Latest News

More Posts

રાહુલ ગાંધી રાજનીતિમાં ‘ચાલતા નથી’, માત્ર પદયાત્રા કાઢે છે: સાંસદ હેમાંગ જોષીનો પ્રહાર

​”રાહુલ ગાંધી જોડાય તો કોંગ્રેસના કાર્યકરો સરદારની પ્રતિમા જોવાની ગુંગળામણમાંથી મુક્ત થાય.”

વડોદરાના લોકસભા સાંસદ અને ભાજપના નેતા ડો. હેમાંગ જોષીએ લોકસભાના વિપક્ષના નેતા અને કોંગ્રેસના અગ્રણી રાહુલ ગાંધીને ‘સરદાર એકતા યાત્રા’ માં જોડાવા માટે આમંત્રણ આપતા રાજ્યનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. મીડિયામાં આ મુદ્દો ચર્ચામાં આવતા સાંસદ ડો. જોષીએ આ આમંત્રણ પાછળનો હેતુ સ્પષ્ટ કર્યો હતો, સાથે જ કોંગ્રેસ નેતા પર આકરા રાજકીય પ્રહારો પણ કર્યા હતા.
સાંસદ ડો. હેમાંગ જોષીએ જણાવ્યું હતું કે, “રાહુલ ગાંધી ચૂંટણીલક્ષી રાજનીતિ પદયાત્રા કાઢે છે, પણ રાજનીતિમાં ચાલતા નથી.” તેમણે રાહુલ ગાંધીની પદયાત્રાઓ પર કટાક્ષ કરતા કહ્યું કે તે માત્ર ચૂંટણીઓ પૂરતી જ મર્યાદિત હોય છે, જ્યારે સરદાર પટેલની વિરાસતનું સન્માન કરવામાં કોંગ્રેસે હંમેશા ઉદાસીનતા દાખવી છે.
​ડો. જોષીએ કોંગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યું કે ક્યાંક ને ક્યાંક સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને યોગ્ય સન્માન કોંગ્રેસે આપ્યું નથી. તેમણે દાવો કર્યો કે કોંગ્રેસમાં સરદાર સાહેબની પ્રતિમા જોવાની પણ ‘અઘોષિત મનાઈ’ હોય તેવું વાતાવરણ છે.
સાંસદે રાહુલ ગાંધીને આમંત્રણ આપવા પાછળનું મુખ્ય કારણ સ્પષ્ટ કરતાં એક મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, “જો રાહુલ ગાંધી આ પદયાત્રામાં જોડાય, તો કોંગ્રેસના લાખો કાર્યકરો સરદાર સાહેબની વિશાળ પ્રતિમા જોવાની ગુંગળામણ માંથી મુક્ત થાય.” સાંસદના આ નિવેદનને કોંગ્રેસ પક્ષમાં સરદાર પટેલના વિરાસત પ્રત્યેના વલણ સામેના સીધા પડકાર તરીકે જોવામાં આવી રહ્યું છે.

કોંગ્રેસનો આક્રોશ: ‘પાનો ટૂંકો પડે, આયાતી સાંસદ છો’…

વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોષી દ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ‘સરદાર એકતા યાત્રા’માં જોડાવા માટે પત્ર લખી આમંત્રણ આપતા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. જોકે, કોંગ્રેસ પ્રવક્તા નિશાંત રાવલે સાંસદ જોષીના આ પગલાને ‘હાઈકમાન્ડને ખુશ કરવાના ધતિંગ’ ગણાવીને આકરો પલટવાર કર્યો છે.
સાંસદ ડૉ. હેમાંગ જોષીએ રાહુલ ગાંધીને લખેલા પત્રના જવાબમાં કોંગ્રેસ પ્રવક્તા નિશાંત રાવલે તીખી પ્રતિક્રિયા આપી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, “રાહુલ ગાંધીને પત્ર લખી આમંત્રણ આપવું એમાં તમારો પનો ટૂંકો પડે. હજી કેન્દ્રીય મંત્રી કે કેબિનેટ મંત્રી પત્ર લખે તો લેખે લાગે.”
​રાવલે ડૉ. જોષી પર અંગત પ્રહાર કરતા કહ્યું કે, “તમે તો આયાતી સાંસદ છો. વડોદરાના રાજકારણની જૂથબંધીને કારણે તમે સાંસદ બન્યા છો.” તેમણે સાંસદની સરદાર પટેલ પ્રત્યેની નિષ્ઠા પર સવાલ ઉઠાવતા પૂછ્યું કે, “અમદાવાદમાં સરદાર પટેલ સાહેબના સ્મારકને તમે કેટલી વાર જોવા ગયા? તમારા માનીતા નેતા કેટલી વાર દર્શન અર્થે ગયા?”
કોંગ્રેસ પ્રવક્તા નિશાંત રાવલે સાંસદને સલાહ આપતા કહ્યું કે જો તેમને ખરેખર સરદાર પટેલ સાહેબની સાચી સેવા કરવી હોય, તો આવા રાજકીય પત્રો લખવાનું બંધ કરીને જનતાના કામો પર ધ્યાન આપે.
​સાંસદ જોષીને ગ્રાન્ટનો ઉપયોગ કરીને લોકોનું ભલું કરવા તેમજ અનેક મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવા સૂચવ્યું:
*​ઇન્ટરનેશનલ ફ્લાઇટ વડોદરાથી ચાલુ કરાવો.
*​વિશ્વામિત્રી રિવર ફ્રન્ટ બનાવો.
*​વડોદરામાં મેટ્રો પ્રોજેક્ટ માટે દિલ્હીમાં બેઠેલા ‘શેષ નેતૃત્વ’ને પત્ર લખો.
​રાવલે કટાક્ષ કર્યો કે, “કદાચ તમારું કોઈ સાંભળતું નહીં હોય, માટે હાઇકમાન્ડને ખુશ કરવા આવા ધતિંગ કરવાનું બંધ કરી, સરદાર પટેલ સાહેબની સાચી સેવા કરવા લોકો ને પડતી તકલીફ દૂર કરવાનું કામ કરો એ સાચી સેવા છે.”

To Top