સુરત: રાજ્યમાં ખુલ્લા પ્લોટના દસ્તાવેજોની નોંધણીમાં ગેરરીતિ રોકવા અને સ્ટેમ્પ ડ્યૂટીની ચોરી અટકાવવા માટે મહેસૂલ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 1 એપ્રિલ, 2025થી મિલકતના દસ્તાવેજોમાં અક્ષાંશ (Latitude) અને રેખાંશ (Longitude) ફરજિયાત ઉલ્લેખવા પડશે. જો દસ્તાવેજમાં આ વિગતો નહીં હોય, તો સબ-રજિસ્ટ્રાર કચેરીઓ નોંધણી કરવા ઈનકાર કરશે.
મળતી માહિતી મુજબ રાજ્યમાં મિલકત ખરીદ-વેચાણ દરમિયાન ઘણા કિસ્સાઓમાં મૂળ મિલકત પર બાંધકામ હોવા છતાં, તેને ખુલ્લો પ્લોટ દર્શાવી સ્ટેમ્પ ડ્યૂટીમાં કપાત કરાવવાનો ગોરખધંધો ચાલી રહ્યો છે. આ કારણે સરકારને કરોડો રૂપિયાની આવક ગુમાવવાનો વારો આવે છે. આ રીતે થતા ગેરકાયદે દસ્તાવેજીકરણને અટકાવવા માટે આ નવો નિયમ લાગુ કરાયો છે.
રાજ્યના મહેસૂલ વિભાગે 1 એપ્રિલ, 2025થી તમામ સબ-રજિસ્ટ્રાર કચેરીઓમાં આ નિયમનો અમલ સુનિશ્ચિત કરવા માટે સૂચના આપી છે. સરકારના પરિપત્ર અનુસાર, રાજ્યમાં ખુલ્લા પ્લોટના દસ્તાવેજોમાં ગેરરીતિ કરીને સ્ટેમ્પ ડ્યૂટીમાં ગુગલગાંઠો ઘાલનારા લોકોને હવે અટકાવવાના પ્રયાસો તીવ્ર કરવામાં આવ્યા છે. સરકારી અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જો દસ્તાવેજમાં નવી નક્કી કરેલી વિગતો નહી હોય, તો એ નોંધણી માટે સ્વીકારાશે નહીં.
ખરીદી-વેચાણમાં પારદર્શિતા અને સ્ટેમ્પ ડ્યૂટીની ચોરી પર અંકુશ
1 એપ્રિલ, 2025થી અમલમાં આવનાર આ નિયમથી મિલકત વ્યવહારમાં વધુ પારદર્શિતા આવશે, છેતરપિંડીના કિસ્સા ઘટશે અને રાજ્યની આવકમાં વધારો થશે. મહેસૂલ વિભાગે સબ-રજિસ્ટ્રાર કચેરીઓને આ નિયમનું કડક પાલન સુનિશ્ચિત કરવા તાકીદ કરી છે.
નવી ગાઈડલાઈન: દસ્તાવેજ માટે શું શું ફરજિયાત થશે?
- અક્ષાંશ અને રેખાંશની નોંધ ફરજિયાત: મિલકતની ચોક્કસ ભૌગોલિક ઓળખ માટે દસ્તાવેજમાંLatitude-Longitude ઉમેરવું જરૂરી રહેશે.
- ફોટોગ્રાફ્સ ફરજિયાત: મિલકતના 5×7 સાઇઝના કલર ફોટોગ્રાફ્સ દસ્તાવેજ સાથે જોડવા પડશે, જેમાં ફ્રન્ટ અને સાઇડ વ્યૂ દેખાવા જોઈએ.
- મિલકતનું પૂરું સરનામું: ફોટાની નીચે મિલકતનું સંપૂર્ણ પોસ્ટલ સરનામું લખવું જરૂરી રહેશે.
- સહી અનિવાર્ય: દસ્તાવેજ લખનાર તેમજ બંને પક્ષકારો (ખરીદનાર-વેચનાર)એ ફોટા અને વિગતોની ખાતરી આપી સહી કરવી પડશે.
પોલીસ એફઆઈઆરમાં પણ શરૂ કરાયું છે
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા પોલીસ ફરિયાદોમાં પણ મિલકતના ભૂગોળીય (Latitude-Longitude) વિગતો ફરજિયાત કરાઈ હતી. હવે એ જ સિસ્ટમ મિલકત દસ્તાવેજોમાં પણ લાગુ કરવામાં આવી રહી છે. આ નવા નિયમોથી ગુજરાતમાં મિલકત વ્યવહારમાં વધુ પ્રભાવશાળી નિયંત્રણ લાવવામાં આવશે અને સરકારને કરોડો રૂપિયાની આવકમાં વધારો થશે.
