Latest News

More Posts

સુરત: શહેરના ઉધના સિટી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ એમ્બ્રોઇડરીના કારખાનામાં કામ કરતા નોકરે અગમ્ય કારણોસર આગ ચાંપી છાપી નાસી છૂટ્યો હતો. આગને કારણે ફેક્ટરીમાં રૂ.66.95 લાખનું નુકસાન થયું હતું.ફેક્ટરીમાં આગ લગાડનાર નોકર સીસીટીવીમાં કેદ થયો છે.

  • શેઠે 10 હજાર પગાર ન આપતા કામદારે ફેક્ટરી સળગાવી દીધી
  • ફેક્ટરીમાં 66 લાખનું નુકસાન કરનાર ગોવિંદ ફેક્ટરી સળગાવતા કેમેરામાં કેદ થઇ ગયો
  • ફેક્ટરીમાં તે બટન દોરાના મશીન ઉપર કામ કરતો હતો અને પગારની માંગણી કરી રહ્યો હતો

ઉધના પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ શહેરના અડાજણમાં પાલ રોડ પર આવેલા ગોપીનાથ રો હાઉસ રહેતા સંજયકુમાર બચુપ્રસાદ સિંગ ઉધના વિસ્તારમાં આવેલી સિટી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના રોડ નંબર 6 પર રૂદ્ર ટ્રેડિંગના ત્રીજા માળે રૂદ્ર ટ્રેડિંગના નામે એમ્બ્રોઇડરી જોબવર્કનું કારખાનું ધરાવે છે.

આ ફેક્ટરીમાં ત્રણ કામદારો કામ કરે છે અને ત્યાં જ રહે છે. સંજયકુમાર ગત 17મી ઓક્ટોબરના રોજ ઉપરોક્ત ફેક્ટરીમાં આવ્યા હતા, ત્યારબાદ ત્રણમાંથી બે કામદારો વિનય અને રોહિત રજા લઈને પોતાના વતનમાં ચાલ્યા ગયા હતા. આ જ ફેક્ટરીમાં બટન દોરાના મશીન પર કામ કરતો ગોવિંદ એકલો હાજર હતો.

આખો દિવસ કામ કર્યા બાદ ગોવિંદ શેઠ પાસેથી 500 રૂપિયા લઈને શાકભાજી લેવા ગયો હતો, તે પછી તે નોકરી પર પાછો ફર્યો નહોતો. જે બાદ 18મી ઓકટોબરના રોજ રાત્રીના 3 વાગ્યે ઉપરોક્ત ફેક્ટરીમાં આગ લાગવાની માહિતી મળતા સંજયકુમાર તાત્કાલિક ફેક્ટરી પર પહોંચ્યા હતા.

બીજી તરફ ફાયર બ્રિગેડના જવાનોએ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.જ્યારે સંજય કુમારે આગનું કારણ જાણવા માટે સીસીટીવી તપાસ્યા ત્યારે તેમનો નોકર ગોવિંદ ફેક્ટરીમાં આગ લગાડતો અને જતો જોવા મળ્યો હતો.આગને કારણે કારખાનાની મશીનરી સહિત અનેક વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી અને ફેક્ટરીને રૂ.66.95 લાખનું નુકસાન થયું હતું. આ મામલે કારખાનેદારે કામદાર ગોવિંદ વિરુદ્ધ ઉધના પોલીસ સ્ટેશનમાં આગ લગાડવાનો ગુનો નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ગોવિંદ નામનો કામદાર હાલ નાસી છૂટ્યો છે
ઉધના સિટી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ એમ્બ્રોઇડરીના કારખાનામાં કામ કરતા નોકર ગોવિંદએ અગમ્ય કારણોસર આગ ચાંપી નાસી છૂટ્યો હતો.આગને કારણે ફેક્ટરીમાં રૂ.66.95 લાખનું નુકસાન થયું હતું. જોકે આ ઘટનાની ઘટનામાં વિશ્વશનીય સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ કામદાર ગોવિંદના શેઠ સંજયકુમાર પાસે પગારના 10 હજાર રૂપિયા નીકળતા હતા. જેની તે માંગણી કરતો હતો. પરંતુ શેઠે પગારના પૈસા નહીં આપતા ગોવિંદ ગુસ્સે થઇ ગયો હતો અને ફેકટરીમાં આગ ચાંપી નાસી છૂટ્યો હતો. જોકે આગ લગાવવાનું ચોક્કસ કારણ તો ગોવિંદના પકડાઇ ગયા બાદ જ સામે આવશે.

To Top