સુરત: (Surat) સુરત શહેરની તાપી નદીમાં (Tapi River) ગઇકાલ રાતથી ભારે દુર્ગંધ અને આંખમાં બળતરા થાય તેવું ઓઇલ પાણીના વહેણમાં આવી જતા શહેરીજનોમાં ભારે ગભરાટ ફેલાઇ જવા પામ્યો હતો. આ ઓઈલ ખંભાતના અખાતમાંથી વહેતું વહેતું મગદલ્લાથી થઈને તાપી નદીમાં આવી ગયાનું મનાઈ રહ્યું છે. સુરત શહેરમાં ગઇકાલ સાંજ બાદ મગદલ્લાથી (Magdalla) તાપી નદીના ડકકા ઓવારા સુધી પાણીમાં ઓઇલ વહેતું-વહેતું આવી ગયું હતું. કેટલાંક લોકોએ તો આ ઓઇલ કોઇ જોખમી કેમિકલ હોય તેવી શંકા વ્યકત કરી હતી. કારણ કે તાપી નદી આસપાસના વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાઇ હતી. કેટલાંક લોકોએ તો આંખમાં બળતરા થતી હોવાની પણ ફરિયાદ કરી હતી. જેને પગલે ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડની (GPCB) ટીમ દોડતી થઇ ગઇ હતી.
જીપીસીબીની ટીમે ગઇકાલ રાતથી સવાર દરમિયાન તાપી નદીમાંથી પાણીની સેમ્પલ લઇ તપાસ હાથ ધરી હતી. જીપીસીબીની તપાસમાં તાપીના પાણીમાં વહેતું વહેતું આવેલું ઓઇલ હોવાનું બહાર આવ્યું છે. પાણીમાં ઓઇલનું પાતળુ લેયર જોવા મળ્યું હતું. જેના નમુના લઇ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી દેવાયા છે. ઓઈલને કારણે તાપી નદી નજીકના વિસ્તારોમાં લોકોને આંખમાં બળતરાની ફરિયાદ સાથે ભારે દુર્ગંધ ફેલાઈ હતી. તાપી નદીના પાણીમાં ઓઈલનું પાતળું લેયર જોવા મળ્યું હતું. જીપીસીબીની ટીમે તાત્કાલિક દોડી જઈને તપાસ કરી ઓઈલના નમુના તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યાં હતાં.
મગદલ્લા પોર્ટ આસપાસના એરિયામાંથી ઓઇલ ટ્રેસ થયું : જીપીસીબી ઓફિસર દવે
ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના પ્રાદેશિક ઓફિસર પરાગ દવેએ કહ્યું હતું કે તેમની ટીમે તપાસ કરી છે. ઓઇલ ખંભાતના અખાતથી સુરત સુધી આવ્યું હશે. હાલના તબકકે પાણીમાં જે ઓઇલ મળી આવ્યું છે તે મગદલ્લા આસપાસના લોકેશન ટ્રેસ થયા છે. તેમણે કહ્યું હતું કે, આ અંગે ગુજરાત મેરીટાઇમ બોર્ડ ઉપરાંત મનપાની ટીમ પણ પોત પોતાની રીતે ચકાસણી કરશે.