Latest News

More Posts

ગોરવા વિસ્તારમાં ખાનગી કંપનીના કર્મચારી દ્વારા ઠગાઈ


વડોદરા તા.3

ગોરવા વિસ્તારમાં આવેલી કંપનીમાં નોકરી કરતા કર્મચારીએ તેમના ચાર સહ કર્મચારીને સસ્તામાં સોનું અપાવવાનું કહીને રૂ.13.85 લાખ ખંખેરી લીધા હતા. પરંતુ વારંવાર કહેવા છતાં સોનુ નહીં અપાવતા તેની પાસે રૂપિયા પરત માંગ્યા હતા. પરંતુ આ ઠગે એક પણ રૂપિયો આપ્યો ન હતો. જેથી આ ઠગ કર્મચારી વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

ગોરવા વિસ્તારમાં એલેમ્બિકનગર હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા નવીનકુમાર મહેતો ગોરવા એલેમ્બિક બિઝનેસ પાર્કમાં આવેલી આર્ચર ટ્રાન્સનેશનલ સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં નોકરી કરે છે. આ કંપનીમાં તેમની સાથે જિતેન્દ્રસિંહ રાજપુરોહીત પણ નોકરી કરતા હોય તેઓ એકબીજાને ઓળખે છે. આ જીતેન્દ્રસિંહ રાજપુરોહિત પોન્ઝી સ્કીમ દ્વારા ડિસ્કાઉન્ટમાં ઈલેક્ટ્રોનીકનો સામાન અને સસ્તામાં સોનુ અપાવે છે તેમ જણાવ્યુ હતું. તેઓની પાસેથી એસી માર્કેટ ભાવ કરતા સસ્તા ભાવમાં નવીનભાઈને અપાવ્યું હતું. જેથી તેમણે જીતેન્દ્રસિંહ પર વિશ્વાસ આવી ગયો હતો. જેથી તેમણે ઘર માટે સોનુ ખરીદ કરવા માટે જીતેન્દ્રસિંહ રાજપુરોહીતને ગત ઓક્ટોમ્બર 2024માં વાત કરી હતી. ત્યારે 70 ગ્રામ સોનાનો માર્કેટ કરતા ઓછો ભાવ જણાવતા તે સોનુ ખરીદ કરવા રાજી થયા હતા અને રૂપિયા 5.40 લાખ જીતેન્દ્રસિંહને આપ્યા હતા. ત્યારે તેઓએ એક મહિનામાં 70 ગ્રામ સોનુ આપશે તેમ કહ્યું હતું. જેથી નવીનભાઈએ એક મહિના બાદ સોના બાબતે વાત કરતા ગલ્લા તલ્લા કરતો હતો અને સોનુ આપ્યું ન હતું. જેના કારણે નવીનભાઈ તેની પાસે રૂ.5.40 લાખની માંગણી કરતા કરવા છતાં આપતો ન હતો અને ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. જીતેન્દ્રસિંહ રાજપુરોહીતે તેમની કંપનીમાં નોકરી કરતા હરપુનીતસિંગ જગદિશસિંગ સાગર (રહે.શ્યામલ પાર્ક લેન સનફાર્મા પ્રથમ ઉપવન રોડ વડોદરા)ને સસ્તા ભાવે સોનુ અપાવવાના બહાને રૂ.1.83 લા, મહેબુબહુસેન નસીરહુશેન પઠાણ (રહે.ભાગ્યોદય સોસાયટી અંકલેશ્વર ભરૂચ)ની પાસેથી પણ રૂ.49 હજાર, તથા રોનક કુમાર હર્ષદભાઈ રાણા (રહે.હરી દર્શન સોસાયટી નવાબજાર સ્ટેટ બેંક પાસે કરજણ વડોદરા)ની પાસેથી રૂ.3.11 લાખ મળી કુલ રૂપિયા 13.85 લાખ જેટલી માતબર રકમ પડાવી લીધી હોવા છતાં સોનુ અપાવ્યું ન હતું. જેથી આ જીતેન્દ્રસિંહ રાજપુરોહિત સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

To Top