ખેતીવાડીનું જ્ઞાન થયા બાદ પરિવાર, લગ્ન સંબંધ, સમાજ રચી નગર રાજયમાં રહેતો માનવ તેના વિસ્તારમાં ઉદ્ભવેલી સંસ્કૃતિ સાથે જીવવા લાગ્યો ત્યારે અભિવ્યકિતના માધ્યમની જરૂરત ઊભી થઇ. વિશ્વના અનેક પ્રદેશોમાં વાચા ફૂટી, માનવ પોતીકી રીતે બોલતો થયો, તે બાદ ચિત્રાત્મક લિપિઓ જન્મી, ભાષાવૈભવ પ્રાપ્ત થયો, ઘણી ભાષાઓ લિપિ વગર પણ ચાલતી રહી. આજે એક અંદાજ મુજબ વિશ્વમાં બોલાતી ભાષાઓની સંખ્યા છ હજાર આઠસોથી વધુ છે, જેમાંથી નેવું ટકા ભાષાઓ બોલનારની સંખ્યા એક લાખથી ઓછી છે, બસો ભાષાઓ બોલનાર દસ લાખથી વધુ સંખ્યામાં છે.
ચીની ભાષાના ઉપયોગકર્તાઓ પ્રથમક્રમે છે, બીજા ક્રમે સ્પેનિશ છે અને ત્રીજા ક્રમે અંગ્રેજી, અરબી અને હિન્દી છે. ભારતમાં લગભગ ચુમ્માળીસ ટકા લોકો હિન્દીભાષી છે, હિન્દી ભારતની રાષ્ટ્રભાષા છે, તેની સાથે અંગ્રેજીને પણ કેન્દ્ર સરકારની અધિકારિક માન્યતા અપાઇ છે. ભારતમાં ભાષાવાર રાજયોની રચના થઇ છે, ત્યાં પ્રાંતીય ભાષાને માન્યતા અપાયેલી છે.
જો કે હિન્દી ભાષા ભારત સિવાય પણ આજુબાજુના પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, તિબેટ જેવા દેશોમાં પણ બોલાય છે, ઉપરાંત જયાં જયાં ભારતીયોની મોટી વસ્તી છે, ત્યાં પણ ત્યાંની સ્થાનિક ભાષા કરતાં હિન્દીનો વધુ ઉપયોગ થાય છે. પૂર્વોત્તર તથા દક્ષિણ ભારતમાં પણ હિન્દી કડીરૂપ ભાષા બની રહે છે, જમ્મુ-કાશ્મીર, લડાખમાંયે હિન્દી વ્યવહાર સાધે છે ભારતમાં હિન્દી ભાષી ફિલ્મો અને તેનાં ગીતોએ પણ એકતા સાધી છે. એક ધ્યાન ખેંચતી હકીકત, એ છે કે ફિજીમાં રાષ્ટ્રભાષા હિન્દી છે. મોગલો, મુસ્લિમ શાસકોએ સૈકાઓ સુધી શાસન કર્યું ત્યારે ફારસીનું ચલણ રહ્યું પણ દોઢ – બે સદીમાં અંગ્રેજો તેમની અંગ્રેજી ભાષાથી છવાઇ ગયા.
આ સમય દરમિયાન દેશના જુદા જુદા ભાગમાંથી લશ્કરમાં ભરતી થયેલા સિપાહીઓના શંભુમેળામાં એક નવી જ મિશ્રિત ભાષાનો ઉદ્ભવ થયો જે લશ્કરી કે ઉર્દૂ ભાષા ગણાઇ. ભારતની પ્રાચીનતમ સંસ્કૃત ભાષાને દેવ ભાષા કહેવામાં આવે છે તો ઇસ્લામના પવિત્ર ગ્રંથને આસમાની કિતાબ માની અરબી ભાષા ગૌરવવંતી બની છે. માતાને ખોળે શીખેલી ભાષા માતૃભાષા બની રહે છે.
સુરત – યૂસુફ એમ. ગુજરાતી- આ લેખમાં પ્રગટ થયેલાંવિચારો લેખકનાં પોતાના છે.