Columns

ભૂલો ભાડે લો

એક શહેરના એકદમ વ્યસ્ત ચોક પર એક વૃદ્ધ દાદા એક ખુરશી પર થેલો લઈને બેસતા અને તેમની નજીક એક બોર્ડ હતું જેની પર લખ્યું હતું ‘ અહીં ભૂલો ભાડે મળશે ’ આવું વિચિત્ર વાક્ય વાંચીને લોકો તેમને પાગલ સમજતા ,તેમની મજાક ઉડાડતા…હસતા અને આગળ વધી જતા. એક દિવસ એક યુવાનની કાર ત્યાં સિગ્નલ પર ઉભી હતી અને તેની નજર આ દાદાએ લખેલા બોર્ડ પર પડી.તેને થયું આ ભૂલો ભાડે આપવાની વાળી કઈ સ્કીમ છે લાવ જાણવા દે. યુવાન કારમાંથી ઉતર્યો અને દાદા પાસે ગયો અને મજાકમાં કહ્યું, ‘દાદા મારે ભૂલો ભાડે લેવી છે શું તમે કોઈ શાનદાર ભૂલ બતાવશો.’ દાદાએ તેને તેનું નામ ,ઉંમર ,કામ, ઈચ્છાઓ વિષે થોડા પ્રશ્નો પૂછ્યા યુવાને જવાબ આપ્યા કે વિજય નામ છે ,૩૫ વર્ષની ઉંમર છે, સારી નોકરી છે પણ ઘણાબધા પૈસા કમાવાની ઈચ્છા છે.’

પછી દાદાએ એક ડાયરી કાઢી અને કહ્યું, ‘પાના નંબર ૩૨ની વાત વાંચી લે.આ પાના પર એક મહત્વાકાંક્ષી યુવાનની વાત હતી જેણે જલ્દી પૈસા કમાવાની લાલચમાં બે મહિનામાં એક ના ડબલ કરવાની સ્કીમ આપતી કંપનીમાં પોતાના બધા પૈસા લગાવી દીધા અને બધા પૈસા ગુમાવ્યા.’ આ વાત વાંચ્યા બાદ યુવકને લાગ્યું પોતે પણ કૈંક આવી જ સ્કીમમાં પૈસા લગાડવાનું વિચારી રહ્યો હતો તેનાથી રહેવાયું નહિ તે તરત બોલ્યો, ‘દાદા, હું આવી જ એક કંપનીની સ્કીમમાં પૈસા લગાડવાનું વિચારી રહ્યો હતો.તમે બચાવી લીધો હવે નહિ લગાડું.’ યુવાને દાદાને પૂછ્યું, ‘દાદા, આ ભૂલનું ભાડું કેટલું?’ દાદાએ કહ્યું, ‘મેં કોઈ ફિક્સ ભાડું રાખ્યું નથી જેને જેવી ભૂલ લેવી હોય તેવું ભાડું પોતે જ સમજીને આપે.’ યુવાને દાદાને અમુક પૈસા આપ્યા અને પછી પૂછ્યું, ‘દાદા, આવો ભૂલો ભાડે આપવાનો વિચાર તમને કઈ રીતે આવ્યો?’

દાદાએ કહ્યું, ‘યુવાન, હું માનસશાસ્ત્રી છું.એટલું જાણું છું કે બધા જ જીવનમાં ભૂલો તો કરે જ છે.પણ પોતાની ભૂલો પરથી શીખવામાં ક્યારેક આખી જિંદગી નીકળી જાય છે કયારેક જિંદગી બગડી નાખે તેવી ભૂલ થઈ જાય છે.પણ જો આપને બીજાના જીવનની ભૂલો પર ધ્યાન આપીએ અને શીખી લઈએ તો જીવનમાં ઘણું શીખી શકીએ છીએ.

મારી પાસે આવતા લોકોની વાતો ,બીજાની સાંભળેલી વાતો, વાંચેલી વાતોનો મારી પાસે ભંડાર છે તેમાંથી હાર અને નિષ્ફળતા ભરેલી વાતો ,ભૂલોની વાતો મેં અલગ તારવી છે.જેના પરથી કોઇપણ તે અનુભવમાંથી પસાર થયા વિના જીવનનો પાઠ શીખી શકે છે એટલે હું લખું છું ભૂલો ભાડે લો એટલે કે બીજાની ભૂલમાંથી શીખી લો.’ યુવાન બોલ્યો, ‘ એટલે દાદા તમે તો જીવનના અનુભવો વેચો છો જેથી મારા જેવા યુવાનો બીજાની ભૂલોમાંથી શીખી લે અને પોતે તેવી ભૂલો કરવામાંથી બચી જાય.’ દાદા ડાયરી પોતાના થેલા મુકતા હસ્યા. બુદ્ધિમાની પોતે ઠોકર ખાઈને પડીને, ઉભા થઈને બીજે રસ્તે જવા કરતા  કરતા બીજાએ ખાધેલી  ઠોકરોમાંથી સમજીને રસ્તો બદલવામાં છે.- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top