Columns

લોરેન્સ બિશ્નોઈ સાબરમતી જેલમાં રહીને પોતાનું ગુનાખોરીનું સામ્રાજ્ય ફેલાવી રહ્યો છે

બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હોવા છતાં પોલીસ આ હત્યાના તળિયા સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસ એ પુષ્ટિ કરવાનો પ્રયાસ કરી રહી છે કે આ હત્યાનું કારણ સલમાન ખાન સાથેની મિત્રતા છે કે પછી કંઈક બીજું છે, જેને શોધી રહેલી પોલીસ ૨,૦૦૦ કરોડ રૂપિયાના કૌભાંડની પણ તપાસ કરી રહી છે, જેમાં બાબા સિદ્દીકીનું નામ સામે આવ્યું હતું. આ કૌભાંડમાં EDએ બાબા સિદ્દીકીની ૪૬૫ કરોડ રૂપિયાની સંપત્તિ પણ જપ્ત કરી હતી. બાબા સિદ્દીકી ૨૦૦૦ થી ૨૦૦૪ સુધી મહારાષ્ટ્ર હાઉસિંગ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના અધ્યક્ષ હતા.

બાબા સિદ્દીકી પર આરોપ હતો કે તેણે સ્લમ રિડેવલપમેન્ટ ઓથોરિટી માટે પિરામિડ ડેવલપર્સને મદદ કરી હતી. પિરામિડ ડેવલપર્સ બાબા સિદ્દીકીની શેલ કંપની હતી. લગભગ ૨ હજાર કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટમાં તેમના પર ઘણા આરોપો લાગ્યા હતા. હવે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી રિડેવલપમેન્ટ કૌભાંડને કારણે બાબા સિદ્દીકીની પણ હત્યા થઈ શકે છે. વર્ષ ૨૦૧૪માં પોલીસે આ મામલે કેસ નોંધ્યો હતો. બાંદ્રા વેસ્ટમાં આવેલી બાબા સિદ્દીકીની સંપત્તિ પીએમએલએ હેઠળ જપ્ત કરવામાં આવી હતી. હવે પોલીસ તપાસ કરી રહી છે કે શું આ પ્રોજેક્ટના કારણે બાબા સિદ્દીકીની હત્યા થઈ હતી.

આ હત્યા બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે. વિપક્ષ શિંદે સરકારને ઘેરી રહ્યો છે. હવે શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે મહાયુતિ સરકાર પર નિશાન સાધ્યું છે. સંજય રાઉતે એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યાને ગુજરાત સાથે જોડીને કહ્યું છે કે ગુજરાતમાંથી અંડરવર્લ્ડનું સામ્રાજ્ય ચલાવવામાં આવી રહ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે સાબરમતી જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ આની જવાબદારી લીધી છે, જે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ માટે મોટો પડકાર છે.

મેં પહેલાં પણ કહ્યું હતું કે આ સરકાર આવ્યા પછી મુંબઈમાં અંડરવર્લ્ડની તાકાત વધી શકે છે. આ સરકારને અંડરવર્લ્ડનો પણ ટેકો છે. તેના પુરાવાના રૂપમાં ગુજરાતમાંથી રૂ. ૫,૦૦૦ કરોડની નશાકારક દવાઓ જપ્ત કરવામાં આવી છે. અમદાવાદની સાબરમતી જેલમાંથી લોરેન્સ બિશ્નોઈને પૂછપરછ માટે અન્ય રાજ્ય કે શહેરમાં કેમ મોકલવામાં આવતા નથી? વાસ્તવમાં આનું આપણા દેશના ગૃહ મંત્રાલયનો આદેશ છે. 

હકીકતમાં, ૨૦૨૩ માં ગૃહ મંત્રાલયે CrPC ની કલમ ૨૬૮ (૧) હેઠળ આદેશ જારી કર્યો હતો કે લોરેન્સ બિશ્નોઈને તપાસના નામે અથવા તેમની સામે નોંધાયેલા અન્ય કોઈ કેસમાં ક્યાંય ટ્રાન્સફર કરવામાં આવશે નહીં. એટલે કે તે સાબરમતી જેલમાં જ રહેશે. જો કોઈ પણ રાજ્યની પોલીસને કોઈ પણ સંજોગોમાં તેની પૂછપરછ કરવી હોય તો કોર્ટની જરૂરી પરવાનગી લીધા બાદ સાબરમતી જેલની અંદર જ તેની પૂછપરછ કરી શકે છે. આ ઓર્ડર ઓગસ્ટ ૨૦૨૪ માટે હતો, પરંતુ હવે તેને લંબાવવામાં આવ્યો છે. આ ઓર્ડરના આધારે વિપક્ષો આક્ષેપ કરી રહ્યા છે કે ગુજરાતમાં લોરેન્સ બિશ્નોઈને ભારતના ગૃહ પ્રધાન અમિત શાહનું સંરક્ષણ પ્રાપ્ત થયું છે.

