Comments

વૈતાળ સાથે હાસ્યાયાન..!

ટાઈટલ વાંચીને, ખંજવાળ તો આવશે કે, ‘આ માણહ આજે કેમ ફાટેલા દૂધપાક જેવી વાત કરતો હશે? માણહ જેવા માણહમાં, હાસ્યની ભૂરકી નાંખવામાં ૯૯૯ નેજા પડે ને આ ઘોઘુ વૈતાળ સાથે ‘હસ્યાયાન’ કરવા નીકળ્યો!‘નક્કી ખસી ગયું લાગે! શું હાસ્ય કોઈ પડીકી છે કે ‘ફાકી’ મરાવો એટલે, વૈતાળ વશમાં આવી જાય? ભૂત-પ્રેત-જીન-ચુડેલ-પિશાચ-ડાકણનાં કોઈ યુનિયન હોતાં નથી કે, તેમના વાર્ષિક સંમેલનમાં રમેશ ચાંપાનેરીના હસાહસનો કાર્યક્રમ થાય. ભૂતનાથો પાસે તો, પોતાની બ્રાન્ડનાં હાસ્ય હોય.

મારા જેવા બની બેઠેલા હાસ્યકાર, એમના હાસ્યની નકલ કરે, બાકી એક પણ ભૂતનાથે માણસના હાસ્યની Copy કરીને મંદ-મંદ હાસ્ય કાઢ્યું હોય, એવું સાંભળ્યું નથી. વૈતાળ તે વળી હાસ્યકારને ભેટતા હશે? એ અલગ વાત છે કે, કોઈ હાસ્યકાર ભૂત-લીમડા આગળ કટિંગ ચાનો ટેસડો લેવા ગયો હોય ને એકાદ ભૂતડું ભટકાયું હોય. ચાના મામલે ભૂતનાથ હોય કે, હાસ્યકાર, રેંકડીવાલોકો કોઈ ફરક પડતા નહિ હૈ! બાકી ‘આ બૈલ મુઝે માર’ કહીને ભૂતડું માણહની અડફટમાં ઓછું આવે! સિવાય કે, પોતે રાજા વિક્રમાદિત્યનો વારસદાર, કે તેમનો સાળો કે સાઢુભાઈ હોય! વૈતાળ એ વૈતાળ છે. વજુભાઈ કે વજેસિંહ નથી કે, સામે ચાલીને હેલ્લો કરવા આવે. ભૂતનાથ રહ્યા ફ્રેશ-બ્લડ પીવાવાળા, એમને કટિંગ ચામાં ઈન્ટરેસ્ટ પણ ના હોય. શું કહો છે ધમના? હટવાડાનાં ઢીંગલાં થોડાં છે કે, ઐરા-ગૈરાના હાથમાં આવે?

બોસ! વૈતાળને પામવા હોય ને, તો વિક્રમાદિત્ય જેવા લખ્ખણ અને છાતી જોઈએ.! ‘સાચો વૈતાળ તો તેને રે કહીએ, જે વગર વરસાદે ભીનો કરી નાંખે રે.?’(કેવું લાગ્યું, આજે જ વ્હોટશેપમાંથી ઉઠાવ્યું!) આસાનીથી નેતા ભટકાય, ઉઘરાણીવાળા ભટકાય, ઉધાર-ઉછીનાવાળા ભટકાય, બાકી કરમ ફૂટેલાને જ વૈતાળ ભટકાય! ભટકાયા તો ઉભાસનમાંથી શબાસનમાં લાવી દે! અબ્બા કે ગબ્બા કરી નાંખે! અમારા ચમનિયાને પણ વૈતાળ ભટકાયેલો, સ્વપ્નામાં.! ચમનિયો બીકણ ખરો, પણ સાચું બોલવામાં સત્યવાદી રાજા હરિશ્ચંદ્રને ટપી જાય. જાન જાય, પણ જુઠ્ઠું નહિ બોલે! કોઈને સુંદરીનાં સ્વપ્નાં આવે ત્યારે ચમનિયાને એક વાર વૈતાળનાં શમણાં આવેલાં બોલ્લો!

