Editorial

ઇશાન ભારતમાં નજીકના ભવિષ્યમાં સ્થાયી શાંતિ મુશ્કેલ જણાય છે

ઇશાન ભારત એટલે કે ઉત્તર-પૂર્વીય ભારત એ લાંબા સમયથી, બલ્કે ભારતને આઝાદી મળી ત્યારથી જ એક સળગતું રહેલું ક્ષેત્ર છે. ઇશાન ભારતના સાત રાજ્યોમાંથી મોટા ભાગના રાજ્યો સમસ્યાગ્રસ્ત છે. મણિપુરના વંશીય તોફાનો તો આપણે હાલમાં જ જોઇ લીધા છે અને હજી પણ ત્યાં તનાવ તો ચાલુ જ છે. મિઝોરમ અને નાગાલેન્ડની સમસ્યાઓ પણ જૂની છે. આસામમાં અલગતાવાદી ચળવળ પણ નોંધપાત્ર જૂની છે.

આસામ અને ત્રિપુરામાં વળી બાંગ્લાદેશમાંથી ઘૂસણખોરીએ પણ સમસ્યા સર્જી છે. આ બધી સમસ્યાઓ વચ્ચે હાલ દેશ માટે કેટલાક રાહતના સમાચાર મળ્યા છે અને તે એ કે આસામ અને નાગાલેન્ડના કેટલાક ઉગ્રવાદી જૂથો મંત્રણા માટે તૈયાર થયા છે જેમાં આસામના એક જૂથે તો સરકાર સાથે શાંતિ કરાર પણ કર્યા છે. યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ(ઉલ્ફા)ના મંત્રણા તરફી ફાંટાએ હાલમાં કેન્દ્ર અને આસામ સરકારો સાથે એક શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં તેઓ હિંસાનો ત્યાગ કરવા, સંગઠનને વિખેરી નાખવા અને લોકશાહી પ્રક્રિયામાં જોડાવા સહમત થયા હતા.

કરાર પર હસ્તાક્ષર થયા તે સમયે જેઓ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વ સર્મા સાથે હાજર હતા તે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું હતું કે આસામના લોકો માટે આ એક ઘણો મોટો દિવસ છે. લાંબા સમયથી ચાલતી હિંસાને કારણે આસામને ઘણુ સહન કરવું પડયુ છે અને ૧૯૭૯થી ચાલતી હિંસામાં દસ હજાર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. શાહે જણાવ્યું હતું કે ઉલ્ફા, કે જે આસામનું સૌથી જૂનુ ઉગ્રવાદી જૂથ છે જે હિંસા છોડી દેવા, સંગઠનને વિખેરી નાખવા અને લોકશાહી પ્રક્રિયામાં જોડાવા સંમત થયું છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે કરારના ભાગરૂપે આસામને એક મોટું વિકાસ પેકેજ આપવામાં આવશે. કરારની દરેક કલમ સંપૂર્ણપણે લાગુ પાડવામાં આવશે. જો કે અહીં એ નોંધપાત્ર છે કે પરેશ બરુઆના વડપણ હેઠળનું ઉલ્ફાનું હાર્ડલાઇન જૂથ આ કરારમાં જોડાયું નથી. પરેશ બરુઆ ચીન-મ્યાનમાર સરહદે કોઇ સ્થળે રહેતો હોવાનું મનાય છે. ઉલ્ફાની રચના ૧૯૭૯માં એક સાર્વભૌમ આસામની માગ સાથે થઇ હતી.

ત્યારથી આ સંગઠન ભાંગફોડિયા પ્રવૃતિઓમાં સંડોવાયેલુ રહ્યું છે અને કેન્દ્ર સરકારે તેને ૧૯૯૦માં એક પ્રતિબંધિત સંગઠન જાહેર કર્યું હતું. આ સંગઠનનું રાજખોવા જૂથ સરકાર સાથે ૩ સપ્ટેમ્બર, ૨૦૧૧માં શાંતિ મંત્રણામાં એના પછી જોડાયું હતું જ્યારે સસ્પેન્શન ઓફ ઓપરેશન્સ કરાર પર ઉલ્ફા, કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે હસ્તાક્ષર થયા હતા. વર્ષોની મંત્રણાઓ પછી હાલ શાંતિ કરાર થયો છે પરંતુ બરૂઆ જૂથ તરફથી જોખમ તો છે જ તે ધ્યાનમાં રાખવું જોઇએ.

