મેક્સિકોમાં રવિવારે સેનાએ એક વિશેષ ઓપરેશન ચલાવીને દેશના સૌથી મોટા ડ્રગ માફિયા સરગના અલ મેન્ચોને ઠાર માર્યો. આ સમાચાર વાયુવેગે ફેલાતા જ સમગ્ર દેશમાં આગજની અને હિંસા ફાટી નીકળી. મેન્ચોના સમર્થકોએ બદલો લેવા માટે હાઈવે જામ કરી દીધા અને વાહનોમાં તોડફોડ કરવા માંડ્યા અને આગજની કરવા માંડ્યા. તેમના તોફાનોને કારણે ખાસ કરીને પશ્ચિમ મેક્સિકોમાં એટલી દહેશત ફેલાઇ ગઇ કે કેટલાક રાજ્યોમાં તો શાળાઓમાં રજા જાહેર કરી દેવાઇ. અનેક શહેરોમાં લોકો ઘરોમાં ભરાઇ રહ્યા. અનેક વિદેશી સરકારોની સાથે ભારત સરકારે પણ મેક્સિકોમાં વસતા પોતાના નાગરિકો માટે એડવાઇઝરી જારી કરવી પડી અને તેમને સલામતી માટે સૂચનો કરવા પડ્યા. ભારે હિંસામાં મેક્સિકન નેશનલ ગાર્ડના ૨૫ જેટલા સભ્યો પણ માર્યા ગયા હોવાના હેવાલો આવ્યા. આ બાબત સૂચવે છે કે મેક્સિકોમાં ડ્રગ માફિયાઓનું કેટલી હદે જોર છે.
લશ્કરના આ ઓપરેશનમાં મેન્ચો ઉપરાંત અન્ય ઓછામાં ઓછા 9 ગુનેગારો પણ માર્યા ગયા છે. ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ મુજબ, એલ મેન્ચો જલિસ્કો ન્યૂ જનરેશન કાર્ટેલ (CJNG)નો લીડર હતો. આ ગ્રુપ મેક્સિકોમાં ડ્રગ્સ બનાવવા, વેચવા, સ્થાનિક વેપારીઓ પાસેથી ખંડણી વસૂલવા અને લોકોમાં દહેશત ફેલાવવા માટે કુખ્યાત છે. આ કાર્ટેલની હાજરી અમેરિકાના તમામ 50 રાજ્યોમાં છે. અમેરિકી સરકારે તેના પર 136 કરોડ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું અને અમેરિકી પ્રમુખ ટ્રમ્પ લાંબા સમયથી મેક્સિકો પર આ માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરવા દબાણ કરી રહ્યા હતા. તે માર્યો ગયો તેના પછી ડરના કારણે લોકો એરપોર્ટ છોડીને ભાગી રહ્યા હતા.
એર કેનેડાએ અહીંની તમામ ફ્લાઈટ્સ રદ કરી દીધી હતી. સમર્થકોએ રસ્તા પર વાહનો રોકીને તેમાં આગ લગાવી દીધી. મેક્સિકોનો ઇતિહાસ રહ્યો છે કે જ્યારે પણ કોઈ મોટા કાર્ટેલ નેતાની ધરપકડ થાય કે મોત થાય, ત્યારે સરકાર અને ગુંડાઓ વચ્ચે લોહિયાળ જંગ છેડાય છે. 2016માં ‘એલ ચાપો’ અને 2024માં ‘અલ માયો’ વખતે પણ આવી જ હિંસા થઈ હતી. ટ્રમ્પ પ્રશાસને ફેબ્રુઆરીમાં આ કાર્ટેલને વિદેશી આતંકવાદી સંગઠન જાહેર કર્યું હતું. ટ્રમ્પે તો ત્યાં સુધી ચેતવણી આપી હતી કે જો મેક્સિકો પગલાં નહીં લે, તો અમેરિકા સૈન્ય કાર્યવાહી કરશે. મેક્સિકોના પ્રમુખ ક્લોડિયા શીનબૌમે જોકે અમેરિકાના હસ્તક્ષેપનો વિરોધ કર્યો છે, પરંતુ ગુપ્ત માહિતીના સ્તરે બંને દેશો વચ્ચે સહયોગ વધ્યો છે.
