Latest News

More Posts

બાંગ્લાદેશમાં શેખ હસીનાએ સત્તા છોડીને ભાગવું પડ્યું ત્યાર બાદ ઘણી બાબતો એની બની રહી છે જે ભારતની દૃષ્ટિએ યોગ્ય નથી મનાતી. ગયા બુધવારે પાકિસ્તાનનું એક માલવાહક જહાજ કરાચીથી નીકળીને બાંગ્લાદેશના દક્ષિણપૂર્વ સાગરકાંઠે ચટગાંવ બંદરે પહોંચ્યું હતું. 1971માં થયેલા બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામ પછી બંને દેશ વચ્ચે આ પ્રથમ સમુદ્રી સંપર્ક થયો છે. આની પહેલાં બંને દેશ વચ્ચેનો સમુદ્રી વેપાર સિંગાપુર કે કોલંબોના માધ્યમથી થતો હતો. બાંગ્લાદેશમાં પાકિસ્તાનના હાઈકમિશને એક નિવેદનમાં કહ્યું છે કે, ‘એવું પહેલી વાર બન્યું છે કે પાકિસ્તાનના કરાચીથી કાર્ગો જહાજ સીધું બાંગ્લાદેશના ચટગાંવ બંદરે પહોંચ્યું છે અને આ દ્વિપક્ષીય સંબંધોમાં મહત્ત્વપૂર્ણ પગલાની શરૂઆત છે.’

નિવેદન અનુસાર, ‘આ નવો રૂટ સપ્લાઇ ચેઇનને વધારે આસાન બનાવશે, પરિવહનનો સમય ઘટાડશે અને બંને દેશ માટે વ્યવસાયની નવી તકનાં દ્વાર ખોલશે.’ હકીકતમાં, આ સીધો સમુદ્રી સંપર્ક પાકિસ્તાન અને બાંગ્લાદેશના પારંપરિક જટિલ રાજદ્વારી સંબંધોમાં એક ઐતિહાસિક પરિવર્તન  છે. સાથે જ, ભારત સાથે મૈત્રીપૂર્ણ રહેલી શેખ હસીના સરકાર સત્તા પરથી હટી ગયા પછી બાંગ્લાદેશમાં સત્તામાં આવેલી મોહમ્મદ યુનુસના નેતૃત્વવાળી નવી વચગાળાની સરકારમાં પાકિસ્તાન સાથેના સંબંધોમાં ઉષ્માનો પણ સંકેત કરે છે. પરંતુ, આ તાજા સમાચારે ભારત માટે ચિંતા જન્માવી છે.

હસીનાને પદ પરથી હટાવાયાં બાદથી જ બાંગ્લાદેશ સાથેના ભારતના સંબંધ ઓછા થઇ ગયા છે. ભારતમાં પાકિસ્તાનના હાઈકમિશનર રહેલા અબ્દુલ બાસિતે પાકિસ્તાનની એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં સ્વીકાર્યું કે, ચાલુ વર્ષની પાંચમી ઑગસ્ટે બાંગ્લાદેશમાં સત્તાપરિવર્તન થયું તે પાકિસ્તાન માટે તક છે, કેમ કે, શેખ હસીના સંપૂર્ણ રીતે ભારતના પક્ષમાં હતાં. બાંગ્લાદેશ સાથે પાકિસ્તાનના બગડેલા સંબંધો માટે શેખ હસીનાને જવાબદાર ઠરાવતાં બાસિતે કહ્યું, ‘શેખ હસીના ભારતના ઇશારે કામ કરતાં હતાં.

તેમના કેટલાક એજન્ડા હતા, જેને લઈને તેઓ આગળ વધી રહ્યાં હતાં.’ પાકિસ્તાનના કરાચીથી પ્રથમ વાર બાંગ્લાદેશના ચટગાંવ પહોંચેલા કાર્ગોની ઘટનાને અબ્દુલ બાસિત ઘણી મહત્ત્વપૂર્ણ માને છે. બાસિતે કહ્યું, ‘પહેલી વાર એવું બન્યું છે કે પાકિસ્તાની માલવાહક જહાજ સીધું ચટગાંવ પહોંચ્યું છે. આની પહેલાં બંને દેશ વચ્ચે જે કંઈ વેપાર થતો હતો તે સિંગાપુર અને શ્રીલંકાના માર્ગે થતો હતો. આવું થવાથી ભારતમાં હોબાળો થઈ ગયો છે. બાંગ્લાદેશમાં જે નેતૃત્વ છે, તે હવે ખૂબ ખુલ્લા વિચારો ધરાવે છે.

