Editorial

સત્તા માટે એકબીજાના પગ ખેંચતા નેતાઓએ સ્વહિતને બદલે જનહિત માટે વિચારવું જોઇએ

પ્રજા જ્યારે ચૂંટણીમાં કોઇ નેતાને મત આપે છે ત્યારે તેની પાછળ તેની કેટલીક આશાઓ અને અપેક્ષાઓ હોય છે. પરંતુ એક વખત ચૂંટાયા પછી નેતાઓ માટે જેમને તેમણે ચૂંટીને મોકલ્યા છે તે પ્રજા ગૌણ બની જાય છે અને સત્તા જ સર્વસ્વ થઇ જાય છે. પ્રજા સાથે દ્રોહ કરતાં પણ નેતાઓ અચકાતા નથી. પ્રજાએ જે પક્ષને મત આપ્યા હોય તે પક્ષના નેતાઓ મતદારોએ જેને જાકારો આપ્યો હોય તેની સરકાર બનાવી દે છે. આવી હાલત માત્ર કોઇ એક પક્ષની નથી. તમામ પક્ષના નેતાઓ પર સત્તા હાવી છે. આ ઉપરાંત આ બદી કોઇ એક રાજ્ય પૂરતી સિમિત નથી દરેક રાજ્યોની આજ હાલત છે.

હાલમાં પંજાબ કોંગ્રેસ પર સૌની નજર છે જ્યાં નવજોતસિંગ સિદ્ધુ અને મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંગ વચ્ચે કબડ્ડીની રમત ચાલી રહી છે. બંને એક બીજાને પાડવાની પ્રવૃતિ કરી રહ્યાં છે પરંતુ ખો, પ્રજાનો નીકળી રહ્યો છે. કોંગ્રેસની નેતાગીરી  દ્વારા થઈ રહેલા ભરપૂર પ્રયાસો બાદ પણ પંજાબ કોંગ્રેસમાં સીએમ કેપ્ટન અમરિન્દર સિંઘ અને નવજોત સિધ્ધુ વચ્ચેનુ ઘમાસાણ શાંત થઈ રહ્યુ નથી. કેપ્ટન અને તેમના સમર્થકો પંજાબમાં કોંગ્રેસ અધ્યક્ષ તરીકે નવજોત સિધ્ધુની નિમણૂંક કરવાની ફોર્મ્યુલા સાથે સંમત નથી. અમરિન્દર સિંઘે પોતાના સમર્થનમાં કોંગ્રેસ સાંસદોની ટીમને દિલ્હીમાં ઉતારી છે. સાંસદ પ્રતાપસિંહ બાજવાના ઘરે આ બેઠક યોજાશે. જેમાં નવજોત સિધ્ધુને અધ્યક્ષ બનાવવા અંગે ચર્ચા થશે અને એ પછી આ સાંસદો કોંગ્રેસના કાર્યકાકરી અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવા માટે સમય માંગે તેવી શક્યતા છે.

પહેલાં એવુ લાગતુ હતુ કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા હરીશ રાવતની સમજાવટ બાદ કેપ્ટન અને સિધ્ધુ વચ્ચનો કલહ શાંત થઈ જશે. રાવતે પણ ગઈકાલે દાવો કર્યો હતો કે, કેપ્ટન અમરિન્દર સિંઘ હાઈકમાન્ડ જે પણ આદેશ કરશે તે માનવા માટે તૈયાર છે. જોકે એ પછી પણ જે સંકેતો મળ્યા છે તે પ્રમાણે કેપ્ટન કોંગ્રેસ અધ્યક્ષ પદે સિદ્ધુને જોવા માંગતા નથી. દક્ષિણ ભારતના એક માત્ર રાજ્ય કર્ણાટક જ્યાં ભાજપે તખતો પલટાવીને સરકાર બનાવી છે તેની હાલત પણ સારી કહી શકાય તેમ નથી. અહીં ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યા પછી ભાજપના જ સક્રિય થયેલા નેતાઓ તેમને પદ પરથી હટાવવા માંગે છે. આ રાજ્યમાં ભલે સત્તાનો તખતો પલટો થાય તેમ નથી પરંતુ પ્રજાના પ્રશ્નોને બદલે આંતરિક જૂથવાદને વધારે મહત્વ અપાઇ રહ્યું છે.

