Latest News

More Posts

ભારતમાં સેન્સર (ઓફ ઇન્ડિયા)ના ધારાધોરણ મુજબ પાંચ હજાર કે તેથી વધુ વસતિના નગરનો અર્બન શહેરી વિસ્તારમાં સમાવેશ કરાય છે. એ નગરમાં ચોરસ કિલોમીટર દીઠ ચારસો કે વધુ વ્યકિતઓની ઘન વસતિ હોવી જોઇએ. તેનાથી ઓછી ઘનિષ્ટ આબાદી હોય તો તેને અર્બન એરિયા ગણવામાં આવતો નથી. તે ઉપરાંત એક લઘુ માપદંડ છે. તે મુજબ એ નગરની વસતિના 75 ટકા પુરૂષો ખેતી સિવાયની પ્રવૃત્તિઓમાં જોડાયેલા હોવા જોઇએ. હવે જો વરસ 2011ના આંકડાઓ જયારે વસતિ ગણતરી યોજાઇ હતી તે ધ્યાનમાં લઇએ તો 2001 બાદ દેશમાં શહેરીકરણ ખૂબ ઝડપથી થયું છે. તે માટે અનેક પરિબળો કારણભૂત છે. જેમ કે ભારત સરકારે લીધેલા આર્થિક સુધારાઓનાં પગલાં, સરકારી નીતિઓમાં ફેરફારો તેમજ વેપાર ઉદ્યોગની બદલાતી તરાહ વગેરે જવાબદાર છે.

 ભારત સરકારે 2021માં જે કરવી જોઇતી હતી તે વસતિ ગણતરી કરી નથી. જાતિગત જનગણના જેવા દેશને પાછળના સમયમાં લઇ જાય એવા કાર્યક્રમો હાથ ધરવાની અમુક મુર્ખ અને સત્તાલોલપ નેતાઓ દ્વારા માગણી થતી રહે છે. લગભગ દરેક ચૂંટણીમાં જનતા એને પાંચમા કે છઠ્ઠા ક્રમે આવે એટલા મત આપે છે. પણ ભૂત ઊતરતું નથી. ખેર! વસતિ ગણતરી ન કરવી એ સરકાર માટે પણ સારી વાત નથી. તમે સાચી સંખ્યા અને સાચી સ્થિતિઓ ન જાણતા હો તો તેઓ માટેની અનેક વ્યવસ્થાઓનું સુચારૂં સંચાલન કેવી રીતે કરી શકવાના? હાલમાં આપણી પાસે સ્થિતિ અને ટ્રેન્ડ જાણવા માટે 2001થી 2011 વચ્ચેનો સમયકાળ છે. તે મુજબ સરખામણી કરવી પડે જે સ્થિતિને સાચી રીતે વ્યકત કરતો નથી.

વરસ 2001માં ઉપર મુજબના માપદંડો ધરાવતા 5161 નગરો ભારતમાં હતાં. વરસ 2011માં તે વધીને 7935 (સાત હજાર નવસો પાંત્રીસ) થયા હતા. દસ વરસમાં 2774 ગામો વધીને નગરો થયાં. કેટલાંક સાવ નવાં પણ નિર્માણ પામ્યા હશે. ઔદ્યોગિક વિસ્તારોમાં આવું બનતું હોય છે. 1991માં ભારતમાં 1700 નગરો હતા તે 5661 થયા હતા. આ વીસ વરસમાં શહેરીકરણનું પ્રમાણ અભૂતપૂર્વ હદે વધ્યું અને 2011થી 2024 સુધીમાં તે પ્રમાણ અગાઉના તમામ વિક્રમો તોડી પાડે એટલી માત્રામાં વધ્યું હશે જે આજે આપણે નજર સામે જોઇ રહ્યા છીએ.

નિષ્ણાતો કહે છે કે દુનિયાભરમાં પ્રાચીન અને મોટા શહેરો ઘટી રહ્યાં છે અને નવાં અને નાનાં શહેરો વધી રહ્યાં છે. પણ ભારતમાં જૂના અને મોટાં શહેરો ઘટી રહ્યાં નથી. ઊલટાના વધુ મોટાં બની રહ્યાં છે. સુરતનો જ દાખલો લો. આજ સુધીના ઇતિહાસમાં દુનિયામાં આટલી ઝડપે ભાગ્યે જ કોઇ શહેર વધ્યું હશે. જે નાના નગરોનો વિકાસ થયો છે કે નવા અસ્તિત્વમાં આવ્યાં છે તે પણ મોટા શહેરોની પડોશમાં કે સરહદો પર આવ્યાં છે.

શહેરોની જેટલા મોટાં બને તે મોટી કંપનીઓ તેમ જ વેપારવણજ માટે ફાયદાકારક છે. વસતિ ગણતરીના દસ્તાવેજોમાં અનેક કંપનીઓને કામ આવે એવી માહિતીઓનો ખજાનો હોય છે. જેમ કે ગામડાં કે શહેરોમાં વસતા લોકોનું પ્રમાણ, દેશનાં શહેરો, મોટાં શહેરો, ગામડાં વગેરેની સંખ્યા, ગામ કે શહેરમાં વસતા કુટુંબોની સંખ્યા, વીજ, ઈન્ટરનેટ, કૂકિંગ ગેસ, મોબાઈલ, વાઈફાઈ વગેરેનું જોડાણ, વાહનોની માલિકી વગેરે મહત્ત્વની વિગતો મારકેટિંગ કંપનીઓને ધંધો વિસ્તારવા માટેનું ઓજાર બની જાય છે. પણ આપણી પાસે, આપણા દેશ પાસે વસતિ ગણતરીના અદ્યતન આંકડાઓ નથી. જે છે તે ચૌદ વરસ જૂના છે. એક અહેવાલ પ્રમાણે હવે પછીની વસતિ ગણતરી વરસ 2026માં હાથ ધરવામાં આવશે.

