Latest News

More Posts

દમણ : સંઘપ્રદેશ દમણમાં 31 ફર્સ્ટને લઈને વિવિધ હોટલો અને રિસોર્ટ 50 ટકાથી વધુ બુક થઈ ગયા છે. આ માટે હોટલો દ્વારા પર્યટકોને આકર્ષવા રૂપિયા 3 હજારથી લઈને 20 હજાર સુધીના પેકેજ પણ નક્કી કરી દીધા છે.

દમણમાં દર વર્ષે 31 મી ડિસેમ્બરના રોજ નવા વર્ષના વધામણાની ઉજવણી કરવા અર્થે મોટી સંખ્યામાં પર્યટકો દક્ષિણ ગુજરાતની સાથે વડોદરા, અમદાવાદ, મુંબઈ અને મહારાષ્ટ્રના અલગ અલગ શહેરોમાંથી પ્રદેશની સહેલગાહે ઉમટી પડતા હોય છે. ઉજવણી કરવા આવતા પર્યટકોને નવા વર્ષની રાત્રિ દરમ્યાન થનારી ઉજવણીમાં કોઈ કચાસ ન રહી જાય એવા આશય સાથે હોટલો અને રિસોર્ટ દ્વારા ખાસ પેકેજ પણ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં ડીજે પાર્ટી, લાઈવ મ્યૂઝિક, થીમ પાર્ટી, ફાયર શો, કોકટેલ વીથ ડિનર સહિત અન્ય આકર્ષક પેકેજ નક્કી કરવામાં આવ્યા છે. વિવિધ હોટલોમાં રૂપિયા 3 થી 20 હજારથી વધુના રકમના પેકેજ નક્કી કરાયા છે. સાથે હોટલની બહાર રંગબેરંગી આકર્ષક લાઈટનો શણગાર પણ કરાયો છે. પર્યટકો પણ વિવિધ એજન્ટ, ઓનલાઈન સહિત અન્ય માધ્યમો થકી પોતાનું હોટલનું બુકિંગ કરાવી રહ્યા છે. ત્યારે 31 મી ડિસેમ્બરના રોજ દમણની 250 થી વધુ નાની મોટી હોટલ, રિસોર્ટ સહિત બાર એન્ડ રેસ્ટોરન્ટ પર્યટકોની ઉભરાઈ જશે, તેવી સંભાવનાઓ હોટલ સંચાલકો સેવી રહ્યા છે.

દમણમાં 31 ફર્સ્ટના દિવસે ડી.જે. અને લાઈવ મ્યૂઝિકના તાલ પરલોકો દારૂ-બિયર અને ખાણીપીણીના જલસા સાથે નવા વર્ષના વધામણાં કરી પરત પોતાના ઘર તરફ રવાના થશે. ત્યારે દમણ ગુજરાત બોર્ડર પર દારૂનું સેવન કરી આવતા લોકોને પકડી જેલના સળિયા પાછળ ધકેલવા માટે પોલીસનો કાફલો પણ તૈનાત રહેલો હશે. જે જોતાં પોલીસની પકડવાની કાર્યવાહી અને આખો દિવસ જેલમાં વિતાવ્યા બાદ કોર્ટમાંથી જામીન લઈ છૂટવાની બદનામ અને શરમજનક પ્રક્રિયાના કારણે મોટાભાગના પર્યટકો દમણ આવવાનું ટાળી શકે તેવી ઘણી સંભાવનાઓ દેખાઈ રહી છે. ત્યારે જે પર્યટકોએ હોટલ અથવા તો નાના મોટા ગેસ્ટ હાઉસમાં રૂમ લઈને રાત્રિ રોકાણ કરશે તેવા જ પર્યટકો મોડીરાત સુધી ઉજવણીની સાચી મજા માણી શકશે તેવું લાગી રહ્યું છે.

To Top