એવા ઘણા પ્રમોટર જોયા છે જે કર્મચારીઓને એક ગુલામ તરીકે જોતા હોય છે અને કર્મચારીનું વારતહેવારે અપમાન કરતા હોય છે. આવા પ્રમોટર કંપની જયારે ગ્રોથ ન કરતી હોય ત્યારે દોષનો ટોપલો કર્મચારીઓ પર નાંખતા હોય છે પરંતુ ઘણા એવા શ્રેષ્ઠ પ્રમોટર પણ હોય છે જે કર્મચારીને રીયલ પાર્ટનર તરીકે જોતા હોય છે. ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટીલ, પાવર અને વોટર સેક્ટર જેવાં અનેક ક્ષેત્રો પ્રગતિના પંથે છે . આવા સંજોગોમાં કર્મચારીઓને જાળવી રાખવા એ સૌથી મોટો પડકાર છે. આવી પરિસ્થિતિમાં ઑર્ગેનાઇઝેશનની HR ટીમ તો પ્રયત્નશીલ હોય છે પણ સંસ્થાના વડાએ પણ પોતાની વિશેષ જવાબદારી નિભાવવી પડે છે.
કંપનીમાં જો સફળતા મેળવવી હોય તો હ્યુમન રિસોર્સિસને વિશેષ પ્રાધાન્ય આપવું પડે છે અને સંસ્થાના વડા પોતે સારા HR મેનેજર છે તેવું સાબિત કરવું પડે છે. જો કંપનીના કર્મચારીઓ પ્રગતિશીલ વિચારધારાના હશે તો કંપનીનો ગ્રોથ થશે જ. આપણે જોઈએ છીએ કે વિશ્વમાં ઘણાં બધાં ઑર્ગેનાઇઝેશન્સ છે. આમાંથી કેટલાંક એવરેજ પ્રકારનાં છે, કેટલાંક નબળાં છે. જ્યારે બહુ ઓછા ઑર્ગેનાઇઝેશન્સ શ્રેષ્ઠ તરીકેની શ્રેણીમાં આવે છે. આવાં શ્રેષ્ઠ ઑર્ગેનાઇઝેશન્સમાં કંપનીના કે સંસ્થાના વડાનો સિંહફાળો હોય છે. તે ઑર્ગેનાઇઝેશનના વડા કર્મચારીઓના કૌશલ્યને પારખી એક સારી ટીમભાવનાને વિકસાવવા પ્રયત્નશીલ હોય તો ઑર્ગેનાઇઝેશન શ્રેષ્ઠની શ્રેણીમાં આવે છે. તેમ જ સંસ્થાના વડા પોતે ટીમનો જ એક ભાગ છે તેવું તેમણે જાતે પ્રસ્થાપિત કરવું પડે છે. આમ કરવા માટે તેમણે હ્યુમન રિસોર્સિસને જાણવું પડે છે, અપનાવવું પડે છે તેમ જ અમલ કરવો પડે છે.
કંપનીમાં કર્મચારીઓને બિઝનેસ પાર્ટનર તરીકે પ્રસ્થાપિત કરવા તે વેદાંત ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલ જોડેથી શીખવા જેવું છે. અનિલ અગ્રવાલ પોતે એક સારા લીડર છે અને તેમનું માનવું છે કે શ્રેષ્ઠ ઉદ્યોગ સાહસિક જ પોતાના ઑર્ગેનાઇઝેશનને શ્રેષ્ઠ બનાવી શકે છે. આપણે ઘણી વખત જોયું છે કે ઓર્ગેનાઇઝેશનના HR મેનેજર કંપનીના HRના રોલ ઉપરાંત ઘણી મજબૂત પોઝિશન ધરાવતા હોય છે અને કંપનીના વિકાસમાં તેમનું અનેરું યોગદાન હોય છે. તેમનું માનવું છે કે સારી HR ડ્રિવન (driven) કંપનીના પ્રમોટર્સ HR વિશે વિશેષ જ્ઞાન, કૌશલ્ય તેમજ લાગણી ધરાવતા હોય છે. આખરે તો ઑર્ગેનાઇઝેશન એ તો કર્મચારીઓનો એક સમૂહ છે અને આ સમૂહને યોગ્ય દિશામાં વાળવામાં આવે તો કંપનીનો વિકાસ થતો રહે છે. આંત્રપ્રિન્યોરે આ વાત જાણવાની જરૂર છે. જેનાથી તેઓ પોતાના ઑર્ગેનાઇઝેશનને પ્રગતિ તરફ દોરી જઈ શકે છે.
