લતા મંગેશકર મહાન ગાયિકા છે પણ એક વાત સખેદ જણાવીશ કે એઓએ એમની નાની બહેનો આશા ભોંસલે સિવાય કોઈ પણ ગાયિકાને ચલચિત્ર જગતમાં પગપેસારો કરવા દીધેલ નહીં. બાકી સુમન કલ્યાણપુરે ગાયેલ ‘‘આજકલ તેરે મેરે પ્યાર કે ચર્ચે હર ઝબાન પર’’સાંભળી કોઈ પણ વ્યક્તિ એવું કહે કે આ લતાજીનો અવાજ નથી? સ્વર્ગસ્થ વ્યક્તિ માટે સાચું પણ હોય તો પણ લખી ન શકાય, પરંતુ એઓ થોડા ઘમંડી હતા અને 14 વખત સંગીતકાર નદીમ-શ્રવણને તારીખ આપીને સ્ટુડિયો પહોંચેલ નહીં અને એઓએ ગીત 15 મી વખતે અન્ય ગાયિકા પાસે ગવડાવેલ. મહાન સંગીતકાર શંકર-જયકિશન બેલડીનું ભંગાણ કરવામાં લતાજીનો હાથ હતો. કિશોર કુમાર લતાદીદીનો ચાહક હતો અને એઓ કરતાં હંમેશા રૂા. 1/- (એક) ઓછો લેતો હતો. સંગીતકાર જયદેવે ‘‘એ મેરે વતન કે લોકો’’આશા ભોંસલે પાસે ગવડાવેલ, તે સમયે લતા દીદી અને જયદેવના અબોલા હતા, પરંતુ જ્યારે લતાજીને ખબર પડી કે આ ગીત સીમાચિહ્ન બની શકે છે તો સ્ટુડિયો પહોંચી આશાની તબિયત બરોબર ન હોવાથી પોતે આ ગીતમાં સ્વર આપશે એમ જણાવી જયદેવ પાસે પોતાનો સિક્કો સાચો પાડેલ. બેશક ઘણું જ સારું ગીત હતું.
સ્વર્ગસ્થ જવાહરલાલ નહેરૂ ગીત સાંભળી રડી પડેલ હોય તો ગીત કેટલું સારું બનેલ હોય. લતાદીદીએ 20 વર્ષ પહેલાં ગીત ક્ષેત્રમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી, ત્યાર બાદ તમામ ગાયિકાઓને ચાન્સ મળતો થયેલ. દરેક ભાષા મળી કુલ 30,000થી વધુ ગીત લતા દીદીએ ગાયેલ. એઓ આજીવન અપરિણીત હતા. લગ્ન પ્રસ્તાવ સમયે આવનાર યુવકે લતા દીદીને બે લાઈન ગીત ગાવા કહ્યું તો મુરતિયાને ‘‘નાપાસ’’કરેલ. લતા દીદી એકહથ્થુ શાસન આજીવન ચલાવેલ. બે અભિનેત્રીએ ગીત ગાવાનું હોય તો બન્ને અભિનેત્રી લતાનો અવાજનો આગ્રહ રાખતી, છેવટે સંગીતકારે બંને અભિનેત્રી માટે માત્ર અને માત્ર લતાનો અવાજ લેવો પડતો, ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં 30 હજાર ગીત બદલ એઓનું નામ અંકિત છે. પાક પરવર દિગાર એઓના આત્માને શાંતિ આપે.(નોંધ : ‘એ મેરે વતન કે લોગો’ગીતના સંગીતકાર સી. રામચન્દ્ર છે. બીજો વિગતદોષ એ છે કે લતાજીએ 30 હજાર ગીતો ગાયાં નથી.)
સુરત – હોશંગ નાલ્લાદારૂ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે