Charchapatra

દામ્પત્ય જીવનમાં હાસ્ય અને મૌન

ઝગડતા દંપતિ વચ્ચે સમાધાન માટે મૌન અને હાસ્ય જરૂરી છે એવું એક અહેવાલમાં કહેવાયું તેમાં હું થોડો ઉમેરો કરવા માગું છું. દામ્પત્ય જીવન દરમિયાન કહેવત પ્રમાણે બે વાસણ સાથે હોય તો જરૂર ખખડે તેમ દંપતિ વચ્ચે ચડભડ થાય એ શક્ય છે. પણ તે નિવારી શકાય એમ છે. જો બન્ને નો અહંમ ઝગડામાં વચ્ચે ન લાવવામાં આવે અને કોઈ એક પક્ષે મૌન અને ઊભી થયેલી પરિસ્થિતિને ટાળવાની કોશિશ કરવામાં આવે તો ઝગડો નિવારી શકાય એમ છે. પણ એક સામાન્ય માણસ તરીકે વિચારવામાં આવે તો બંને પતિ પત્ની હોવા છતાં એક માણસ છે અને માણસનો સ્વભાવ તેના બચપનનું વાતાવરણ, શૈક્ષણિક કારકિર્દી, લાગણીશીલ સ્વભાવ, વિચારવાની રીત વિ. પર આધારિત હોય છે. કોઈ વસ્તુને ભિન્ન રીતે જોવું એ ઝઘડાનું મૂળ છે. તો મારાં મત પ્રમાણે ગુસ્સા પર કાબુ, માફ કરવાની ભાવના એકબીજાને સમજવાની કોશિશ અને સામેની વ્યકિત પણ હાડમાંસનો અને લાગણીથી ભરેલ માણસ છે એ જો બંને પક્ષે સમજવામાં આવે તો ઝગડો ટાળી શકાય એમ છે.
ભટાર    – કાશીનાથ માંડેવાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ધાર્મિક ઘેલછાનો અતિરેક

દેશ હોય કે વિદેશોમાં દરેક ધાર્મિક ઉત્સવોમાં મહેરામણ ઉમટી પડે છે. વહીવટી તંત્ર ઊંઘતું ઝડપાય છે. ભક્તો બેરીકેડ પણ તોડી નાંખે છે. સીસી કેમેરા પણ તોડી પડાય છે. જેથી વહીવટીતંત્રની પોલ ખુલ્લી ન પડે. અત્ર, તત્ર, સર્વત્ર ભક્તોનો ઉન્માદ સ્વર્ગે જવાની ઉતાવળ, આવા મહોત્સવની જ રાહ જુએ છે એવી ધાર્મિક માન્યતા છે. મોક્ષ જોઈતો હોય તેની અહીં ઉત્કંઠાપૂર્વક રાહ જોવાય છે. આપણા જ ભાઈભાંડુ અને સ્નેહીઓ પડતા આખડતા ધાર્મિક ઘેલછામાં દોટ મૂકે છે, ક્યારેક વયસ્કો ગબડી પડે છે પણ અંધાધૂંધીમાં ખ્યાલ રહેતો નથી કે આપણા જ પડી ગયેલા વડીલો પરથી બિન્ધાસ્ત અભાનાવસ્થામાં દોટ મૂકે છે અને અકાળે તેઓના મોક્ષ માટે આપણે જ નિમિત્ત બની જઈએ છીએ.
રાંદેર     – અનિલ શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top