વલસાડ : વલસાડ જિલ્લામાં અનંત ચૌદસ નિમિત્તે 22 સ્થળએ ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતુ. જિલ્લામાં ગણેશ સ્થાપનના બીજા જ દિવસેથી વિસર્જન શરૂ થઇ ગયું હતુ. ત્યારબાદ રોજ થોડા થોડા મંડળોએ વિસર્જન કર્યું હતુ. તેમ છતાં અનંત ચૌદસના રોજ વલસાડ જિલ્લામાં કુલ 509 જેટલા મંડળની 2 હજારથી વધુ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતુ. જેમાં 1400થી વધુ પોલીસ જવાનો અને હોમગાર્ડ તૈનાત કરાયા હતા.
શહેરભરના ગણેશ મંડળો દ્વારા અલગ અલગ વેશભૂષામાં ઢોલ નગારા, ડીજેના તાલ સાથે વિસર્જનયાત્રા રંગેચંગે ગણપતિ બાપા મોર્યાના નારા સાથે શહેરના અલગ અલગ વિસ્તારમાંથી નીકળી આઝાદ ચોક ખાતે આવી પહોંચી હતી. ગણપતિ બાપા મોર્યા ના નારા, ડીજેના તાલે યાત્રા ઔરંગા નદિ કિનારે પહોંચી હતી. જ્યાં વિસર્જન કરાયું હતું. વિસર્જન સમયે કોઈને પણ પાણી સુધી જવા દેવામાં આવતા ન હતા. પાલિકાના સ્ટાફ દ્વારા જ વિસર્જન કરવામાં આવતું હતું. રાજકીય અને ધાર્મિક આગેવાનો એ ઉપસ્થિત રહી યાત્રાનું સ્વાગત કર્યું હતું.
વલસાડ જિલ્લામાં વલસાડ શહેર ઉપરાંત વાપી, ઉમરગામ વિસ્તારમાં અનંત ચૌદસ નિમિત્તે ગણેશ વિસર્જન કરાયું હતુ. જુદા જુદા શહેરી તેમજ ધરમપુર, કપરાડાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભક્તિભાવ પૂર્વક ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતુ. જેમાં સૌથી મોટું વિસર્જન વલસાડ અને વાપીનું હતુ. આ વિસર્જન નિર્વિધ્ને પાર પાડવા માટે વલસાડ એસપી ડો. કરનરાજ વાઘેલાની આગેવાનીમાં 3 ડીવાયએસ પી, 15 પીઆઇ, 30 પીએસઆઇ, 600 પોલીસકર્મીઓ તેમજ 650 હોમગાર્ડ અને ટીઆરબી જવાનોની ટીમ ખડે પગે તૈનાત હતી. આ તમામે જિલ્લાના કુલ 22 જેટલા સ્થળએ શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન કરાવ્યું હતુ.
વલસાડમાં ઔરંગા નદી તો વાપીમાં દમણગંગા નદી કિનારે ગણેશજીનું વિસર્જન કરાયું હતુ. આ સિવાય ધરમપુરમાં માન અને તાન નદીમાં ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતુ. આ વર્ષે ગત વર્ષ કરતાં ગણેશોત્સવમાં ઉત્સાહ વધુ જોવા મળ્યો હતો. ગત વર્ષ કરતાં આ વર્ષે વધુ મંડળોએ ગણેશજીની સ્થાપના કરી હતી. જોકે, આ વર્ષે નિર્વિધ્ને મોડી રાત સુધી વિસર્જનની પ્રક્રિયા ચાલી હતી.
કન્ટ્રોલ રૂમ, મેડિકલ ટીમ ફરજ પર રહી
ઔરંગા કિનારે પોલીસ કન્ટ્રોલ રૂમ, મેડિકલ ટીમ, તરવૈયાઓની ટીમ, ક્રેન, જ્યારે વિસર્જન સ્થળે નગરપાલિકાના કર્મચારીઓને મોટી સંખ્યામાં ફરજ પર મુકાયા હતા.
રાષ્ટ્રગીત શરૂ કરાતા હજારો લોકોએ ઊભા થઈ રાષ્ટ્રગીત ગાયું
આઝાદ ચોક ખાતે એક ગણેશ મંડળ દ્વારા રાષ્ટ્રગીત શરૂ કરાતા હજારો લોકોએ ઊભા થઈ રાષ્ટ્રગીત ગાયું હતું. બીજી તરફ એક યુવાને ‘સ્ટોપ સ્યુસાઈડ’ના બેનર સાથે ઉભા રહી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો.
દમણમાં દસ દિવસમાં 67 ગણેશ પ્રતિમાનું વિસર્જન કરાયું
દમણ : સંઘપ્રદેશ દમણમાં 10 દિવસ સુધી સ્થાપિત કરાયેલી ગણેશજીની પ્રતિમાનું વિધિવત પૂજા અર્ચના કર્યા બાદ આજરોજ ડીજે તથા અન્ય વાજીંત્રોના સથવારે અશ્રુભીની આંખે વિસર્જન કરવામાં આવ્યું હતું. નાની દમણ જેટી કિનારે પ્રશાસન દ્વારા પણ જરૂરી સુવિધા ઉભી કરવામાં આવી હતી. જ્યાં ખાસ તરવૈયાઓ દ્વારા વિસર્જિત હેતુ લાવવામાં આવેલ બાપ્પાની મૂર્તિને વિધિવત વિસર્જિત કરવાનું કાર્ય કર્યું હતું. આજના દિવસે છેલ્લા ઘણા વર્ષોથી દમણ પોલીસ વિભાગ દ્વારા સ્થાપિત કરવામાં આવતા ગણશેનું પણ વિસર્જન કરાયું હતું. આ પ્રસંગે દમણ પોલીસ વિભાગના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સાથે પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિસર્જનના દિવસે થતાં ટ્રાફિકને દૂર કરવા માટે દમણ પોલીસ દ્વારા પણ વિસર્જન રૂટ જે નક્કી કરવામાં આવ્યો હતો એ રૂટ પર ચાંપતો બંદોબસ્ત ગોઠવી ટ્રાફિક સમસ્યા ન સર્જાય તેની તકેદારી લીધી હતી. દમણમાં દોઢ દિવસ, અઢી દિવસ, પાંચ દિવસ તથા 10 દિવસ મળી ટોટલ 67 ગણેશ પ્રતિમાઓ નોંધાવા પામી હતી. જેમાં આજરોજ 12 થી વધુ મોટી ગણપતિ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.