આ પહેલા મધ્યપ્રદેશમાં આવુ્ં જ બની રહ્યું છે. એમપીના મતદારોએ કોંગ્રેસને ચૂંટીને સત્તામાં બેસાડવાનું નક્કી કર્યું હતું પરંતુ કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયાના વિખવાદ વચ્ચે સિંધિયાના જ ટેકાથી ભાજપે મધ્યપ્રદેશમાં ધરાર સરકાર બનાવી દીધી હતી.કોરોના વાયરસના આગમનની પહેલાં માર્ચની પહેલીએ મધ્ય પ્રદેશમાં સત્તાપલટો થયો હતો. કમલનાથની સરકાર ગબડી પડી હતી. ગ્વાલિયરના રાજ પરિવારના જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાના ટેકેદારો સાથે સાગમટે પક્ષપલટો કર્યો હતો. એના પગલે કમલનાથે સરકાર ગુમાવી હતી.

સરકાર ઉથલાવવાના ઇનામરૂપે હાલમાં જ ભાજપે જ્યોતિરાદિત્ય સિંધિયાને કેબિનેટ કક્ષાના નાગરિક ઉડ્ડયન મંત્રી બનાવીને ઉપકારનો બદલો આપ્યો છે. તો રાજસ્થાનમાં પણ બધુ બરાબર ચાલી રહ્યું નથી. અહીં સચિન પાયલટ અને અશોક ગેહલોતના જૂથ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. આ પહેલા પશ્વિમ બંગાળમાં પણ અનેક નેતાઓ મમતાનો સાથ છોડી ગયા હતા. અહીં સવાલ એ છે કે, લોકો નેતાઓને લોકહિતના કામ કરવા માટે ચૂંટીને મોકલે છે પરંતુ ચૂંટાયા બાદ નેતાઓ પ્રજાને ભૂલી જાય છે. પ્રજાનું હિત ભૂલી જાય છે. જનહિતના કામ ભૂલી જાય છે. અને માત્રને માત્ર કેવી રીતે સત્તા કે મંત્રી પદ મેળવવું તેની પળોજણમાં પડી જાય છે. એટલે નેતાઓ ભલે તેમનું હિત વિચારે પરંતુ સાથે સાથે પ્રજાનું હિત પણ અવશ્ય વિચારવું જ જોઇએ.

જો આવું થાય તો જ દેશ અને દેશની પ્રજાનું ભલુ થઇ શકે તેમ છે અને પ્રજા પણ એવું જ ઇચ્છે છે કે, એક વખત જે નેતાને કમાન આપી તે પાંચ વર્ષ સુધી જનહિત માટે કામ કરે પરંતુ એવું થતું હોય તેવું હાલના તબક્કે તો લાગતું નથી. હાલમાં જે પણ વાત કરી તે એવા રાજ્યો છે કે, જ્યાં વિવાદ સપાટી પર આવી ગયો છે પરંતુ દેશના અન્ય એવા નાના મોટા અનેક રાજ્યો છે જ્યાં સત્તા અને પદ માટે ટાંટિયાખેંચ ચાલી રહ્યું હશે પરંતુ તે વાત બહાર આવતી નથી. એટલે આવા સંજોગોમાં નેતાઓએ વિચારવું જોઇએ કે તેમણે પ્રજાને જે વચન આપીને સત્તા મેળવી છે તે પહેલા પૂર્ણ થવા જોઇએ. પદ અને સત્તા ગૌણ હોવા જોઇએ.

Most Popular

To Top