બીજી બાજુ નાગાલેન્ડમાંથી રાહતના સમાચાર એ આવ્યા છે કે ત્રણ નાગા જૂથો ભેગા મળ્યા છે અને તેમણે કેન્દ્ર સાથે દાયકાઓ જૂના નાગા રાજકીય વિવાદનો અંત લાવવા માટે સંયુક્તપણે મંત્રણાઓ કરવાનો નિર્ણય કર્યો છે.આ નિર્ણય શનિવારે એક બેઠકમાં લેવાયો હતો જેમાં ત્રણ જૂથો – અકાતો ચોફીની આગેવાની હેઠળના નેશનલ સોશ્યાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ(એનએસસીએન), ખાંગોની આગેવાની હેઠળના એનએસસીએન અને ઝેડ. રોયીમની આગેવાની હેઠળની નાગા નેશનલ કાઉન્સિલ(એનએનસી)ના નેતાઓ હાજર રહ્યા હતા.

આ ત્રણેય જૂથો એક મોટા જૂથમાંથી છૂટા પડેલા સ્પ્લીન્ટર જૂથો છે. આ ત્રણેય જૂથો ૨૦૨૪માં એક સંયુક્ત રાજકીય સાહસ કરવા માટે ભેગા થયા છે એમ અકાતોએ આ બેઠક પછી પત્રકારોને સંબોધન કરતા જણાવ્યું હતું, જે સંબોધન વખતે અન્ય બે જૂથોના નેતાઓ પણ હાજર હતા. શું તેમણે મંત્રણા કરવાના તેમના નિર્ણય અંગે કેન્દ્ર સરકારનો સંપર્ક કર્યો છે? એવું પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે ભૂતકાળમાં અમે અલગ અલગથી સંપર્ક કર્યો હતો પણ હવે અમે નાગા મુદ્દે સંયુક્ત પ્રયાસ કરીશું.

અકાતોએ એ પણ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ નાગા નેશનલ પોલીટિકલ ગ્રુપ(એનએનપીજી)ની કારોબારી સમિતિ દ્વારા યોજવામાં આવી રહેલ મંત્રણાઓથી અલગ રીતે એક મંત્રણા કેન્દ્ર સાથે યોજશે. એનએનપીજી એ ફક્ત સાત જૂથો ધરાવે છે જયારે અન્ય નાગા જૂથો આ સંગઠન છોડી ગયા છે એ મુજબ તેમણે જણાવ્યું હતું. નાગા રાજકીય વિવાદ એ દેશમાં સૌથી લાંબા સમયથી ચાલી રહેલ ઉગ્રવાદ મનાય છે.

કેન્દ્ર સરકાર એનએસસીએન-આઇએમ સાથે ૧૯૯૭થી અને એનએનપીજીની કારોબારી સમિતિ સાથે ૨૦૧૭થી મંત્રણાઓ યોજી રહી છે. હવે આ નાગા જૂથો મંત્રણા માટે આગળ આવ્યા છે તેથી નાગભૂમિમાં શાંતિની આશા જાગી છે, જો કે આમ જોવા જાવ તો નાગાલેન્ડમાં અને આસામમાં ઠીક ઠીક લાંબા સમયથી કોઇ મોટી ઘટના બની નથી પરંતુ ત્યાં અશાંતિનો ભય ઝળુંબતો રહે છે તે કઠોર વાસ્તવિકતા છે.

ઇશાન ભારતના સેવન સિસ્ટર્સ તરીકે ઓળખાતા રાજ્યો આમ પણ શેષ ભારત કરતા કંઇક જુદી ભૂરાજકીય સ્થિતિ ધરાવે છે અને ત્યાંની સંસ્કૃતિ, રીત રિવાજો ખૂબ જુદા છે. કેટલીક ઐતિહાસિક બાબતો પણ ત્યાંની પ્રજાના એક મોટા વર્ગને અલગતાવાદ માટે પ્રેરે છે. વળી, ત્યાં વિશિષ્ટ પ્રકારના વંશીય તનાવો પણ પ્રવર્તે છે. હાલનો મહિનાઓથી ચાલી રહેલો મણીપુરનો તનાવ આનુ ઉદાહરણ છે. હાલની સરકાર સહિતની કેન્દ્ર સરકારોએ ત્યાંના લોકોને દેશના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે પ્રયાસો તો કર્યા છે અને તેમાં કંઇક સફળતા પણ મળી છે પરંતુ આમ છતાં ત્યાંના તનાવો અને સંઘર્ષો પુરા શમી નથી રહ્યા તે કઠોર હકીકત છે.

Most Popular

To Top