તમારાં સપનાંના સોદાગર બનો. જે કંઈ સપનાંની ડિઝાઇન કરો તેને અમલમાં મૂકો અને મુક્ત મને આનંદિત રહો.

ubhavesh@hotmail.com

Most Popular

To Top