 આ છેલ્લા પંદર-સોળ (ત્યાર સુધીમાં) વરસમાં ભારતમાં ખૂબ મોટાં પરિવર્તનો આવ્યા છે. સૌરાષ્ટ્ર કે ભારતમાં પચાસ હજારથી લાખ સુધીની વસતિ ધરાવતાં શહેરો પણ ખાલી થવા માંડ્યા ગામડાં કે નાનાં શહેરોના યુવાનોને કોઈ દીકરીઓ પરણાવવા રાજી નથી, કારણ કે દીકરીઓને પોતાને જ ત્યાં જવું નથી.  બીજી તરફ આઈટી ક્રાન્તિ બાદ અનેક મધ્યમ કદનાં શહેરો બેફામ વિસ્તર્યા છે. ત્યાં કામ અને મકાનો (બલ્કે મોંઘા) મળી રહે છે. યુગલો એકલા રહેવાનું પણ વધુ પસંદ કરવા માંડ્યા છે. તો વરસ 2026માં ગણતરીનાં જે પરિણામો આવશે તેનો ઘાટોપાતળો ખ્યાલ લગભગ દરેકને છે.

ચૌદ વરસમાં જે આર્થિક વિકાસ થયો છે તે ધ્યાનમાં લઈએ તો કોરોનાના દોઢથી બે વરસને બાદ કરતાં ભારતનું અર્થતંત્ર ઘણી ઝડપથી આગળ વધ્યું છે. ભારતની માળખાકીય સવલતોના બાંધકામમાં આ ચૌદ વરસમાં નોંધપાત્ર વૃદ્ધિ થઇ છે.  આધુનિક ટેક્નોલોજીઓ જેમ કે ઈન્ટરનેટ, ફાઈવ-જી, વાઈ-ફાઈ સેવાઓ પણ લગભગ સર્વત્ર પહોંચી ગયા છે. અમુક કંપનીઓના નેટવર્ક પકડાતા નથી તે અલગ વાત છે. છતાં સ્થિતિ સાવ ખરાબ પણ નથી. દુનિયામાં સૌથી સસ્તા ડેટા ભારતમાં મળે છે.

હવે મસ્કની સ્ટારલિન્ક કંપની, જે સેટેલાઈટ્સ અર્થાત આકાશમાં તરતા ઉપગ્રહોમાંથી સીધી સ્માર્ટ- ફોનમાં સેવા આપશે તે આવી રહી છે. પણ ડેટા હાલની કિંમત કરતા ઓછી કિંમતે ઉપલબ્ધ થશે તેવી કોઇ ગુંજાઇશ નથી. પણ નવી વસ્તિ ગણતરીના આંકડાઓમાં સેલફોન કનેકશનના આંકડા એકસો પંદર કરોડથી વધુ સંખ્યામાં હશે. કારણ કે આટલા કનેકશન તો ભારતમાં 2023માં હતા. દુનિયાની કંપનીઓ માટે આ એક મોટો મધપૂડો છે.

માળખાકીય સવલતોમાં માર્ગ બાંધકામની વાત કરીએ તો સરકારી આંકડાઓ મુજબ છેલ્લાં દસ વરસમાં 95 હજાર કિલોમિટરના રાષ્ટ્રીય ધોરીમાર્ગો બાંધવામાં આવ્યા છે. આ ઉપરાંત દરેકે દરેક રાજ્ય સરકારો દ્વારા બાંધવામાં આવેલા માર્ગો તેમજ અન્ય માળખાકીય બાંધકામો અલગ. આ બધા સુધારઓને કારણે દેશમાં લોકોની, પ્રવાસીઓની અને નોકરિયાતો, કામદારો અને મજૂરોની હેરફેરનું પ્રમાણ વધારાના નવા વિક્રમસર્જક આંકડાઓ પણ સામે આવશે. વરસ 2011ના આંકડાઓ મુજબ દેશમાં શહેરી વસતિનું પ્રમાણ ત્યારે લગભગ સાડા એકત્રીસ (31.6) ટકા જેટલું હતું. ત્યાર પછીની તરાહના આંકડા દર્શાવે છે કે તે પ્રમાણ 2023માં લગભગ સાડા છત્રીસ (36.4) ટકા જેટલું થયું હતું. હવે પછીના બે વરસ બાદ આ ફીગર જરૂર વધશે.

એક ગણતરી પ્રમાણે દેશના ચાલીસ ટકા લોકો શહેરોમાં વસતાં હશે. તેનો અર્થ એ કે લગભગ ખાલી થઇ ગયેલાં ગામડાં વધુ ખાલી થશે. ખેતીવાડી કોણ કરશે ? તેની એવી અસર થશે કે ઊંચી મજૂરીના દરને કારણે ખેતપેદાશો વધુ મોંઘી થશે.  જો કે આજકાલ શહેરોમાં જે સવલતો મળે છે તે નાનાં નગરોમાં મળે છે. ગ્રામીણ લોકો પાસે સંદેશા વ્યવહાર અને અવરજવરનાં સાધનો હાથવગાં છે. તેમ છતાં લોકોને મોટાં શહેરોનો મોહ છૂટતો નથી. તેની પાછળ મજબૂત કારણ પણ છે. આખરે રોજીરોટી ત્યાં જ મળી રહે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top