સ્વપ્નાની વાતનો ફોડ પાડતાં ચમનિયાએ કહ્યું કે, એક મેઘલી રાતે રાજા વિક્રમાદિત્ય ખુલ્લી તલવાર સાથે, મારા સ્વપ્નામાં આવ્યા. તલવાર ઉગામી મને કહે, ‘ઊઠ ચમનિયા વૈતાળ પકડવા જવાનું છે. રાજા જેવા રાજાનો હુકમ થાય અને હું ના પાડું તો મારી સલામતી નહિ. એટલે મરઘાં પકડવા જવાનું હોય એમ સાથે ગયો. હાથમાં ખુલ્લી તલવાર સાથે રાજા વિક્રમાદિત્ય આગળ ચાલે અને હું એમના પગલે પગલે પાછળ ચાલું. જેવા સ્મશાનભૂમિમાં દાખલ થયા એટલે એક મહાકાય વડલેથી ગગનભેદી ‘અટ્ટહાસ્ય’ ફેલાયું.!

– આવ ઠાકુર આવ.! આજ તો ચમનિયાકો ભી સાથમેં લાયા હૈ ક્યા.?
– “થથરતે કયું હો ચમનિયા.? આજ તું મેરે લાગમેં આયા.! તેરી વજહસે તો મરનેકે બાદ ભી મૈં વૈતાળ હું.! તું જાનતા થા કી મૈં ચંપીસે બહુત પ્યાર કરતા હું. ઔર દોસ્ત બન કર તુને મેરે સાથ ગધ્ધારી કી.! મેરી ચંપીસે તુને શાદી કર દી.! આજ ભી મેરી આત્મા ઉસકે સાથ હૈ ચમનિયા.! બોલ મેરી ચંપી કૈસી હૈ.?

– ચમનિયાના ભેજામાં આખી ફિલમ ચાલુ થઇ ગઈ અને સમજી ગયો કે, આ વૈતાળ બીજો કોઈ નહિ પણ, મારો હરીફ રતનિયો જ છે.!
આ સિનારિયો જોઇને, વિક્રમાદિત્ય વિચારમાં પડી ગયો કે, આ તો જબરી Love story છે.! રાજા વિક્રમાદિત્યે ત્રાડ નાંખી. ચાલ વૈતાળ, હું તને પાછો લેવા આવ્યો છું. વૈતાળ ને વડ ઉપરથી ઉતારી ખભે નાંખીને રાજન જેવો ચાલવા લાગ્યો, ત્યાં વૈતાળ બોલ્યો..
– હે રાજન.! મારી શરત તો તને યાદ છે ને.? રસ્તામાં હું તને એક વાર્તા કહીશ. એ વાર્તાના અંતે મૌન તોડ્યું તો હું પાછો ઊડીને સ્મશાનના ઝાડવે લટકી જઈશ અને જવાબની તને ખબર હોય છતાં તું નહિ બોલે તો, તારું માથું ફૂટી જશે.! અને ચમનિયાનો બદલો હું કેવો લઈશ એ તો પછીની વાત છે.!

