સુરત: સુરતના (surat) અઠવાલાઇન્સ ખાતે આવેલી નવી સુરત જિલ્લા કોર્ટને (SuratDistrictCourt) શહેરથી બહાર જીયાવબુડિયા ખસેડવાના સરકારના નિર્ણયથી સુરતના વકીલો (Advocate) નારાજ થયા છે. આ મામલે નારાજગી પ્રકટ કરાયા બાદ પણ સરકાર તરફથી કોઈ સકારાત્મક રિસ્પોન્સ નહી મળતા આજે સુરતના વકીલો આજે રસ્તા પર ઉતર્યા હતા.
આજે બપોરે 2 વાગ્યે સુરત જિલ્લા કોર્ટથી કલેક્ટર કચેરી સુધી વિશાળ રેલી કાઢીને વકીલોએ સરકારના નિર્ણય સામે પોતાનો વાંધો વ્યક્ત કર્યો હતો. અઠવાલાઈન્સ કોર્ટથી સુરત જિલ્લા કલેક્ટર કચેરી સુધી વકીલો રેલી સ્વરૂપે ગયા હતા. પોલીસે અંદર પ્રવેશતા અટકાવતા વકીલો બેરીકેડ સાઈડ પર ફેંકી તેની પર ચઢી કલેક્ટર કચેરીમાં પ્રવેશ્યા હતા, જેના પગલે વકીલો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા.
કોર્ટને જીયાવ બુડિયા ખસેડવાના નિર્ણયના વિરોધમાં સુરત જિલ્લા વકીલ મંડળના નેજા હેઠળ આજે વકીલોની વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કોર્ટની જગ્યા શહેર વિસ્તારમાં ફાળવવા અંગે વકીલોએ માંગ કરી હતી. જો સીટી વિસ્તારમાં જગ્યાની ફાળવણી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં જલદ આંદોલનની ચીમકી વકીલોએ આપી હતી. તબક્કાવાર ઉચ્ચસ્તરે સુરત જિલ્લા વકીલ મંડળ દ્વારા રજુઆત કરવામાં આવશે. રજૂઆત બાદ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો જલદ આંદોલન કરવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારી હતી.
કોર્ટને જીયાવબુડિયા ખસેડવા સામે વકીલો કેમ વિરોધ કરી રહ્યાં છે?
બુધવારે બપોરે કોર્ટ બિલ્ડિંગમાં કોર્ટ બિલ્ડિંગ જીઆવ-બુડિયા શિફટ નહીં થવા માટે સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની કારોબારી કમિટી તથા કોર્ટ બિલ્ડિંગ કમિટીની મિટીંગ મળી હતી. તેમાં થયેલી ચર્ચા અનુસાર સૂચિત જમીનની આજુબાજુમાં કેમિકલ કંપનીઓ આવેલી છે. તેમજ તે જમીનની આસપાસ પાંડેસરા જેવા વિસ્તારો તથા હાઈવે હોવાથી અકસ્માત જેવા કેસો બની શકે છે.
જુનિયર વકીલો તેમજ 1700 વધુ મહિલા વકીલોને જવામાં મુશ્કેલી પડે તેમ હોવાથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના પ્રમુખ પરસોતમ ટી.રાણાએ જણાવ્યું હતું કે, ભવિષ્યમાં જરૂરત પડશે તો જાહેર જનતા પાસેથી પણ લેખિત સમર્થન માંગવામાં આવશે.