Latest News

More Posts

અમદાવાદઃ કોરોના બાદથી છાતીમાં દુઃખાવા બાદ એકાએક મોતના કિસ્સા ચિંતાજનક હદે વધ્યા છે. યુવાનો અને બાળકો પણ હાર્ટ એટેકથી મૃત્યુ પામી રહ્યાં છે, ત્યારે આવો વધુ એક બનાવ ગુજરાતના અમદાવાદ શહેરમાં બન્યો છે. અહીં એક 8 વર્ષીય બાળકીનું સ્કૂલમાં મોત થયું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના થલતેજમાં આવેલી ઝેબર સ્કૂલમાં ગાર્ગી રાણપરા નામની 8 વર્ષીય બાળકીનું અચાનક મોત થયું છે. ગાર્ગી સવારે 8 વાગ્યે સ્કૂલના દાદર ચઢી રહી હતી ત્યારે અચાનક તેણીને છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. તેથી તે લોબીની ખુરશી પર બેસી ગઈ હતી, પરંતુ થોડી જ ક્ષણોમાં તે ઢળી પડી હતી.

ગાર્ગી બેભાન થઈ ઢળી પડતા સ્કૂલમાં દોડધામ મચી ગઈ હતી. ગાર્ગીને તાત્કાલિક ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સારવાર શરૂ કરાઈ હતી. પરંતુ થોડી જ મિનિટોમાં તબીબોએ હાર સ્વીકારી લીધી હતી અને ગાર્ગીને મૃત ઘોષિત કરી હતી. ગાર્ગીના પેરેન્ટ્સ હાલ મુંબઈ છે.

પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવ્યા
માત્ર 8 વર્ષની માસૂમ ગાર્ગીનું અચાનક મોત થતા પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમ ડોગ સ્કવોડની મદદથી તપાસ કરી રહી છે. પોલીસે શાળાએ પહોંચી સીસીટીવી મેળવી તપાસ શરૂ કરી છે.

સ્કૂલના પ્રિન્સિપલે શું કહ્યું..?
જ્યાં આ ઘટના બની છે તે ઝેબર સ્કૂલના પ્રિન્સિપલ શર્મિષ્ઠા સિન્હાએ કહ્યું કે, ગાર્ગી તુષાર રાણપરા ધો. 3માં અભ્યાસ કરતી હતી. તેણીને છાતીમાં દુઃખાવો થયો હતો. શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. 108ને ફોન કરી બોલાવી હતી, પરંતુ બાળકીને તકલીફ વધુ હોય સ્ટાફની ખાનગી ગાડીમાં બાળકીને ઝાયડસ હોસ્પિટલ ખસેડાઈ હતી.

કાર્ડિયાક અરેસ્ટના લીધે મોત
દરમિયાન પ્રાથમિક તપાસમાં કાર્ડિયાક અરેસ્ટના લીધે બાળકીનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. બાળકી અમદાવાદમાં દાદા-દાદી સાથે રહેતી હતી. માતા-પિતા મુંબઈમાં છે. તેમને જાણ કરી દેવાઈ છે. બાળકીને કોઈ બિમારી નહોતી.

To Top