રાજન એટલું જ બોલ્યો કે, તું વાર્તા તો માંડ.
-તો સાંભળ રાજન, અને તું પણ સાંભળ ચમનીયા! એક વેરાન જંગલમાંથી એક સાધુ હરિધૂન ગાતો ચાલ્યો જતો હતો. એની લગોલગ જ પ્રેમી-પંખીડાં પણ એમની પ્રેમ મસ્તીમાં ચાલતાં હતાં. પંખીડાં પ્રેમમાં લીન હતાં, ને સાધુ એની હરિ-ધૂનમાં લીન હતો. ચાલતા ચાલતા સાધુનો પગ એક પાણીવાળા ખાબોચિયામાં પડ્યો. ખાડામાં કીચડ હતું, એ કીચડ ઊડીને પેલા પ્રેમીની પ્રેમિકાના મોંઢા ઉપર પડ્યું. જેનાથી ક્રોધિત થઈને, પ્રેમીએ સાધુના ગાલ ઉપર એક તમતમતો તમાચો લગાવી દીધો. છતાં હરિ-ધૂનમાં મશગુલ સાધુએ સાધુવાદ છોડ્યો નહિ.

ઘટના એવી ઘટી કે, આગળ જતા પ્રેમમાં લીન બનેલા પ્રેમીને એક ખાઈ દેખાઈ નહિ અને તેમાં પડતાં જ એનું પ્રાણપંખેરું ઊડી ગયું. પ્રેમિકાએ રડારોળ કરતાં લોકો ભેગાં થયા અને સાધુ માટે ફરિયાદ કરી કે, મારા પ્રેમીએ આ સાધુને લાફો મારેલો તેથી, આ સાધુના શાપને કારણે જ મારા પ્રેમીનું મૃત્યુ થયું છે. આ સાધુ શાપ આપે છે! હે રાજન! હવે તું સમજાવ કે, આ એક અકસ્માત હતો કે, શાપ.? જવાબ જાણવા છતાં મૌન રહે તો, વૈતાળ ઊડી જાય અને સાચો જવાબ ખબર હોય છતાં મૌન રહે તો માથું ફૂટી જાય, એની તને ખબર છે. રાજનને જવાબની ખબર હતી, એટલે નહિ બોલે તો એનું સત લાજે અને ચમનિયા સામે ભોંઠો પડે. એટલે, રાજને જવાબ વાળતાં કહ્યું..

“હે વૈતાળ..! પ્રેમીનું મૃત્યુ નહિ તો એક અકસ્માત હતો, કે નહિ તો સાધુનો શાપ.! પ્રેમી એની પ્રેમિકાને પ્રેમ કરતો હતો. પ્રેમિકા ઉપર કીચડ ઊડતાં, પ્રેમીમાં ક્રોધ ઉત્પન્ન થયો, અને સાધુને લાફો માર્યો. એમ, સાધુ પણ એના પ્રેમી ભગવાનમાં લીન હતો. એટલે પ્રેમીએ જેવો સાધુને લાફો માર્યો, એ જોઈ સાધુના પ્રેમી ભગવાનને ક્રોધ ચઢ્યો અને પ્રેમીની આવી દુર્દશા થઇ.! રાજનના મોંઢેથી જવાબ સાંભળીને વૈતાળ તો ઉડીને ફરી પાછો ઝાડવે લટકી ગયો. પણ દૂધવાળાની બૂમ પડતાં, ચમનિયાથી જગાઈ ગયું ને આખું સ્વપ્નું વિંખાય ગયું.

લાસ્ટ બોલ
એક ચુડેલે બીજી ચુડેલને પૂછ્યું, : ‘પેલી જૂની હવેલીવાળો વડલો છોડીને, તું સરકારી ઓફીસના માળીએ કેમ રહેવા ચાલી ગઈ.?’
બીજી ચુડેલ : ‘અલી ત્યાં નેટવર્ક આવતું ન હતું. તને તો ખબર છે ને કે, ‘ફેસબુક’ની માફક ‘‘ચુડેલ- બુક’ઉપર અને ‘ઈન્સ્ટાગ્રામ’ની માફક ‘ચુડેલ-ગ્રામ ઉપર મને રીલ મૂકવાનું બહુ ગમે.!
તો.? માણસની માફક સરકારી સેવાનો લાભ લેવા હું પણ સરકારી આવાસમાં આવી ગઈ.!
તારા કપાળમાં કાંદા ફોડું.!.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top