નવી દિલ્હી: ભારતના (India) ત્રીજા ચંદ્ર મિશન ચંદ્રયાન 3 (Chandrayaan3) આજે લોન્ચ કરવામાં આવ્યું છે. બપોરે 2.35 કલાકે આંધ્રપ્રદેશના શ્રી હરિકોટા ખાતે આવેલા સતીષ ધવન સ્પેસ સેન્ટર પરથી ચંદ્રયાન 3 છોડવામાં આવ્યું હતું. રૂપિયા 615 કરોડના ખર્ચે તૈયાર થયેલું આ મિશન લગભગ 50 દિવસની મુસાફરી બાદ ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ઉતરશે. ‘ચંદ્રયાન-3’ મોકલવા માટે LVM-3 લોન્ચરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે અગાઉ GSLV MK-III તરીકે ઓળખાતું હતું. સ્પેસ એજન્સી ઈસરોએ (ISRO) આ રોકેટ વડે ચંદ્રયાન-2 લોન્ચ કર્યું હતું.
ભારતના ચંદ્રયાન-3માં ત્રણ લેન્ડર/રોવર અને પ્રોપલ્શન મોડ્યુલ સામેલ કરાયા છે. લગભગ 23 કે 24 ઓગસ્ટે તે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઊતરશે. આ બંને 14 દિવસ સુધી ચંદ્ર પર પ્રયોગ કરશે, જ્યારે પ્રોપલ્શન મોડ્યુલ ચંદ્રની ભ્રમણકક્ષામાં રહીને પૃથ્વી પરથી આવતાં રેડિયેશનનો અભ્યાસ કરશે. મિશન દ્વારા, ISRO એ શોધી કાઢશે કે ચંદ્રની સપાટી કેટલી સિસ્મિક છે, માટી અને ધૂળનો અભ્યાસ કરવામાં આવશે.
ચંદ્રયાન-3ના લોન્ચિંગ પહેલા ફ્રાન્સથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિશન માટે ઈસરોના વૈજ્ઞાનિકોને શુભેચ્છા પાઠવી હતી. વડાપ્રધાને કહ્યું, 14 જુલાઈ 2023ની તારીખ હંમેશા સુવર્ણ અક્ષરોમાં અંકિત રહેશે. અમારું ચંદ્રયાન-3 તેની યાત્રાએ રવાના થશે. આ મિશન આપણા દેશની આશાઓ અને સપનાઓને આગળ વધારશે. ચંદ્રયાન-3 મિશન માટે શુભેચ્છાઓ!
ચંદ્રયાન-3 શું કામ કરશે?
ચંદ્રયાન-3 પણ ચંદ્રયાન-2 જેવો જ ઉદ્દેશ્ય ધરાવે છે. એટલે કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ. ઈસરોના ત્રીજા ચંદ્ર મિશનનો ખર્ચ લગભગ 615 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. ઈસરોના જણાવ્યા અનુસાર ચંદ્રયાન-3ના ત્રણ ઉદ્દેશ્ય છે. પહેલું ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડરનું સુરક્ષિત અને સોફ્ટ લેન્ડિંગ. બીજું ચંદ્રની સપાટી પર ચાલતું પ્રજ્ઞાન રોવર બતાવવાનું અને ત્રીજું વૈજ્ઞાનિક પરીક્ષણો કરવા.
આવું કરનાર ભારત ચોથો દેશ બનશે
જો ચંદ્રયાન-3નું લેન્ડર ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડ કરશે તો ભારત આવું કરનાર ચોથો દેશ બનશે. આ પહેલા અમેરિકા, રશિયા અને ચીન ચંદ્રની સપાટી પર લેન્ડર્સ લેન્ડ કરી ચૂક્યા છે. જોકે, દક્ષિણ ધ્રુવ પર લેન્ડર લેન્ડ કરનાર ભારત પહેલો દેશ હશે. આજ સુધી કોઈપણ દેશે દક્ષિણ ધ્રુવ પર લેન્ડર લેન્ડ કર્યું નથી.