બિહારના ગોપાલગંજના માંઝામાં જન્મેલા બાબા સિદ્દીકી પહેલી વાર ૧૯૬૪માં મુંબઈ આવ્યા હતા અને તેમના પિતા સાથે રહેતા હતા. તે સમયે બાંદ્રાના ઝૂંપડાંમાં બાબાનો પરિવાર રહેતો હતો. જેઓ તેમને જાણતા હતા તેઓ કહે છે કે બાબાને તેમના મૂળ સાથે ઊંડો લગાવ હતો. જ્યારે પણ બિહારથી કોઈ તેમની પાસે આવતું ત્યારે તેઓ તેમને ખૂબ જ પ્રેમથી મળતા હતા. બાબાએ તેમનું સ્કૂલિંગ મુંબઈમાં કર્યું હતું.

સ્નાતક થયા પહેલાં બાબા વિદ્યાર્થી રાજકારણમાં સક્રિયપણે ભાગ લેતા હતા. બાળપણથી જ બાબાને મોટા લોકોને મળવાનો શોખ હતો. તેમને બાળપણથી જ ફિલ્મી દુનિયાનું ગ્લેમર ખૂબ ગમતું હતું. તેમને ફિલ્મોનો ખૂબ જ શોખ હતો. બાબા સિદ્દીકી જો રાજકારણમાં સફળ ન થયા હોત, તો તેઓ બોલિવૂડમાં જ હોત. તેમણે થોડો સમય ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલાં લોકો સાથે કામ કર્યું અને તેમની પદ્ધતિઓ શીખી હતી. અહીંથી જ તેણે બોલિવૂડમાં એન્ટ્રી કરી અને ખ્યાતિ મેળવી હતી. તેમના કેટલાક મિત્રો પાછળથી સુપરસ્ટાર બન્યા હતા.

બાબાએ તેમના નેટવર્કિંગનો વિસ્તાર કર્યો હતો અને બાંદ્રા વિસ્તાર પર ધ્યાન કેન્દ્રિત કર્યું, જ્યાં ખાસ કરીને યુપી-બિહારથી આવેલા મુસ્લિમ લોકોની સંખ્યા ઘણી વધારે હતી. બાબાએ વિદ્યાર્થી નેતા તરીકે રાજકારણની શરૂઆત કરી હતી. બાબા BMCના કોર્પોરેટર હતા. તેમણે તેમની રાજકીય કારકિર્દી કોંગ્રેસમાંથી શરૂ કરી હતી. તેઓ ૧૯૭૭માં NSUIમાં જોડાયા હતા. તેઓ ૧૯૮૦માં બાંદ્રા યુથ કોંગ્રેસના જનરલ સેક્રેટરી, ૧૯૮૨માં બાંદ્રા યુથ કોંગ્રેસના પ્રમુખ અને ૧૯૮૮માં મુંબઈ યુથ કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા. આ વિસ્તાર પર તેમની મજબૂત પકડ હતી. 

ગરીબ લોકો તેમનામાં તેમના નેતાને જોવા લાગ્યા. જ્યારે બાબા સિદ્દીકીએ ચૂંટણી લડવાનું નક્કી કર્યું ત્યારે તેઓ બાંદ્રાથી ચૂંટણી લડ્યા હતા. તેઓ પહેલી વખત હારી ગયા હતા. ચાર વર્ષ પછી ૧૯૯૯ માં તેઓ કોંગ્રેસની ટિકિટ પર બાંદ્રા પશ્ચિમ બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. ૨૦૧૪ સુધી તેઓ સતત ત્રણ વખત આ બેઠક પરથી ધારાસભ્ય રહ્યા હતા. બાબા સિદ્દીકી ૨૦૦૪ થી ૨૦૦૮ સુધી રાજ્યના અન્ન અને શ્રમ રાજ્ય મંત્રી પણ હતા.

