ભરૂચ, અંકલેશ્વર: (Bharuch) અંકલેશ્વરને જાણે બકરાં ચોરોએ (Thief) ગઢ બનાવી લીધો હોય તેમ તાજેતરમાં વટવાની ટોળકી ઝડપાયા બાદ હવે નડિયાદથી ક્રેટા કાર લઈ 6 બકરાં (Goats) ચોરી જતી ટોળકીના 4 સાગરીતને ભરૂચ એલસીબી (LCB)એ 100 કિ.મી. સુધી પીછો કરી પકડી પાડ્યા હતા.
- નડિયાદથી કાર લઈ અંકલેશ્વર આવતા બકરાં ચોરોને પકડવા પોલીસે 100 કિ.મી. સુધી પીછો કર્યો
- અંકલેશ્વરથી 6 બકરાં ચોર્યા બાદ ટોળકીએ પોલીસને હાંસોટ, વાલિયા અને ઝઘડિયા સુધી દોડાવી
- અઢી મહિનામાં 24 બકરાંની ચોરી, પોલીસે ચાર ચોરને પકડી પાડ્યા
- એલસીબી (LCB)એ 100 કિ.મી. સુધી પીછો કરી પકડી પાડ્યા
અંકલેશ્વરમાં છેલ્લા ત્રણ ચાર મહિનાથી બકરાં ચોર ટોળકીએ હાહાકાર મચાવ્યો હતો. હાલમાં જ શહેર એ ડિવિઝન પોલીસે વટવાથી બ્રેઝા કાર લઈ અંકલેશ્વરમાં બકરાં ચોરી કરવા આવતા બે આરોપીને પકડી લીધા હતા. જ્યારે મુખ્ય સૂત્રધાર હજી વોન્ટેડ છે. દરમિયાન ભરૂચ LCBએ CCTV ફૂટેજના આધારે શંકાસ્પદ કારની ગતિવિધિઓ ઉપર વોચ શરૂ કરી હતી. ત્યારે LCBને અંકલેશ્વરમાં પેટ્રોલિંગ વેળા સફેદ રંગની ક્રેટા કાર નં.(GJ 07 DA 9896)માં બકરાં ચોરી કરી ચોરો બોરભાઠા ગામ તરફ ભાગતાં હોવાની માહિતી મળી હતી.
આથી એલસીબીની ત્રણ ટીમે કારનો પીછો કરતાં બકરાં ચોરે કાર અંકલેશ્વરથી હાંસોટ, વાલિયા થઈ ઝઘડિયા તાલુકાનાં ગામો તરફ હંકારતાં ફિલ્મી દૃશ્યો સર્જાયાં હતાં. આખરે સારસા-રાજપારડી સિંગલ પટ્ટીના માર્ગ ઉપર ક્રેટા કારને ઘેરવા રાજપારડી PSI જી.આઈ.રાઠવાનો સંપર્ક કરી રસ્તો જામ કરી ટોળકીની કારને ઘેરી લેવાઇ હતી. આરોપીઓએ પોલીસના કહેવા છતાં કારનો કાચ નહીં ખોલતાં પોલીસે કાચ તોડી નાંખ્યો હતો. અંદરથી 4 આરોપી 6 બકરાં સાથે ઝડપાઇ ગયા હતા. એલસીબીએ કાર, બકરાં, 3 મોબાઇલ મળી કુલ 8.42 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ઝડપાયેલા નડિયાદના આરોપી હસમુખ સુરેશ જાની, કિશોર મનુ દેવીપૂજક, ઠાકોર રવજી તળપદા અને ભાવેશ માલિક પરસોત્તમ તળપદાના કહેવાથી બકરાં ચોરી કરતા હતા. છેલ્લા અઢી મહિનામાં અંકલેશ્વરમાં 5 વખત આવી 7 સ્થળેથી કારમાં 24 બકરાંની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. સાથે જ આરોપીએ અંકલેશ્વર ઉપરાંત વડોદરા, આણંદ, હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ 8 વખત બકરાંની ચોરી કરી હોવાનું એલસીબી સમક્ષ કબૂલ્યું હતું.