Latest News

More Posts

પર્થઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ 22 નવેમ્બરથી પર્થમાં શરૂ થઈ હતી. આજે આ મેચનો બીજો દિવસ છે. આ મેચમાં ભારતીય ટીમ તેની પ્રથમ ઇનિંગમાં 150 રન સુધી જ સિમિત રહી હતી. જવાબમાં ઓસ્ટ્રેલિયા 104 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ભારતને પ્રથમ દાવમાં 46 રનની લીડ મળી છે.

પહેલી ઈનિંગમાં બંને ટીમોના લો સ્કોરને જોતાં આ પીચ પર બેટિંગ કરવું મુશ્કેલ બનશે એમ લાગતું હતું પરંતુ ભારતીય ઓપનરોએ ધૈર્યપૂર્વક રમત દર્શાવી હતી. ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલ અંગદની જેમ ક્રીઝ પર પગ જમાવી દીધા હતા. બંને બેટ્સમેનોએ ફિફ્ટી પૂરી કરી હતી. ઓસ્ટ્રેલિયન બોલરોને વિકેટ માટે તડપાવ્યા હતા.

દિવસના અંતે ભારતનો સ્કોર 171 હતો. ભારતે એક પણ વિકેટ ગુમાવી નથી. યશસ્વી જયસ્વાલ 90 અને કેએલ રાહુલ 62 રને રમતમાં હતા. આ સાથે ભારતની લીડ 218 પર પહોંચી છે.

ઓસ્ટ્રેલિયા 104 પર ઓલઆઉટ થયું
પર્થ ટેસ્ટમાં પહેલો દિવસ ફાસ્ટ બોલરોને નામ રહ્યો હતો. બંને ટીમના ફાસ્ટ બોલરોએ કુલ 17 વિકેટ પહેલા દિવસે ખેરવી હતી. ભારત 150 પર ઓલઆઉટ થયું હતું. તેના જવાબ આપવા મેદાનમાં ઉતરેલા ઓસ્ટ્રેલિય બેટ્સમેનો નિષ્ફળ રહ્યાં હતાં અને પહેલાં દિવસે 7 વિકેટ ગુમાવી હતી.

બીજા દિવસની શરૂઆત પણ ઓસ્ટ્રેલિયા માટે સારી રહી નહોતી. બુમરાહે પહેલી જ બોલમાં એલિસ કેરીને પેવેલિયન ભેગો કર્યો હતો. જોકે, સ્ટાર્ક અને હેઝલવુડે ઓસ્ટ્રેલિયા માટે છેલ્લી વિકેટમાં નોંધપાત્ર ભાગીદારી નોંધાવી હતી, જેના લીધે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 100ને પાર પહોંચી શક્યો હતો. ઓસ્ટ્રેલિયા 104 પર ઓલઆઉટ થયું હતું. ભારતને 46 રનની લીડ મળી હતી. ભારત તરફથી કેપ્ટન બુમરાહે 5, ડેબ્યુટન્ટ હર્ષિત રાણાએ 3 અને સિરાજે 2 વિકેટ ઝડપી હતી.

To Top