જો કે, ૨૦૧૪માં તેઓ ચૂંટણી હારી ગયા હતા. તે જ વર્ષે, તેમને મુંબઈ પ્રાદેશિક કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. ફેબ્રુઆરી ૨૦૨૪માં તેઓ કોંગ્રેસ છોડીને અજિત પવારની NCPમાં જોડાયા હતા. બાબા સિદ્દીકી મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના મુંબઈ વિભાગના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. સુનીલ દત્તે બાબા સિદ્દીકીને પહેલી વાર ટિકિટ અપાવવા માટે લોબિંગ કર્યું હતું. કોંગ્રેસના નેતા અને ફિલ્મસ્ટાર સુનીલ દત્તના આગ્રહ પર જ વિલાસરાવ દેશમુખે બાબા સિદ્દીકીને ચૂંટણી લડવા માટેની ટિકિટ આપી હતી.

હવે સવાલ એ છે કે જો બાબા સિદ્દીકીની હત્યા પાછળ લોરેન્સનો હાથ છે તો આનું કારણ શું છે, તેવો સવાલ ઊભો થાય છે, કારણ કે લોરેન્સ ગેંગે ક્યારેય બાબા સિદ્દીકીને ધમકી આપી ન હતી અને ન તો તેની સાથે કોઈ દુશ્મની હતી. જો સલમાન ખાન માત્ર તેનો મિત્ર હોવાના કારણે તેની હત્યા કરવામાં આવી હતી, તેમ કહેવાતું હોય તો આ કારણ જચતું નથી. તો પછી બાબા સિદ્દીકી કેમ બિશ્નોઈ ગેન્ગના નિશાના પર હતા? આનો જવાબ ગેલેક્સી શૂટઆઉટ કેસમાં દાખલ કરવામાં આવેલી મુંબઈ પોલીસની ચાર્જશીટમાં મળી રહે છે. તેમાં મુંબઈ પોલીસે કહ્યું હતું કે લોરેન્સ મુંબઈના અન્ડરવર્લ્ડ પર નિયંત્રણ મેળવવા ઈચ્છે છે. તો શું લોરેન્સે માત્ર મુંબઈમાં પ્રવેશ કરવા માટે બાબા સિદ્દીકીની હત્યા કરાવી? નિષ્ણાતોના મતે આ શક્ય છે. મુંબઈમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપવા માટે અને દાઉદ ઇબ્રાહિમનું સ્થાન લેવા માટે લોરેન્સ આ કરી શકે છે.

બાબા સિદ્દીકી માત્ર રાજકારણ, સરકાર અને પોલીસમાં જ નોંધપાત્ર પ્રભાવ ધરાવતા ન હતા, પરંતુ તેઓ બોલિવૂડમાં પણ એટલા જ પ્રખ્યાત હતા. હવે આવા વ્યક્તિત્વને ટાર્ગેટ કરીને લોરેન્સ ગેંગ સરળતાથી મુંબઈમાં પોતાની તાકાતનો પરચો કરાવી શકે છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ પણ સ્વીકાર્યું છે કે લોરેન્સે દાઉદ ઈબ્રાહિમની ડી કંપની જેવી બિશ્નોઈ ગેંગ ઊભી કરી છે.

મુંબઈમાં છેલ્લા બે દાયકાની શાંતિ બાદ આ નવી ગેંગના પ્રવેશથી સરકાર અને વહીવટીતંત્ર વચ્ચે તણાવ વધી ગયો છે. એક સમય હતો જ્યારે હાજી મસ્તાન મુંબઈમાં ગેંગનો લીડર હતો. હાજી મસ્તાન બાદ કરીમ લાલા ગેંગે અંડરવર્લ્ડમાં પોતાનાં મૂળ જમાવી લીધાં હતાં. હાજી મસ્તાન ગેંગમાંથી દાઉદ ઈબ્રાહિમ જેવો ડોન બહાર આવ્યો હતો અને તેણે મુંબઈમાં આતંક ફેલાવ્યો હતો. હવે લોરેન્સ બિશ્નોઈ ગેંગની એન્ટ્રીથી મુંબઈની શાંતિ ડહોળાઈ ગઈ છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top