રાજસત્તાથી પ્રભાવિત થઈ ભારતમાં ઉર્દૂ પ્રગટી, અંગ્રેજોના શાસનમાં અંગ્રેજી ભાષા પ્રભાવિત કરતી જઈ. આજે વિશ્વમાં લગભગ છ હજાર જેટલી ભાષા બોલાય છે. ભારતમાં તો વિવિધતામાં એકતા છે અને એક અંદાજ મુજબ એકસોએકવીસ ભાષા બોલાય છે અને સમજી શકાય છે. ભારતીય સંવિધાનમાં બાવીસ ભાષાઓ માન્ય છે. રાજકીય હિતોને કારણે હિન્દી ભાષા આજ પર્યંત પૂર્ણપણે રાષ્ટ્રભાષા બની શકી નથી અને સંકુચિત ગંદા રાજકારણનો વિશેષ પ્રભાવ હોવાથી રાષ્ટ્રપ્રેમમાં યોગ્ય પ્રમાણસરની જરૂરી ભાવના પ્રસરી શકી નથી, અને પ્રાદેશિક ભાષાઓનું જ પ્રાધાન્ય રહ્યું છે, તે સાથે અંગ્રેજી ભાષાનું ચલણ છવાયેલું છે જુદા જુદા રાજકીય પક્ષો અને આગેવાનો મતભેદની ભાષા જ બરાબર જાણે છે અને તેને અનુસરે છે.
હાલમાં દક્ષિણ ભારતમાં એજ મતભેદની ભાષા ચાલી રહી છે અને તેનું પરિણામ ખૂબ જ ખરાબ આવી શકે તેમ છે, રાષ્ટ્રીય એકતા સામે જોખમ ઊભું થયું છે. મતભેદની ભાષા ઈતિહાસ સર્જી શકે છે, બદલી શકે છે. બાંગ્લાદેશ, પાકિસ્તાનથી છૂટું રાજ્ય થયું, તેમાં બાંગ્લા ભાષાનો મુદ્દો મતભેદની ભાષામાં પ્રગટ થયો હતો. મતભેદની ભાષા દૂર કરવા કેન્દ્ર સરકાર કદાચ નવી ત્રિભાષી ફોર્મ્યુલા વિચારી રહી છે. વિશાળભારતનું એકવાર તો દુ:ખદ વિભાજન થઈ ગયું હતું અને હવે રાષ્ટ્રની અખંડતા જ સાચો રાષ્ટ્રધર્મ બની ચૂક્યો છે. સ્વતંત્રતા અને લોકશાહીના જતન માટે રાષ્ટ્રધર્મ અનિવાર્ય આવશ્યક્તા છે. આ સત્ય તમામ ભારતીયોએ સમજવું રહ્યું.
સુરત – યુસુફ એમ. ગુજરાતી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ગાંધીયુગનું સંભારણું: નીલમબેન પરીખ
ગાંધી દૈહિક રીતે નથી. પરંતુ વિચારનું લાંબુ આયુષ્ય હોય છે. એવું કહેવાથી છતાં ગાંધીવિચાર પણ હવેથી વિલય થતો દેખાય છે. તેવા કાળે બહુમુખી પ્રતિભાના માલિક ગાંધી પરિવારના એક મૂલ્યવાન તેજસ્વી તારલાં તે નીલમબેન પરીખનું નિધન ખૂબ જ દુ:ખદ ઘટના છે. નીલમબેન જોડે મેં વ્યારા દક્ષિણાયાન વિદ્યાલયમાં 26 વર્ષ સુધી ખૂબ જ આત્મીય ભાવે કામ કર્યાનો બેહદ ગર્વ અને સંતોષ છે. સાદગી, સ્પષ્ટ વૈચારિકતા, દંભ જરા પણ નથી, કામ કરનાર કાર્યકરો સાથે પ્રેમાળ ભર્યો વહેવાર, કદી ક્રોધે ભરાયાનું જાણ્યું નથી.
પોતાની મક્કમતા, માન્યતામાં દૃઢપણું, અદભૂત નિર્ણય શક્તિ, સેવાકીય કામો પ્રત્યે બેમિસાલ લગાઉ અને સંપૂર્ણ નિષ્ઠા, શિક્ષણ ક્ષેત્રમાં પડેલો માણસે કેવો હોવો જોઈએ તેનું જ્વલંત ઉદાહરણ એમની કાર્યશૈલીમાં દેખાય. તેજસ્વી સંતાન ડો. સમીર નાના હતા ત્યારથી મેં એમને ખૂબ નજીકથી જોયા છે. હાથમાં રેંટિયાની પેટી લઈ સ્કુલે જતા અને આજે ડોક્ટરની પેટી હાથમાં લઈ જતા જોઉં છું ત્યારે ખૂબ ગૌરવ મહેસુસ થાય છે. મારા જીવનના ઘડતર અને વિચારના અંશો નીલમબેન/યોગેન્દ્રબાઈ પરીખથી સભર છે. કદી ન ભૂલાય એવી વેદનશીલ, બહુપ્રતિભાના માલિકને લાખ લાખ વંદન પણ વામણા લાગે એવું છે.
વ્યારા – બાબુ દરજી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
