Latest News

More Posts

ડ્રો બાદ વૈકલ્પિક જગ્યાએ ખસી જવા તાકીદ
હાઈકોર્ટની મુદત પૂર્ણ થતા મનપા તંત્ર એક્શન મોડમાં આવ્યું, કશીભાઈ પાર્ક પાસેના પતરાના શેડમાં દુકાનદારોને ખસેડવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી
(પ્રતિનિધિ) નડિયાદ, તા.22
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના મધ્યમાં આવેલા સરદાર ભવનની દુકાનો ખાલી કરાવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. લાંબા સમયથી ચાલી રહેલા આ વિવાદમાં હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલી મુદત આજે પૂર્ણ થતા પાલિકા તંત્ર દ્વારા તમામ 46 દુકાનદારોને તાત્કાલિક અસરથી જગ્યા ખાલી કરવા માટેની અંતિમ નોટિસો આપી દેવામાં આવી છે. પાલિકાએ આ દુકાનદારો માટે ડ્રોની પ્રક્રિયા પૂર્ણ કરી તેમને કશીભાઈ પાર્ક પાસે તૈયાર કરવામાં આવેલા પતરાના શેડમાં વૈકલ્પિક જગ્યા ફાળવી દીધી છે.
આ સમાચારની વિગતો મુજબ નડિયાદના સરદાર ભવનના જર્જરિત બાંધકામ અને તેના પુનઃવિકાસના આયોજનને પગલે લાંબા સમયથી દુકાનદારો અને તંત્ર વચ્ચે ખેંચતાણ ચાલી રહી હતી. આ મામલે કાયદાકીય લડત બાદ હાઈકોર્ટે દુકાનદારોને ચોક્કસ સમય મર્યાદા આપી હતી, જેની અવધિ આજે પૂરી થઈ છે. મહાનગરપાલિકા દ્વારા અગાઉ જ પારદર્શક રીતે ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સરદાર ભવનના 46 જેટલા દુકાનદારોને શહેરના કશીભાઈ પાર્ક વિસ્તારમાં પતરાના શેડ વાળી નવી દુકાનો ફાળવવામાં આવી છે. પાલિકા તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે જો દુકાનદારો સ્વેચ્છાએ જગ્યા ખાલી નહીં કરે તો આગામી સમયમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં મનપાના અધિકારીઓ દ્વારા સ્થળ પર જઈને દુકાનદારોને વહેલી તકે તેમનો સામાન ખસેડી લેવા અને નવી ફાળવવામાં આવેલી જગ્યાએ કાર્યરત થવા માટે મૌખિક અને લેખિત સૂચનાઓ આપી દેવામાં આવી છે. આ કાર્યવાહીને પગલે વર્ષો જૂના સરદાર ભવનની દુકાનોના વિવાદનો અંત આવે તેવી શક્યતા જણાઈ રહી છે.

To Top