સંતરામપુર : સંતરામપુરના વાજીયાખૂંટ ગામે વાહન ચેકીંગ દરમિયાન ભાગેલી ગાડીનો પોલીસે પીછો કરી પકડી પાડી હતી. બાદમાં તેમાં તપાસ કરતાં પોશ ડોડાનો નવ સો કિલો જથ્થો મળી આવ્યો હતો. જે પોલીસે જપ્ત કરી ગાડી ચાલક સામે કાર્યવાહી હાથ ધરી હતી. સંતરામપુર ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિતની ટીમ વાજીયાખૂંટ ગામે વાહનો ચેકીંગ કરી રહ્યાં હતાં. તે દરમયાન પીકઅપ ડાલા ગાડી આવતી હતી. જેનાં ચાલકે પોલીસને જોતા ગાડી પૂરઝડપે દોડાવી ગાડી ઊભી રાખી નહતી.
ગાડી ભગાવીને નાસવાની કોશિશ કરતા પોલીસે પીકઅપ ડાલા ગાડીનો પીછો કરીને ગાડીના ચાલક અશોક બિશ્રનોઇને ગાડી સાથે ઝડપી પાડ્યો હતો. પીકઅપડાલા વાહનમાં લસણના કોથળાની આડમાં વચ્ચે પોશ ડોડાની 46 બોરીઓ મળી આવી હતી. જે સંદર્ભે કાર્યવાહી કરતાં અંદાજીત 900 કિલો પોશ ડોડાનો જથ્થો અંદાજીત કીંમત રુપિયા 27,45,330 નો તથા પીકઅપ ડાલા ગાડી અંદાજીત કીંમત રુપિયા ત્રણ લાખની અને લસણ કિંમત રૂ.35,000નો મલી કુલ રૂ.30,80,330નો મુદ્દામાલ કબજે કરીને ગાડીના ચાલક અશોક બિશ્રનોઇ વિરુધ્ધ નારકોટીકસ એકટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ પોશડોડાનો જથ્થો કયાંથી ભરાયો ? અને કોને આપેલો છે ? આ જથ્થો બાડમેરમાં કોને આપવાનો હતો ? તેની તપાસ કરીને તેના મુખ્ય સુત્રધારોને શોધી ધરપકડ કરવા ચક્રોગતિમાન કરાયાં છે.