અનિલ અગ્રવાલ ઉદ્યોગજગતમાં મેટલકિંગ તરીકે ઓળખાય છે. અનિલ અગ્રવાલને પૂછવામાં આવ્યું કે તમે તમારી સફળતાનું રહસ્ય જણાવો અને વેદાંતાને કઈ રીતે શ્રેષ્ઠ ઑર્ગેનાઇઝેશન બનાવી શક્યા તેની જાણકારી આપો. તેમણે સફળ ઉદ્યોગ સાહસિક થવાનાં ત્રણ કારણો આપ્યાં- પીપલ, પીપલ ઍન્ડ પીપલ. તેમણે કહ્યું કે જો કંપનીના લોકોને સાથે લઈને આગળ વધવાની ભાવના હોય, કંપનીના કર્મચારીઓને માત્ર પ્રોફેશનલ નહીં ગણતાં તેમને બિઝનેસ પાર્ટનર તરીકે જોવામાં આવે તેમ જ કંપનીની પ્રગતિ સાથે કર્મચારીઓની પ્રગતિ થાય તો કોઈ પણ ઉદ્યોગ સાહસિક પોતાના ઑર્ગેનાઇઝેશનને શ્રેષ્ઠ ઑર્ગેનાઇઝેશન બનાવી શકે છે. અનિલ અગ્રવાલનું કહેવું હતું, શ્રેષ્ઠ ઉદ્યોગ સાહસિક થવા માટે સારા HR મૅનેજર બનવું પડે છે.
વેદાંતાના ચૅરમૅન અનિલ અગ્રવાલ HRનું મહત્ત્વ પૂરેપૂરું સમજતા હોય તો આજના યુવાન ઉદ્યોગ સાહસિકોએ તેમનું અનુકરણ કરવામાં કોઈ છોછ રાખવી જોઈએ નહીં. હ્યુમન રિસોર્સિસ આજના સમયની માંગ છે, તેને પૂરી કરીને જ તમે આગળનું કદમ ઉઠાવી શકો છો. અનિલ અગ્રવાલના મત મુજબ કંપનીમાં પ્રમોટર જો કર્મચારીને એક પાર્ટનર તરીકે રાખે અથવા તો તેમનો વ્યવહાર પણ ઉમદા હોય તો કમર્ચારી પણ પોતાની જ કંપની છે તેવું માનતા થઈ જશે.
અનિલ અગ્રવાલની કેટલીક ટિપ્સ
- કર્મચારીઓને કર્મચારી તરીકે ન જોતાં તેમને કંપનીના વિકાસના પાર્ટનર તરીકે જોવા. જો તમે આવું કરી શકશો તો કર્મચારીઓ ખરેખર તમારી પ્રગતિના પાર્ટનર બનશે અને કપરા સમયમાં પણ તમારી સાથે રહેશે.
- જેમ તમે તમારા બિઝનેસ પાર્ટનરને માનસન્માન આપો છો તેવી રીતે તમારા કર્મચારીઓને માનસન્માન આપો. આવું કરવાથી તમારા કર્મચારીઓમાં ઑનરશિપની ભાવના વધુ ખીલશે.
- એટલું યાદ રાખો કે કર્મચારીઓ માત્ર પગાર માટે નોકરી નથી કરતા. તેઓ પોતાની ઓળખ ઊભી કરવા માટે પણ આવે છે અને આમ થવાથી તેઓ સંસ્થાના મજબૂત પ્રશંસક બને છે અને પોતાના માલિકની પ્રગતિના પાર્ટનર બને છે. આવી પરિસ્થિતિમાં કંપનીના માલિકને શ્રેષ્ઠ ઉદ્યોગ સાહસિક બનતાં કોઈ રોકી શકતું નથી.
- અને છેલ્લે માત્ર કર્મચારીઓ જ નહીં, તેમના પરિવારજનોને પણ કંપનીના માળખાના ભાગરૂપે જોવામાં આવે. તેમના સારા તેમ જ નરસા પ્રસંગે સંસ્થા તેમની સાથે ઊભી રહેશે તો કંપનીના સારાનરસા પ્રસંગે કર્મચારી તેમ જ તેમના પરિવારજનો પણ તેમની સાથે રહેશે.
ubhavesh@hotmail.com