Latest News

More Posts


તમાકુની ખળીના માલિકને બંધુક બતાવી બંધક બનાવી ચાર લાખ રોકડા લઇ ગયાં
મધરાતે ખળીનો ઝાંપો કુદી ચાર જેટલાં અજાણ્યા લૂંટારૂઓ અંદર પ્રવેશ્યા હતા

(પ્રતિનિધિ) પેટલાદ તા.23
પેટલાદના દંતેલી ગામમાં મધરાતે ત્રાટકેલા લુંટારૂઓએ તમાકુની ખળીને નિશાન બનાવી હતી. ખળીનો ઝાંપો કુદી અંદર ઘુસ્યા બાદ લૂંટારૂઓએ ખળીના માલિકને બંદુકની અણીએ બંધક બનાવ્યા હતા. બાદમાં ખળીના માલિકને ઈલેક્ટ્રીક વાયરથી બાંધી લૂંટ ચલાવી હતી. ચાર જેટલા લૂંટારાઓએ ખળીમાં પ્રવેશી માલિકના મકાનની અંદરથી ચાર લાખ જેટલી રોકડની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. આ સનસની લૂંટના પગલે પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે હાલ પોલીસ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.
પેટલાદ તાલુકાના છેવાડે દંતેલી ગામ આવેલું છે. આ નાનકડા ગામથી વડદલા તરફ જવાના રસ્તે રમેશભાઈ ડાહ્યાભાઈ પટેલની તમાકુની ખળી આવેલી છે. જેઓ તમાકુની લે-વેચનો વેપાર કરે છે. આ ખળીમાં જ તેઓનું મકાન આવેલું છે. જ્યાં તેઓ વર્ષોથી વસવાટ કરે છે. રમેશભાઈનો પરિવાર ગામમાં રહે છે, જ્યારે માત્ર રમેશભાઈ આ ઘરમાં રહે છે. તેઓ નિત્ય ક્રમ મુજબ રાત્રે સૂઈ ગયા હતા. પરંતુ મધરાતે તેઓની ખળીનો ઝાંપો કુદી ચાર અજાણ્યા લૂંટારૂઓ અંદર પ્રવેશ્યા હતા. બાદમાં ઘરનો દરવાજો ખોલી અંદર જઈ ચાર જેટલા લૂંટારૂઓએ રમેશભાઈને ઘેરી લીધા હતા. એક લૂંટારૂએ રમેશભાઈને બંદૂક બતાવી બંધક બનાવ્યા હતા. જ્યારે બીજા લૂંટારૂઓએ રમેશભાઈને ઈલેક્ટ્રીક વાયરથી બાંધી દીધા હતા.
આ ઉપરાંત ઘરમાં રાખેલા રૂપિયા ચાર લાખ રોકડ જેટલી માતબર રકમ લઈ લૂંટારૂઓ ફરાર થઈ ગયા હતા. લૂંટારૂઓ ભાગી ગયા બાદ ડરી ગયેલા રમેશભાઈએ બૂમાબૂમ કરતા થોડે દૂર સૂતેલા મજૂરો ઉઠીને આવ્યા હતા.‌ આ સમગ્ર બનાવની જાણ પરિવારના અન્ય સભ્યોને કરતા સૌ કોઈ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. વહેલી સવારે રમેશભાઈએ પેટલાદ રૂરલ પોલીસ‌ મથકને જાણ કરી હતી. જેથી ગ્રામ્ય પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ટીમ સહિતનો પોલીસ કાફલો દંતેલી પહોંચ્યો હતો. તેઓએ સમગ્ર બનાવની જાણ ઉચ્ચ અધિકારીઓને કરતા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. તેઓએ ખળીના માલિક રમેશભાઈની ફરિયાદના આધારે લૂંટની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જો કે આ લખાય છે ત્યાં સુધી હજી પોલીસ દફતરે ગુનો દાખલ કરવાની પ્રક્રિયા ચાલી રહી હોવાનું જાણવા મળે છે. આ સમગ્ર ઘટનાને લઈ પંથકમાં ચકચાર મચી જવા પામી છે. હાલમાં દંતેલી લૂંટની ઘટના અંગે પેટલાદ નાયબ પોલીસ અધિક્ષક કુંબાવતે જણાવ્યું હતું કે, લૂંટારૂઓને વહેલી તકે ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ લૂંટનો ભેદ ઉકેલવા જુદી જુદી ચાર ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી છે.

To Top