છેલ્લા કેટલાક સમયથી એવું લાગે છે કે આ વિભાગ માટે આવતા ચર્ચાપત્રોમાં ભાષાવિવેક જળવાતો નથી અને જે તે વ્યક્તિ/સંસ્થા/તંત્રની ટીકા નિયમિત રીતે અમુક રેગ્યુલર ચર્ચાપત્રીઓ દ્વારા કરવામાં આવે છે. તેઓને જે તે વ્યક્તિ/સંસ્થા/તંત્ર એ કોઈ સારું કાર્ય કર્યું હોય એવું લાગતું જ નથી. ઉદાહરણ તરીકે આજે એક રેગ્યુલર ચર્ચાપત્રી ભાઈએ પ્રધાનમંત્રી પાછળ થતાં ખર્ચ માટે જે ક્લિષ્ટ ભાષા વાપરી છે તે શોભાસ્પદ નથી. આપણા દેશમાં છેલ્લા દસ દિવસથી ચાલતા એક ઉત્સવ પાછળ અને ખાસ તો ગઈકાલે વિસર્જન વખતે વ્યવસ્થા પાછળ અને મૂર્તિને વ્યવસ્થિત ડુબાડવા માટે સમગ્ર દેશના સરકારી તંત્રે કેટલો ખર્ચ કર્યો હશે તે આ ભાઈને કોઈ પૂછશે? સરકારી તંત્રના આવા ખર્ચ બંધ કરવા હોય તો પ્રજા ને ઊત્સવ ન ઊજવવાની ફરજ પાડવી પડે. તેમ પ્રધાનમંત્રી પાછળનો ખર્ચ બંધ કરવા એ પદ જ નાબુદ કરવું પડે. આજના જ અંકમાં એવું બીજું ચર્ચા પત્ર ડોક્ટર અંગેનું છે. જે વાત એમણે લખી છે તે જનરલાઈઝ ન કરી શકાય. તેઓ પોતે માંદા પડે ત્યારે ડોક્ટર પાસે ન જવાના હોય તો વાત જુદી છે. ટૂંકમાં એટલી વિનંતી કે જે ચર્ચાપત્રોમાં ભાષા વિવેક અંગે ધ્યાન રખાય તો સારું.
સુરત – અરવિંદ દલાલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ચિનગારી આગ પકડે તે પહેલા…
ગણેશવિશર્જન સમગ્ર ગુજરાતમાં શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું તે માટે હિન્દુ મુસ્લિમ બંન્ને કોમનું દાપણ અને સંયમ જવાબદાર છે. આમ છતા, સૈયદપુરા, ભરૂચ, વડોદરા અને છેક નખત્રાણા સુધી ગણેશ પંડાલો પર પથ્થર ફેંકવાના બનાવો બની ચૂકયા છે. આ દુષ્કૃત્ય નાજુકદ દિમાગના કિશોરોના હાથે કરાવવામાં આવ્યું છે. આની પાછળ અસામાજિક ભેજાબાજનું સુવિચારિત સુનિશ્ચિત ષડયંત્ર છે. કાંકરીચાળો નિમિત્ત બને અને કોમી દીવાલ ભડકી ઉઠે એ એની મુરાદ રહી છે. મુસ્લિમ બિરાદરો! એ કહેવાની જરૂર નથી કે તમે તમામ કોમવાદી જેહાદી માનસિકતા ધરાવતા નથી. નથી જ. તમે હિંદુ મુસ્લિમ ભાઇચારામાં બંને કોમના સહઅસ્તિત્વમાં માનો છો.
તમારામાં આ દેશ માટેનો રાષ્ટ્રપ્રેમ પણ એટલો જ છે જેટલો અન્ય કોઇ રાષ્ટ્ર પ્રેમીમાં છે. એક નહીં અનેક મુસ્લિમ શાયરોએ રાષ્ટ્ર ભાવનાથી પ્રેરિત અનેક અણમોલ ગીતો આપ્યા છે. ધાર્મિક કટ્ટરતાથી મુકત તમે સાચી સમજણ અને શાણપણ ધરાવો છો. તો બિરાદરો! હવે સમયનો તકાજો છે કે તમે જ કોમમાં રહેલા કોમને બદનામ કરતા આવા જેહાદી અસામાજિક તત્વોને ખુલ્લા પાડો. તેમને તમારાથી અલગ પાડો, એમની સામે અવાજ ઉઠાવો! નહીં તો તમારી ખામોશીની કિંમત માનવતાના ભીષણ રકતપાતથી ચૂકવવી પડશે. એટલે જઆ ચિનગારી આગ પકડે તે પહેલા એ અનિવાર્ય થઇ પડયું છે કે બંને કોમના સમજુ, શાણા શિક્ષિત સુધીજનો, કોમ અને કોમ વચ્ચે ભાઇચારાની નિસબત ધરાવતા માનવપ્રેમીજનો જે તે ધર્મ અને સમાજના અગ્રણીઓ સત્વરે સભાન બને. કોમવાદી અસામાજિક તત્વો સાથે ગોષ્ઠિ કરે, સમ્યવાદ કરે, એમને ધર્મની સાચી સમજણ આપે.
સુરત – દિલીપ વૈદ્ય– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.