UN વર્લ્ડ ડ્રગ રિપોર્ટ 2025 મુજબ, મેક્સિકોના આ ડ્રગ કાર્ટેલ્સ દુનિયાના સૌથી વધુ કમાણી કરતા ગુનાહિત સંગઠનો છે, જે વાર્ષિક 1 લાખ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરે છે. રિપોર્ટ્સ અનુસાર, આ ડ્રગ કાર્ટેલ્સ પાસે મેક્સિકોની સત્તાવાર એરલાઈન્સ કરતા પાંચ ગણા વધારે વિમાન અને હેલિકોપ્ટર છે. તેમની પાસે પોતાની ખાનગી સેના છે જેમાં આશરે 1.60 લાખથી 1.85 લાખ સભ્યો છે. આ ગુનેગારો પાસે મશીનગન, ટેન્ક અને રોકેટ લોન્ચર જેવા અત્યાધુનિક હથિયારો છે. આ બાબત દર્શાવે છે કે આ કેફી દ્રવ્યોનો ધંધો કરતી ટોળકીઓ કેટલી પાવરફૂલ છે.
મેક્સિકોમાં ડ્રગ માફિયાઓ એટલી શક્તિ ધરાવે છે કે તેઓ સમાંતર સરકાર ચલાવે છે, અને જ્યારે કોઈ કાર્ટેલ બોસનું પતન થાય છે, ત્યારે ભારે તોફાન અને અંધાધૂંધી મચી શકે છે. મેક્સિકન ડ્રગ કાર્ટેલના વડાઓની પ્રચંડ શક્તિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે સિનાલોઆ કાર્ટેલના ચીફ જોકવિન ‘અલ ચાપો’ ગુઝમેન, જે ‘શોર્ટી’ તરીકે પણ ઓળખાય છે, તેણે એક સમયે ફોર્બ્સ મેગેઝિનની વિશ્વના સૌથી ધનિક અને શક્તિશાળી લોકોની યાદીમાં સ્થાન મેળવ્યું હતું. ડ્રગ કાર્ટેલનો ભૂતપૂર્વ વડો, અલ ચાપો ઉર્ફે શોર્ટી, હાલમાં અમેરિકાની જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે.
‘અલ ચાપો’ ગુઝમેને ખેત મજૂરીથી શરૂઆત કરી સિનાલોઆ કાર્ટેલની સ્થાપના કરી હતી. તેની પાસે પ્રાઈવેટ ઝૂ, હીરા જડેલી બંદૂકો અને વૈભવી યાટ જેવી મિલકતો હતી. હાલમાં તે અમેરિકાની જેલમાં આજીવન કેદની સજા કાપી રહ્યો છે. આ ઉપરાંત પાબ્લો એસ્કોબાર પણ કોલંબિયાનો મોટો માફિયા બોસ હતો. પેડ્રો એવિલેસ અને ત્યારબાદ ગોડફાધર તરીકે ઓળખાતા મિગ્યુએલ એન્જલ ફેલિક્સ ગેલાર્ડો જેવા નેતાઓએ મધ્ય અમેરિકા અને મેક્સિકો થઈને અમેરિકામાં દાણચોરીના માર્ગો સ્થાપિત કર્યા હતા. ૧૯૮૦ના દાયકામાં સ્થપાયેલા ગ્વાડાલજારા કાર્ટેલનું ગેલાર્ડોના નેતૃત્વ હેઠળ વર્ચસ્વ હતું, જેણે પાબ્લો એસ્કોબાર સાથે ભાગીદારી કરી હતી.
ફક્ત મેક્સિકો જ નહીં પણ મધ્ય અને દક્ષિણ અમેરિકાના અનેક દેશોમાં ડ્રગ્સ ટોળકીઓનો ભારે પ્રભાવ અને ધાક છે. હોન્ડુરાસ, કોલંબિયા, વેનેઝુએલા જેવા દેશોના ડ્રગ્સ માફીયાઓ કુખ્યાત છે. આ ડ્રગ્સ મોટે ભાગે અમેરિકા જેવા સમૃદ્ધ દેશોમાં મોંઘી કિંમતે ઘૂસાડવામાં આવે છે. આ ડ્રગ્સ ટોળકીઓ આટલી પાવરફૂલ બની ગઇ તે માટે આ દેશોમાં પ્રવર્તતો વ્યાપક ભ્રષ્ટાચાર જવાબદાર છે. જો રાજકીય ઇચ્છાશક્તિ હોય તો આવી ટોળકીઓને સરકાર ચપટીમાં મસળી શકે. પણ આ દેશોની સરકારોએ સ્થિતિ વકરવા દીધી છે. ટ્રમ્પ જેવા કોઇ દબાણ કરે તો થોડુ ઘણુ થાય, પછી જેવું ચાલતું હતું તેવું જ ચાલતું થઇ જાય છે.