વલસાડ: (Valsad) વલસાડની કે.એમ.લો કોલેજના (Law College Incharge Principal) ઇન્ચાર્જ આચાર્ય સંજય મણીયાર સામે મહિલા પ્રોફેસર દ્વારા જાતીય સતામણીની કરાયેલી ફરિયાદના પગલે દ.ગુ.યુનિ. સુરતની મળેલી સિન્ડિકેટની બેઠક બાદ તેમણે સસ્પેન્ડ કરાયા હતા. તપાસ બાદ કમિટીએ આપેલા રિપોર્ટ આધારે યુનિવર્સિટીની સિન્ડિકેટ બેઠકમાં સંજય મણીયારને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો હતો. જો કે હાલ નૂતન કેળવણી મંડળ દ્વારા ઠરાવ કરી સર્વાનુમતે મણિયારને પ્રાધ્યાપક પદેથી બરતરફ કરાયા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંચાલિત વલસાડ સ્થિત નૂતન કેળવણી મંડળ સંચાલિત શાહ કે.એમ.લો કોલેજના પ્રાધ્યાપક સંજય મણિયાર સામે કોલેજની જ 3 મહિલા પ્રોફેસર દ્વારા જાતીય સતામણીની ફરિયાદ કોલેજ પ્રસાશન, ઇન્ચાર્જ કુલપતિને કરી હતી. જેના પગલે યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ હેમાલીબેને આ મુદ્દે કમિટી બનાવી રિપોર્ટનો આદેશ આપ્યો હતો. કમિટીએ લો કોલેજના મહિલા અધ્યાપકો, વહીવટી સ્ટાફ અને જેમની સામે ફરિયાદ કરાઈ હતી તેમના પણ નિવેદનો લેવાયા હતા.
તપાસ બાદ કમિટીએ આપેલા રિપોર્ટ આધારે યુનિવર્સિટીની સિન્ડિકેટ બેઠકમાં સંજય મણીયારને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો હતો. જેના પગલે ઇન્ચાર્જ કુલપતિએ ઇન્ચાર્જ આચાર્ય સંજય મણિયારને સસ્પેન્ડ કરવા કેળવણી મંડળને આદેશ કર્યો હતો. ત્યારબાદ તેમને સસ્પેન્ડ કરાયા હતા. અને યુનિ.ની સિન્ડિકેટ દ્વારા પણ જરૂરી પગલાં લેવાની ભલામણ કોલેજ સંચાલક મંડળને કરવામાં આવી હતી. જે અંતર્ગત નૂતન કેળવણી મંડળ દ્વારા 12 ફેબ્રુઆરીએ મળેલી બેઠકમાં ઠરાવ કરી પ્રાધ્યાપક સંજય મણીયારને પ્રાધ્યાપક પદેથી બરતરફ કરાયા છે.
આ પ્રકરણમાં ગત નૂતન કેળવી મંડળની બેઠકમાં નોંધવામાં આવ્યું હતુ કે યુનિવર્સિટી તરફથી સંજય મણિયારને પૂરેપૂરી તક આપીને તકસીરવાર ઠેરવવામાં આવ્યા છે. તેમજ કામના સ્થળે ફરિયાદીઓની જાતિય સતામણી, જાતિય શોષણ અ હેરાનગતી સ્ત્રીના મૂળભૂત અધિકારનો ભંગ થતો હોય વળી, આ એવો ગુનો છે કે જે ચૂપ રહેવાથી ઢંકાયેલો રહે છે. જેની સામે નિયામક મંડળનાઓએ જાગૃતા લાવવા સખત પગલા ભરવા જરૂરી હોવાથી તેમને પહેલા ફરજ મુક્ત (સસ્પેન્ડ) કરવામાં આવ્યા હતા.
શુ લખ્યું છે બરતરફ ઓર્ડરમાં
નૂતન કેળવણી મંડળની બેઠક બાદ ચેરમેન અર્જુનભાઈ દેસાઈની સહી સાથે 18 ફેબ્રુઆરીએ સંજય મણીયારને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે નૂતન કેળવણી મંડળના નિયામક મંડળની 12 ફેબ્રુઆરીએ મળેલી સભામાં ઠરાવ નંબર 6 અંતર્ગત આપને લો કોલેજના પ્રાધ્યાપક તરીકે કમિટીના તપાસ રિપોર્ટ વગેરે અન્વયે નિયામક મંડળ દ્વારા સર્વાનુમતે પ્રાધ્યાપક પદેથી બરતરફ એટલે કે ડિસમિસ કરવામાં આવે છે.