શાખાની ટીમે રવિવારની મોડી રાત્રે બાતમી આધારે અડાસ ગામના ફાર્મ હાઉસ પર દરોડો પાડ્યો હતો. આ દરોડામાં દારૂની મહેફિલ માણતા 15 નબીરાને પકડી પાડી તેમની પાસેથી 20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ નબીરાઓમાં મોટા ભાગના આણંદ અને વડોદરાના છે. આ પાર્ટી વડોદરાના કૂખ્યાત રાજુ ઉર્ફે બેટરીએ પોતાના જન્મ દિવસ નિમિત્તે યોજી હોવાનું જાણવા મળ્યું હતું.
અડાસ ગામના દેણાપુરા સીમમાં આવેલા જયરાજ પરમારના ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ ચાલતી હોવાની બાતમી આણંદ સ્થાનિક ગુના શોધક શાખાની ટીમને મળતાં રવિવારની મોડી રાત્રે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં ફાર્મ હાઉસનું દ્રશ્ય જોઇ પોલીસ પણ ચોંકી ગઇ હતી. જયરાજના ફાર્મ હાઉસના બહારના ભાગે કમ્પાઉન્ડ વોલવાળુ જણાયું હતું. જેનો મુખ્ય ગેટ ખુલ્લો હતો. અંદર જતાં પાર્કીંગ મુકી ફાર્મહાઉસનું બિલ્ડીંગ આવેલું હતું. તેની જમણી બાજુ તારની ફેન્સીંગવાળી ખુલ્લી જગ્યામાં વચ્ચે ઇલેક્ટ્રીક લાઇટના અજવાળે ખુરશી મુકી લંબ ચોરસ આકારમાં ટેબલ ગોઠવી ખુરશીઓ સામસામે 15 જેટલા ઇસમો બેઠાં હતાં. પાર્ટી બરોબર જામી ત્યારે જ વાસદ પોલીસની ટીમ પણ ત્રાટકતા નબિરાઓનો ઉતરી ગયો હતો.
જોકે, પોલીસે તમામને કોર્ડન કરી લીધા હતા અને તમામને જે તે સ્થળે બેસવા જણાવ્યું હતું. પોલીસ કાર્યવાહી દરમિયાન નબીરાઓની પુછપરછ કરતાં તે તમામ નબીરાઓ રાજાપાઠમાં હતાં.જયરાજ પરમારના ફાર્મ હાઉસ પરથી દારૂની મહેફિલમાં પકડાયેલા 15 જણની પુછપરછ કરતાં તે રાજુ ઉર્ફે બેટરી મહંમદ રાણા (રહે. વડોદરા), રીઝવાન સિકંદર રાણા (રહે.નાપા), સદ્દામ અશરફ રાઠોડ (રહે.વડોદરા), સંદીપ નટવર રાણા (રહે.ગોરવા), નુરઅહેમદ અબ્દુલ મકવા (રહે. નાપાવાંટા), ઇમરાન ફૈજમહંમદ ખાન (રહે.વડોદરા), સંજય રણજીત રાણા (રહે.વડોદરા), શકીલ સિકંદર રાણા (રહે.નાપા વાંટા), સોએબ ઇસુબ દુધવાલા (રહે.વડોદરા), જાવેદ ગુલામ દુધવાલા (રહે.વડોદરા), કમરૂદ્દીન રમણ રાઠોડ (રહે.વડોદરા), અબ્દુલ ઈબ્રાહીમ વ્હોરા (રહે.ગોરવા), હસન ઉર્ફે કાળુ દીલુબા રાણા (રહે.નાપા વાંટા), રીયાઝ જશુબા રાણા (રહે.નાપા વાંટા), ઇમરાન અનવર વાઘેલા (રહે.વડોદરા) હોવાનું જણાવ્યું હતું.એલસીબી અને વાસદ પોલીસે ફાર્મમાં તપાસ કરતાં બે કાર મળી આવી હતી. જેમાં પણ વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂનો જંગી જથ્થો મળી આવતાં ગાડી સહિત કુલ રૂ.20,05,050નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.