એવું નથી કે તે ભારત સાથે સંબંધ વધારવાનું વિરોધી છે, પરંતુ, તેણે પોતાના વિકલ્પો ખુલ્લા રાખ્યા છે અને પાકિસ્તાન સાથે સંબંધો કેમ ન વધારે!’ તેમણે કહ્યું, ‘હવે આગામી પગલું એ હશે કે વેપાર અને ઉદ્યોગજગતનાં સંગઠન પણ એકબીજાને ત્યાં જશે, અને બની શકે કે આવતા વર્ષ સુધીમાં બંને દેશ વચ્ચે વિદેશસચિવ સ્તરે વાટાઘાટ પણ શરૂ થાય.’ તેમણે કહ્યું, ‘શેખ હસીનાના જવાથી પાકિસ્તાનને એક તક મળી છે, કેમ કે, પાકિસ્તાન-બાંગ્લાદેશના સંબંધોને જોવાનો શેખ હસીનાનો એક અલગ દૃષ્ટિકોણ હતો, તેનાથી અમે બચી ગયા. પાકિસ્તાન માટેનો તેમનો દૃષ્ટિકોણ પૂર્વગ્રહયુક્ત હતો. તેઓ ભૂતકાળમાંથી બહાર જ નીકળી નહોતાં શકતાં.’

તેમણે વધુમાં કહ્યું હતું કે, ‘હવે અમારી સામે એક તક છે, જેનો અમારે બંને દેશના લાભ માટે યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ.’ પાકિસ્તાને વેપાર ઉપરાંત અન્ય ક્ષેત્રોમાં પણ સહયોગ વધારવા પગલાં ભર્યાં છે. પાકિસ્તાને બાંગ્લાદેશના નાગરિકો માટે તત્કાલ ફ્રી વીઝાની સુવિધા શરૂ કરી છે.કોલકાતાથી પ્રકાશિત થતા અંગ્રેજી દૈનિક ધ ટેલિગ્રાફમાં એક નિષ્ણાતે કહ્યું, ‘ચટગાંવ અને મોંગલા બાંગ્લાદેશનાં બે મોટાં બંદર છે અને પાકિસ્તાન માટે આ બંને પાંચ દાયકા સુધી પહોંચથી દૂર રહ્યાં. આની પહેલાં બંને દેશ વચ્ચેનો સમુદ્રી સંપર્ક વાયા કોલંબો અને શ્રીલંકા દ્વારા થતો હતો. હવે પાકિસ્તાની જહાજ સીધાં ચટગાંવ પહોંચશે.

પ્રતિબંધિત સામાન બાંગ્લાદેશમાં જવા અને ભારતમાં અલગતાવાદી સમૂહોના હાથમાં પહોંચવાની આશંકાનો ઇનકાર કરી શકાય તેમ નથી.’ આ નિષ્ણાતે 2004માં ચટગાંવમાં ગેરકાયદે હથિયારોની અત્યાર સુધીની સૌથી મોટી ખેપ પકડાઈ હોવાનો ઉલ્લેખ કર્યો. 2001થી 2006 સુધી બાંગ્લાદેશમાં ખાલિદ ઝિયાના નેતૃત્વવાળી બીએનપી સરકાર સત્તામાં હતી, તે દરમિયાન જે ઘટનાઓએ સરકાર માટે મુશ્કેલીઓ ઊભી કરી હતી તેમાંની એક મુખ્ય ઘટના દશ ટ્રક ભરાય તેટલાં હથિયારો પકડાયાં તે હતી. બાંગ્લાદેશના ઇતિહાસમાં હથિયારો અને દારૂગાળાની સૌથી મોટી ખેપ પહેલી એપ્રિલ 2004એ પકડાઈ હતી.

આ હથિયારો બે મોટાં ટ્રેલર્સ દ્વારા સમુદ્રમાર્ગે ચટગાંવસ્થિત યૂરિયા ફર્ટિલાઇઝર કે સીયુએફએલ જેટી પર લવાયાં હતાં. એક્સ્પર્ટ એવું માને છે કે, તત્કાલીન બીએનપી સરકારના ભારત સાથેના સંબંધો બગડવાની શરૂઆત હથિયારોનો મોટો જથ્થો મળી આવવાની ઘટનાથી થઈ હતી. ચાલુ વર્ષના સપ્ટેમ્બર મહિનામાં ન્યૂયૉર્કમાં યોજાયેલી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠક દરમિયાન બાંગ્લાદેશની વચગાળાની સરકારના પ્રમુખ મોહમ્મદ યુનુસ અને પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફની મુલાકાત થઈ હતી અને બંને દેશ વચ્ચેના ‘દ્વિપક્ષીય સહયોગને પુનઃ જીવંત’ કરવા પર ભાર મુકાયો હતો.

To Top