આણંદ : આણંદ – ખેડા જિલ્લાના યુવાનો ઘરે બેઠા જ નોકરી શોધી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા `અનુબંધમ’ પોર્ટલનો પ્રારંભ કર્યો છે. આ વેબપોર્ટલ પર ઉમેદવારે પોતાનું આધારકાર્ડ અપલોડ કરવાનું રહેશે. જેના રજીસ્ટ્રેશન થકી આંગળીના ટેરવે જ કઇ કંપનીમાં કેટલી જગ્યા ખાલી છે ? તે જાણી શકાશે. રાજય સરકારના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે જનસેવા યજ્ઞના રોજગાર દિવસ અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે રાજયના ૬૨ હજારથી વધુ યુવાનોને રોજગારીના નિમણૂંક પત્રો એનાયત કરવામાં આવ્યાં હતાં. આ દિવસે રાજયના યુવાનો પોતાના નામની નોંધણી ઘેર બેઠાં કરાવી શકે તે માટે ‘અનુબંધમ’ પોર્ટલનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ પોર્ટલ રોજગાર વાંચ્છુ ઉમેદવારોને નોકરી મેળવવા માટેની પણ વિશિષ્ટ સેવાઓ પૂરી પાડી રહ્યું છે. રોજગાર અને તાલીમ વિભાગ દ્વારા રોજગાર કચેરીમાં રજીસ્ટ્રેશન માટે બનાવવામાં આવેલા નવા વેબપોર્ટલ ‘અનુબંધમ’ ઉમેદવારો માટે ખુલ્લું મૂકવામાં આવ્યો છે. જેમાં રજીસ્ટ્રેશન થકી ઉમેદવાર પોતાના જિલ્લાની વિવિધ સેકટરવાઇઝ નોકરી શોધવાની સાથે આ ઉમેદવારો હવે આંગળીના ટેરવે ઘરે બેઠાં આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન પણ કરાવી શકશે. આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવા માટે ઉમેદવારે માત્ર આધારકાર્ડ અને આધારકાર્ડનો ફોટો (જેપીજી) ફાઇલ અપલોડ કરવાનો રહેશે. સરળતાથી નોકરીની શોધ કરવા માટે યુવાનો આ પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરાવી શકશે. આ માટે ઉમેદવારોએ https://anubandham.gujarat.gov.in વેબપોર્ટલમાં જઇને રોજગાર વાંચ્છુ ઉમેદવારો તરીકે જોબ સિકરમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.